Get The App

નીરવ મોદીની યુકે પ્રત્યાર્પણ કેસ ફરી ખોલવાની અરજી

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
નીરવ મોદીની યુકે પ્રત્યાર્પણ કેસ ફરી ખોલવાની અરજી 1 - image

ભારતમાં અત્યાચારના જોખમનું  બહાનુ આગળ ધરીને

ભારતની બેન્કો સાથે  છેતરપિંડીના આરોપી નીરવ મોદીને પૂછપરછ દરમ્યાન સતામણી થવાનો ભય 

ભાગેડૂ હીરા વેપારી નીરવ મોદીની લંડન હાઈ કોર્ટમાં ભારતમાં તેની પ્રત્યાર્પણ અપીલ ફરી ખોલવાની મંજૂરી માગતી અરજી પર સુનાવણી પૂરી થઈ છે. તેની કાનૂની ટીમે દલીલ કરી છે કે ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ દરમ્યાન તેના પર અત્યાચારનું અથવા અમાનવીય વ્યવહારનું જોખમ રહેલંી છે. પંજાબ નેશનલ બેન્ક છેતરપિંડી કેસમાં આશરે બે અબજ ડોલરની છેતરપિંડી અને મની લોન્ડરીંગમાં કથિત સંડોવણી માટે ભારતમાં તેઓ વોન્ટેડ છે. 

નીરવ મોદી હાલ જેલમાં છે અને તેણે આ સુનાવણી દરમ્યાન વીડિયો લિન્ક દ્વારા હાજરી આપી હતી. નીરવ મોદીના બચાવનો મુખ્ય આધાર સંજય ભંડારીના ઉદાહરણનો હતો, જેનું પ્રત્યાર્પણ માનવીય અધિકારોના મુદ્દે અટકાવી દેવામાં આવ્યું હતું. નીરવ મોદીના વકીલે દલીલ કરી કે ભારતીય સરકારે આપેલી ખાતરીઓ સંભવિત દુર્વ્યવહાર અટકાવવા માટે પૂરતી તેમજ વિશ્વસનીય નથી.

નીરવ મોદી દ્વારા વધુમાં એવો પણ દાવો કરાયો હતો કે તેની સામે વધારાના બિન-જામીનપાત્ર વોરન્ટ જારી કરવામાં આવી શકે અને શક્યપણે તેને સીબીઆઈ અને ઈડી ઉપરાંતની બહુવિધ એજન્સીઓ દ્વારા પૂછપરછ માટે મુંબઈની આર્થર રોડ જેલમાંથી ગુજરાતમાં લઈ જવામાં આવે. તેમણે જણાવ્યું કે આવા સંજોગોને કારણે બળજબરીભરી પૂછપરછ થઈ શકે છે જેનાથી આંતરરાષ્ટ્રીય માનવીય અધિકારોનું ઉલ્લંઘન થઈ શકે છે.

અપીલનો વિરોધ કરતા ફરિયાદી પક્ષે દલીલ કરી કે અરજી વિલંબીત તેમજ ખોટી ધારણા પર આધારીત હતી. ફરિયાદીઓએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતની ખાતરીઓ વિશ્વસનીય છે, ખાસ કરીને કેસના હાઈ પ્રોફાઈલ પ્રકારને જોતા તેમાં ઉલ્લંઘનને કોઈ અવકાશ નથી.

ઉલ્લેખનીય છે કે કોર્ટ નીરવ મોદીની અપીલ નકારે તો ૨૦૨૧માં તત્કાલીન યુકે ગૃહ સચિવ પ્રીતિ પટેલ દ્વારા મંજૂરીત પ્રત્યાર્પણ પ્રક્રિયા આગળ વધશે અને ભારતમાં બહુવિધ આરોપો બાબત તેની સુનાવણી શરૃ થઈ શકશે.