Mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂનીના એંધાણ? શરદ પવારના NDAમાં જોડાવાની અટકળો વચ્ચે આઠવલે અને રાઉતના મોટા નિવેદન

By GS Team
25 Nov 20262 mins read
TukuTouch Logo
શરદ પવાર NDAમાં જોડાવાની અટકળો વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જો શરદ પવાર 2019માં NDAમાં જોડાયા હોત, તો વડાપ્રધાન મોદી તેમને 2022માં રાષ્ટ્રપતિ બનાવત. અઠાવલેએ પોતે પણ પવારને NDAમાં જોડાવા અનેકવાર વિનંતી કરી હતી. મહારાષ્ટ્રના રાજકારણમાં આ મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે, જોકે કોઈ સત્તાવાર જાહેરાત નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂનીના એંધાણ? શરદ પવારના NDAમાં જોડાવાની અટકળો વચ્ચે આઠવલે અને રાઉતના મોટા નિવેદન

Sharad Pawar NDA Joining News : NCP (શરદચંદ્ર પવાર)ના NDAમાં જોડાવાની અટકળો વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ મોટું નિવેદન આપ્યું છે. અઠાવલેએ દાવો કર્યો છે કે જો શરદ પવાર 2019ની લોકસભા ચૂંટણી સમયે NDAમાં જોડાયા હોત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને 2022માં દેશના રાષ્ટ્રપતિ બનાવત. અઠાવલેએ કહ્યું કે તેમણે પોતે પણ શરદ પવારને અનેક વખત NDAમાં જોડાવા માટે આગ્રહ કર્યો હતો. શરદ પવારની પાર્ટી NDAમાં જોડાશે કે નહીં તે અંગે મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, અત્યાર સુધી ભાજપ કે NCP (શરદચંદ્ર પવાર) તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

‘PM મોદી શરદ પવારનું ખૂબ સન્માન કરે છે’

રામદાસ અઠાવલેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શરદ પવારનું ખૂબ સન્માન કરે છે. તેમના મતે, જો શરદ પવાર 2019માં NDA સાથે આવ્યા હોત તો 2022માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી તેમના નામ પર ચોક્કસ વિચાર કરતા અને તેમને રાષ્ટ્રપતિ બનાવવાની શક્યતા હતી. અઠાવલેએ એવો પણ દાવો કર્યો કે તેમણે 2019માં શરદ પવારને કોમન મિનિમમ પ્રોગ્રામના આધારે NDAમાં જોડાવા માટે અનેક વખત વિનંતી કરી હતી, પરંતુ ત્યારે વાત આગળ વધી શકી નહોતી.

છગન ભુજબળે કહ્યું- પવાર શું કરશે તે કોઈ કહી શકે નહીં

શરદ પવાર NDAમાં જોડાવાની ચર્ચા વચ્ચે મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે અલગ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે વ્યક્તિગત રીતે તેમને એવું લાગતું નથી કે શરદ પવાર NDAમાં જોડાશે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે શરદ પવાર અલગ વ્યક્તિત્વ ધરાવે છે અને તેઓ ભવિષ્યમાં શું નિર્ણય લેશે તે કોઈ કહી શકે નહીં.

સંજય રાઉત NDAમાં જોડાવાની શક્યતા નકારી

શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે શરદ પવાર NDAમાં જોડાય તેવી શક્યતા અંગે અસહમતિ વ્યક્ત કરી હતી. રાઉતે કહ્યું કે શરદ પવાર સાથે આ મુદ્દે તેમની અનેક વખત વાત થઈ છે. રાઉતે કહ્યું કે પવાર સાહેબે આખી જિંદગી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા લોકો સામે લડત આપી છે. તેમણે મહાત્મા ફૂલે, શાહુ મહારાજ અને ડૉ. આંબેડકરના વિચારોનો પ્રચાર કર્યો છે. રાઉતના મતે, શરદ પવાર એવી શક્તિઓ સાથે જોડાશે નહીં, જે દેશ કે મહારાષ્ટ્રને નુકસાન પહોંચાડી શકે. તેમણે સુપ્રિયા સુલે પણ આવી કોઈ રાજકીય દિશામાં આગળ નહીં વધે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.