તબીબ બનવા ઈચ્છતા ૨૨ લાખ વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યુું
નાસિકના શુભમે ૧૦ લાખમાં પેપર મેળવી ૧૫ લાખમાં અન્યને વેચ્યું, ત્યાંથી રાજસ્થાન સહિત દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં પહોંચ્યું
સમગ્ર પેપર લીકની તપાસમાં સીબીઆઈ સાથે અનેક રાજ્યોની પોલીસ જોડાઈઃ દેશભરમાંથી ૪૫ની ધરપકડ ઃ એનઈટી દ્વારા પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે
મુંબઇ - દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે ગઈ તા. ત્રીજી મેએ લેવાયેલી નીટ યુજી પરીક્ષાનું પેપર ફૂટી ગયાનું બહાર આવતાં આ પરીક્ષા યોજનારી એજન્સી ધી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સમગ્ર પરીક્ષા જ રદ કરી દેતાં સમગ્ર રાષ્ટ્રમાંથી આ પરીક્ષા આપનારા ૨૨ લાખ વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. આ વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં વ્યાપેલા ભારે આક્રોશ વચ્ચે કેન્દ્ર સરકારે સમગ્ર પેપર લીકની તપાસ સીબીઆઈને સોંપી હતી. સીબીઆઈ તથા જુદાં જુદાં રાજ્યોની પોલીસોએ સંયુક્ત રીતે હાથ ધરેલી તપાસમાં મહારાષ્ટ્રના નાસિકથી પેપર લીક થયા બાદ રાજસ્થાન, હરિયાણા, યુપી, જમ્મુ અને કાશ્મીર, બિહાર સહિતનાં રાજ્યોમાં તે પહોંચાડાયું હોવાનાં મલ્ટી સ્ટેટ રેકેટનો પર્દાફાશ થયો હતો. આજે દિવસ દરમિયાન આ પરીક્ષા લીક પ્રકરણમાં જુદાં જુદાં રાજ્યોમાં ૪૫ લોકોની અટકાયત કરાઈ હોવાના અહેવાલો છે.
નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લાખો વિદ્યાર્થીઓના હિતમાં અને પારદર્શિતા જાળવવા માટે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. હવે નવી પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરાશે. દેશનાં કુલ ૫૫૧ શહેરો ઉપરાંત વિદેશનાં ૧૪ શહેરોમાં પણ આ પરીક્ષા લેવાઈ હતી. હવે વિદ્યાર્થીઓએ નવેસરથી રજિસ્ટ્રેશન કરાવવાની જરુર નહીં પડે. મૂળ પરીક્ષાના ડેટાનો જ ઉપયોગ કરાશે.
આ પરીક્ષાનું પેપર ફૂટી ગયાની ચર્ચા ગઈ સાતમી મેથી શરુ થઈ હતી અને રાજસ્થાન પોલીસની એસઓજીએ તપાસ શરુ કરી હતી. આજે બહાર આવેલી માહિતી પ્રમાણે આ પેપર લીકની શરુઆત નાસિકથી થઈ હતી. નાસિકના ૩૦ વર્ષીય શુભમ ખૈરનાર નામના શંકાસ્પદ આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ પ્રશ્નપત્ર ૧૦ લાખ રૃપિયામાં ખરીદ્યું હતું અને એવું બહાર આવ્યું છે કે પાછળથી તેને ૧૫ લાખ રૃપિયામાં વેચી દીધું હતું..
નાસિકથી લીક થયેલું આ પ્રશ્નપત્ર હરિયાણા પહોંચ્યું હતું. અહીં પેપરના ૧૦ સેટ તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નીટ પ્રશ્નપત્ર હરિયાણાથી બિહાર, આંધ્રપ્રદેશ, જમ્મુ અન કાશ્મીર સુધી સરળતાથી પહોંચી ગયું. દરમિયાન, આ કેસમાં નાસિકના નંદગાંવથી ૩૦ વર્ષીય શંકાસ્પદ શુભમ ખૈરનારને નાસિક ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યો છે. રાજસ્થાન પોલીસે આપેલી માહિતી મુજબ કાર્યવાહી કરાઈ હતી.
મૂળ નંદગાંવનો શુભમ બીએએમએસના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે અભ્યાસ માટે નાસિકમાં હતો. અમે રાજસ્થાન પોલીસ સાથે સહયોગ કરી રહ્યા છીએ. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. નાસિક ક્રાઇમ બ્રાન્ચ-૨ એ આ કાર્યવાહી કરી છે.
નાસિકથી આ પેપર દેશનાં અન્ય રાજ્યોમાં પહોંચ્યું હતું. સીબીઆઈ તથા વિવિધ એજન્સીઓ સોશિયલ મીડિયા રેકોર્ડ, મની ટ્રેઈલ, ડિજિટલ ડેટા વગેરે ચકાસી રહી છે અને સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.


