નીરવ મોદીની યુકેમાં પ્રત્યાર્પણ કેસ ફરી ઉખેળવાની માગણી

ભારતમાં ત્રાસ ગુજારવામાં આવશે તેવા બહાને
ભારતીય એજન્સીઓએ નીરવ મોદીની વધુ પૂછપરછ તેમજ નવા આરોપો નહીં કરવાની ખાતરી આપી
ભારતના સૌથી મોટા બેંકિંગ કૌભાંડના આરોપી ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી તેના પ્રત્યાર્પણ કેસની સુનાવણી ફરીથી શરૃ કરવા માટે અરજી કરશે જેની સુનાવણી ૨૩ નવેમ્બેરના રોજ લંડનની એક કોર્ટમાં કરવામાં આવશે. યુકેની જેલમાં છ વર્ષથી બંધ તેમજ સુપ્રીમ કોર્ટ સુધીની તમામ કાનૂની અપીલો ખતમ કરી ચૂકેલા નીરવ મોદી હવે વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં ગયા છે, અને દાવો કર્યો છે કે ભારત પ્રત્યાર્પણથી તેમને અનેક એજન્સીઓ દ્વારા પૂછપરછનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તેમના પર દુર્વ્યવહાર થવાની શક્યતા રહે છે.
ભારતની વિવિધ એજન્સીઓ તેમની પૂછપરછ કરી શકે છે તેવી ચિંતાના આધારે વેસ્ટમિન્સ્ટર કોર્ટ તેમની દલીલ પર વિચાર કરશે પરંતુ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે તેમના વર્તમાન આરોપો પૂરતા પ્રમાણમાં દસ્તાવેજીકૃત છે અને ચાર્જશીટ પહેલેથી દાખલ થઈ ચુકેલી છે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે હાલના તબક્કે નીરવ મોદીની પૂછપરછ બિનજરૃરી છે અને ખાતરી આપી કે પ્રત્યાર્પણ પછી કોઈપણ વધુ પૂછપરછ વિના તેની સામે ભારતીય કાયદા અનુસાર કેસ ચલાવવામાં આવશે. એજન્સીએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે તેમની પર હાલના આરોપો ઉપરાંત નવા કોઈ આરોપ કરવામાં નહિ આવે.
પંજાબ નેશનલ બેંકમાંથી કપટપૂર્વક લેટર ઓફ અંડરટેકિંગ દ્વારા રૃા. ૬,૪૯૮ કરોડ વધુની છેતરપિંડી સંબંધિત આરોપોમાં નીરવ મોદીની ધરપકડ બાદ તેના પ્રત્યાર્પણની માગણી કરવામાં આવી છે. તે ૧૯ માર્ચ, ૨૦૧૯થી કસ્ટડીમાં છે અને એપ્રિલ ૨૦૨૧માં તત્કાલીન બ્રિટિશ ગૃહ સચિવ પ્રીતિ પટેલ દ્વારા તેમના પ્રત્યાર્પણનો ઔપચારિક આદેશ આપવામાં આવ્યો હતો. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે પ્રત્યાર્પણ પછી નીરવ મોદીને તેની સલામતી સામે કોઈ જોખમ ન સર્જાય અને ભીડ તેમજ દુર્વ્યવહાર જેવી સમસ્યાઓ ન થાય તેના માટે ખાસ બનાવવામાં આવેલી મુંબઈની આર્થર રોડ રાખવામાં આવશે.
હાલ નીરવ મોદી ભારતમાં સીબીઆઈ દ્વારા ચલાવવામાં આવતા છેતરપિંડીના આરોપો, ઈડી દ્વારા મની લોન્ડરીંગના આરોપો તેમજ સીબીઆઈના કેસ સંબંધમાં પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા કરવાના પૂરક આરોપો જેવી ત્રણ અલગ અલગ ફોજદારી કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. લંડનમાં આગામી કોર્ટનો નિર્ણય આ કાનૂની બાબતોની દિશા પર ગંભીર અસર કરશે અને નીરવ મોદી માટે પોતાનું પ્રત્યાર્પણ રોકવા આ છેલ્લી કોશિશ સાબિત થઈ શકે છે.








