Get The App

નિતેશ રાણેને જાહેર શાંતિના ભંગ માટે 1 માસની કેદ, 1 લાખનો દંડ

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
નિતેશ રાણેને જાહેર શાંતિના ભંગ માટે  1 માસની કેદ, 1 લાખનો દંડ 1 - image

ગોવા હાઈવેના ખાડા માટે એન્જિનિયર પર કાદવ ફેંક્યો હતો

સરકારી કર્મચારી પર હુમલાના આરોપમાંથી મુક્તિ પણ જાહેર શાંતિના ભંગ માટે સજાઃ હાઈકોર્ટમાં અપીલ કરશે

મુંબઈ -  મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના મંત્રીમંડળમાં મંત્રી રહેલા નિતેશ રાણેને સાર્વજનિક શાંતિ ભંગ કરવો તથા તે માટે ઉશ્કેરવાના આરોપ હેઠળ  એક મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આ જેલની સજાની સાથે કણકવલી કોર્ટે એક લાખ રૃપિયાના દંડનો પણ આદેશ આપ્યો છે. આ ચુકાદો નિતેશ રાણે માટે મોટો ફટકો માનવામાં આવે છે. બીજી તરફ, નિતેશ રાણેના વકીલોએ કહ્યું છે કે તેઓ હવે આ ચુકાદા સામે બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરશે.

કણકવલી કોર્ટે કાદવ ફેંકવાના કેસમાં શાંતિ ભંગ બદલ નિતેશ રાણેને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. આ જ નિર્ણય હેઠળ નિતેશ રાણેને એક મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમને એક લાખનો દંડ પણ ભરવો પડશે. જોકે, આ જ બનાવમાં સરકારી કર્મચારી પર હુમલાને લગતી કલમમાં તેમને નિર્દોષ ઠેરવાયા છે.  

મુંબઈ- ગોવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખાડા અને ખરાબ હાલત બદલ ડેપ્યુટી એન્જિનિયર પ્રકાશ ખેડેકર પર કાદવ ફેંંકવાના કેસમાં જિલ્લા સેશન્સ કોર્ટે નિતેશ રાણે સહિત ૪૦ લોકોને સરકારી કર્મચારી પર હુમલાના નિર્દોષ જાહેર કર્યા છે. જુલાઈ ૨૦૧૯માં જ્યારે નિતેશ રાણે કોંગ્રેસમાં હતા ત્યારે ડેપ્યુટી એન્જિનિયર પ્રકાશ શેડેકર પર કાદવ ફેંકવામાં આવ્યો હતો. કોર્ટે આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કંકાવલી શહેરમાં રસ્તાઓની હાલત કાદવવાળી થઈ ગઈ હતી. તે સમયે ખેડેકર પાસે જવાબ માંગીને તેમના પર કાદવ ફેંકવામાં આવ્યો હોવાની અને મારપીટ કરવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી.

નિતેશ રાણેએ રોડ ઇન્સ્પેક્શન કેસમાં એન્જિનિયર પ્રકાશ ખેડેકર પર કાદવ ફેંક્યો હતો. તેમને બાંધી પણ દેવામાં આવ્યા હતા. આ સાથે ખેડેકરના કપડાં પકડીને તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું . આ કેસનો વીડિયો પણ તે સમયે વાયરલ થયો હતો. આ કેસ પ્રકાશમાં આવ્યા બાદ રાણેની ભારે ટીકા થઈ હતી. નિતેશ રાણે આ કેસમાં મુંબઈ હાઇકોર્ટમાં અપીલ કરશે, એવી માહિતી રાણેના વકીલોએ આપી છે.

નિતેશ રાણે વિરુદ્ધ કલમ ૩૫૩ (સરકારી કર્મચારીની મારપીટ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ગુનાની સાથે નિતેશ રાણેને કેટલાક અન્ય મહત્વપૂર્ણ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ કોર્ટે નિતેશ રાણેને ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૪ હેઠળ દોષિત ઠેરવ્યા છે, એટલે કે જાહેર શાંતિનો ભંગ કરવો, કોઈને શાંતિનો ભંગ કરવા માટે ઉશ્કેેરવું. વકીલે જણાવ્યું હતું કે તેમને એક મહિનાની જેલ અને એક લાખ રૃપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. દરમિયાન, હવે બોમ્બે હાઈકોર્ટમાં ખરેખર શું થશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.