Get The App

માલેગાંવ કેસમાં એટીએસના પુરાવા અવગણવા બદલ એનઆઈએની ઝાટકણી

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
માલેગાંવ કેસમાં એટીએસના  પુરાવા અવગણવા બદલ એનઆઈએની ઝાટકણી 1 - image

બે વિરોધાભાસી ચાર્જશીટને લીધે આ કેસ ડેડ એન્ડ પર ઃ હાઈકોર્ટ

એટીએસએ અગાઉ  ઝડપાયેલાં નવ  મુસ્લિમ આરોપીનાં કાવતરાંની સંપૂર્ણ વિગતો આપી હતી તે અવગણી એનઆઈએએ નવી વાર્તા ઘડી કાઢી

મુંબઈ -  ૩૧ લોકોનો ભોગ લેનારા ૨૦૦૬ના માલેગાંવ વિસ્ફોટ કેસમાં ચાર આરોપીઓને નિર્દોષ છોડતાં  બોમ્બે હાઈકોર્ટે અગાઉ એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા  હાથ ધરાયેલી તપાસના પુરાવાઓને સંપૂર્ણપણે અવગણવા બદલ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું છે કે આ કેસમાં બે જુદી જુદી તપાસ એજન્સીઓએ રજૂ કરેલી તદ્દન વિરોધાભાસી ચાર્જશીટ્સના કારણે આ સમગ્ર કેસ એક ડેડ એન્ડ પર પહોંચી ગયો છે. 

હાઈકોર્ટે  ગઈકાલે ચાર આરોપીઓ રાજેન્દ્ર ચૌધરી, ધન સિંહ, મનોહર રામ સિંહ નરવરિયા અને લોકેશ શર્માને નિર્દોષ જાહેર કર્યા હતા અને નોંધ કરી હતી કે આ કેસમાં ટ્રાયલ માટે પૂરતા પુરાવા નથી. આ કેસનો વિસ્તૃત ચુકાદો હવે ઉપલબ્ધ થયો છે. 

આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ હત્યા અને ગુનાહિત કાવતરું અને ગેરકાયદેસર (પ્રવૃત્તિઓ) નિવારણ અધિનિયમ (યુએપીએ) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. હાઇકોર્ટે, સપ્ટેમ્બર ૨૦૨૫ ના ચાર આરોપીઓ સામે આરોપો ઘડવાના વિશેષ અદાલતના આદેશને રદ કરતા જણાવ્યું હતું કે ન્યાયાધીશે બુદ્ધિપૂર્વક રીતે ચુકાદો આપ્યો નથી. .

૮ સપ્ટેમ્બર, ૨૦૦૬ના રોજ, મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ શહેરમાં ચાર બોમ્બ વિસ્ફોટ થયા હતા, ત્રણ હમીદિયા મસ્જિદ અને બડા કબ્રસ્તાનના પરિસરમાં શુક્રવારની નમાજ પછી થયા હતા, અને ચોથો બોમ્બ મુશાવરત ચોકમાં થયો હતો, જેમાં ૩૧ લોકો માર્યા ગયા હતા અને ૩૧૨ લોકો ઘાયલ થયા હતા.

મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ શ્યામ ચાંડકની બેન્ચે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે  એટીએસ દ્વારા થયેલી તપાસ તથા ચાર્જશીટમાં અગાઉ આ કેસમાં ઝડપાયેલા નવ  મુસ્લિમો દ્વારા રચાયેલાં સમગ્ર કાવતરાંની અથથી  ઈતિ વિગતો અપાઈ હતી. પરંતુ એનઆઈએ દ્વારા એટીએસની તપાસ અને ચાર્જશીટને સંપૂર્ણ અવગણવામાં આવી હતી. 

માલેગાંવ વિસ્ફોટો મુસ્લિમ આરોપીઓએ કર્યા હોવાનું અગાઉ તપાસ એજન્સીઓએ જણાવ્યું હહતું. પરંતુ, એટીએસ પાસેથી તપાસનો હવાલો સંભાળ્યા બાદ એનઆઈએએ દાવો કર્યો હતો કે આ વિસ્ફોટો જમણેરી ઉગ્રવાદીઓએ કર્યા હતા. બંને એજન્સીઓના વિરોધાભાસી કથનથી આ કેસ એક બંધગલીમાં ફસાઈ ગયો છે અને તેમાં કોઈ પ્રગતિ થઈ રહી નથી એમ હાઈકોર્ટ દ્વારા જણાવાયું હતું. 

કોર્ટે જણાવ્યું હતું કે,એટીએસએ ઘટના સ્થળેથી ગુનાહિત પુરાવા એકત્રિત કર્યા હતા અને ઘટના સ્થળ અને નવ આરોપીઓમાંથી એકના ગોડાઉનમાંથી એકત્રિત કરવામાં આવેલા માટીના નમૂનાઓમાં આરડીએક્સના નિશાન દર્શાવતા ફોરેન્સિક પુરાવા પણ હતા. બંને નમૂનાઓ સમાન હોવાનું જાણવા મળ્યું હોવાનું નોંધ્યું હતું.

મૃત્યુદંડની સજાને આમંત્રણ આપી શકે એવા હત્યા જેવા ગંભીર ગુના માટે આરોપ ઘડવા  ટ્રાયલ કોર્ટે  સતર્ક રહેવું જોઈએ કે આરોપી સામે કાર્યવાહી કરવા માટે પૂરતી સામગ્રી છે કે નહીં, એમ હાઇકોર્ટે અવલોકન કર્યું હતું. 

એટીએસ અને સીબીઆઈ દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓને ટ્રાયલ કોર્ટ દ્વારા કેવી રીતે અવગણી શકાય તે અંગે કોઈ સ્પષ્ટતા નથી, એમ તેમાં ઉમેર્યું હતું. આજે જે પરિસ્થિતિ છે તે ઘટનાના બે વિરોધાભાસી સંસ્કરણો આપે છે. અગાઉની બે તપાસ એજન્સીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવા નાશ પામ્યા નથી અને તેથી વિશેષ અદાલત દ્વારા તેનો વિચાર કરવો પડશે, એમ કોર્ટે અભિપ્રાય આપ્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું હતું કે ચારેય આરોપીઓ સામે ફરિયાદ પક્ષનો કેસ ફક્ત સાંયોગિક  પુરાવા પર આધારિત છે.