શાહરુખના મન્નત બંગલાના વિસ્તરણ સામેની અરજી એનજીટીએ ફગાવી

બે માળ ઉમેરવા સામેનું વિઘ્ન દૂર થયું
કોસ્ટલ ઝોન ઓથોરિટીએ આપેલી પરવાનગી સામે વાંધો ઉઠાવાયો હતો
મુંબઇ - ફિલ્મ સ્ટાર શાહરૃખ ખાનના મન્નત બંગલોના રિનોવેશન સામેની અરજી ધ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ફગાવી દીધી છે. મુંબઇ સેન્ટ્રલ વિસ્તારના એક એક્ટિવિસ્ટે અપીલ કરી હતી કે દરિયા કિનારે આવેલા ઇમારતના રિનોવેશન માટે મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (એમસીઝેડ એમએ)એ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) મંજૂરી આપવામાં ભૂલ કરી છે.
એનજીટીની પુણે બેન્ચે અપીલને ફગાવતા કહ્યું હતું કે અપીલમાં કોઇ વજુદ નથી. હાલના રોડ અને ફીકસ્ડ સ્ટ્રક્ચર્સથી જમીન તરફના (દરિયાથી દૂર) બાજુએ સીઆરઝેડ- ટુમાં ગણાતું બાંધકામ હતુ આથી સીઆરઝેડ નોટિફિકેશન ૨૦૧૯ હેઠળ મંજૂરીને પાત્ર બને છે. શરતોને આધીન મંજૂરી આપવામાં આવી હતી તેવું એનજીટીએ કહ્યું હતું.
આ પ્લોટ રેસિડેન્શિયલ ઝોનમાં આવેલો છે અને જાહેર હેતુ માટે રિઝર્વ રાખવામાં આવ્યો ન હતો તેવું અવલોકન બેન્ચે કર્યું હતું. મન્નત બંગલો ગ્રેડથી હેરિટેજ સ્ટ્રક્ચર છે આથી જરૃરી પરવાનગીઓ મેળવ્યા પછી જ સ્ટ્રક્ચરલ રિપેરિંગ હાથ ધરી શકાય છે તેવી રજૂઆત એક્ટિવિસ્ટની પીટિશનમાં કરવામાં આવી હતી.
મન્નત બંગલો છ માળનો છે અને તેમાં બે વધુ માળ ઉમેરવાની શાહરુખની યોજના છે. બિલ્ટઅપ એરિયામાં ૬૧૬.૦૨ ચોરસ મીટરનો ઉમેરો કરાશે.








