Get The App

નવા ભારતની સમૃદ્ધિનું પ્રતિક 'નવી મુંબઈનું નવું એરપોર્ટ': મોદી

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
નવા ભારતની સમૃદ્ધિનું પ્રતિક 'નવી મુંબઈનું નવું એરપોર્ટ': મોદી 1 - image


- ગતિ, પ્રગતિ વિકસિત ભારતની ઓળખ: મુંબઈ એશિયાનું સૌથી મોટું કનેક્ટિવિટી હબ બનશે

- નવું એરપોર્ટ અદાણી જૂથ તથા મહારાષ્ટ્ર સરકારનું સંયુક્ત સાહસ: 19650 કરોડનાં ખર્ચે પહેલા તબક્કાનું કામ પૂર્ણ

મુંબઈ : નવી મુંબઈ એરપોર્ટ વિકસિત ભારતની ઝાંખી છે અને તેના થકી મુંબઈ રિજિયન એશિયાનું સૌથી મોટું કનેક્ટિવિટી હબ બનશે એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધઘાટન કરતી વખતે જણાવ્યું હતું. દેશનાં સૌથી મોટાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ નવી મુંબઈ એરપોર્ટના પહેલા તબક્કાનું બાંધકામ ૧૯,૬૫૦ કરોડના ખર્ચે કરાયું છે. આ એરપોર્ટ પર કમર્શિયલ ઓપરેશન્સ ડિસેમ્બર ૨૦૨૫થી શરુ થશે.

૧૧૬૦ હેક્ટરમાં તૈયાર થયેલું એરપોર્ટ હાલ પહેલા તબક્કામાં એક ટર્મિનલ અને એક રન વે દ્વારા સંચાલિત થશે. તે વર્ષે બે કરોડ પ્રવાસીઓ હેન્ડલ કરે તેવી ધારણા છે. આ એરપોર્ટ મહારાષ્ટ્ર સરકારની એજન્સી સિડકો તથા અદાણી  ગૂ્રપનું સંયુક્ત સાહસ છે. અદાણી જૂથનો તેમાં ૭૪ ટકા હિસ્સો છે. 

વડાપ્રધાને નવી મુંબઈ એરપોર્ટનું ઉદ્ધઘાટન કરવાની સાથે સાથે મુંબઈ અન્ડરગ્રાઊન્ડ મેટ્રો થ્રીના છેલ્લા તબક્કાનું તથા મુંબઈ વન એપનું પણ લોકાર્પણ કર્યું હતું. 

એરપોર્ટના ઉદ્ધઘાટન સમારોહમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર, નાગરિક ઉડ્ડયન પ્રધાન મુરલીધર મોહોલ ઉપરાંત અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી પણ હાજર રહ્યા હતા. 

તેમણે કહ્યું હતું કે હવે ગતિ અને પ્રગતિ એ વિકસીત ભારતની વિશેષ ઓળખ છે. વંદેભારત ટ્રેનો, નવા  હાઈવેઝનું નિર્માણ, એક્સપ્રેસ વે ટનલ્સ, દરિયાઈ પૂલો  સહિતના પ્રોજેક્ટમાં દરેક જગ્યાએ ગતિ તથા વિકાસ જોવા મળે છે. 

તેમણે કહ્યું હતું કે કમળ આકારનું નવું વિમાની મથક વિકસીત ભારતની ઝાંખી આપે છે.  આ એરપોર્ટ શિવાજી મહારાજની ભૂમિ પર આકાર પામ્યુું છે. તે સંસ્કૃતિ અને  સમૃદ્ધિનું  પ્રતીક છે. હવે આ એરપોર્ટ થકી ખેડૂતો અને માછીમારો  તેમનાં ઉત્પાદનોને વૈશ્વિક  સ્તરે પહોંચાડી  શકશે.  તેમણે કહ્યું હતું કે ૨૦૧૪માં મેં વડાપ્રધાન  તરીકે  કાર્યભાર સંભાળ્યો ત્યારે દેશમાં ૭૪ એરપોર્ટ હતાં.  હવે તેની સંખ્યા વધીને ૧૬૦ થઈ ગઈ છે.  ભારત વિશ્વનું ત્રીજું મોટું એવિએશન માર્કેટ બન્યું છે. નવા  વિમાનો આવી રહ્યાં છે ત્યારે પાયલોટ, ક્રૂ મેમ્બર્સ, ગ્રાઉન્ડ વર્કર્સ,  રિપેરિંગ, મેઈનટેનન્સમાં અનેક નવી  તકો ઊભી થઈ છે. આ દશકાના અંત સુધીમાં ભારત મેઈનટેનન્સ, રિપેર અને ઓવરહોલ ( એમઆરઓ)નું હબ બની જશે. વડાપ્રધાને કહ્યું હતું કે નવી મુંબઈ એરપોર્ટ તથા અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સાથે મુંબઈ  એશિયાનું સૌથી મોટું કનેક્ટિવિટી હબ બની જશે. મુંબઈ જેવા શહેરમાં આટલી કાળજીપૂર્વક બાંધકામ સાથે ભૂગર્ભ મેટ્રો શરૂ કરવી એ એક મોટી સિદ્ધિ છે  તેની સાથે મુંબઈ વન એપ દ્વારા પ્રવાસીઓને સાતત્યપૂર્ણ પ્રવાસ તથા કનેક્ટિવિટી મળશે.  ઉડાન યોજનાને કારણે લાખો  લોકો જિંદગીમાં પહેલીવાર હવાઈ મુસાફરી  કરી રહ્યા છે.  તેમણે નવી મુંબઈ એરપોર્ટને જેમનું નામ મળવાનું છે તે લોકનેતા ડી બી પાટીલને યાદ કરતાં કહ્યું હતું કે તેઓ સમાજ માટે એક પ્રેરણાસ્વરુપ હતા.

Tags :