નહેરુ સાયન્સ સેન્ટરમાં પુસ્તકિયાં જ્ઞાાનને બદલે પ્રેક્ટિકલ પ્રયોગો
હવામાં અદ્ધર વહેતો પાણીનો નળ, ક્રિકેટમાં સ્પિન અને સ્વિંગ થતો દડો, સમુદ્રમાં ડૂબતું જહાજ અને પાણીના પરપોટા સહિતના ૩૫ રસપ્રદ પ્રયોગો
મુંબઈ - નેહરુ સાયન્સ સેન્ટરની નવી શરૃ થયેલી ફન સાયન્સ ગેલેરી ખરેખર તો શાળાનાં વિદ્યાર્થીઓ --વિદ્યાર્થિનીઓ સહિત મોટેરાંને પણ જ્ઞાાન સાથે ગમ્મત કરાવતી વિજ્ઞાાનની આધુનિક પ્રયોગશાળા છે. બાળકના તબક્કાવાર ઉછેર સાથે માતાપિતા અને શિક્ષકો દ્વારા અમુક અટપટી કે રહસ્યમય લાગતી ક્રિયા કે બાબતો શા માટે અને કેવી રીતે થાય છે ? તેની સાથે વિજ્ઞાાનનો કયો સિદ્ધાંત છે ? તેની રસપ્રદ બાબત શીખવવામાં આવે તો એ જ બાળકની બુદ્ધિપ્રતિભા, જિજ્ઞાાસા,કલ્પનાશક્તિ, સર્જનશક્તિ ખીલશે.
આજે નેહરુ સાયન્સ સેન્ટર(વરલી) માં શરૃ થયેલી ન્યુ ફન સાયન્સ ગેલેરીનું ઉદ્ધાટન કરતાં ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(ટી.આઇ.એફ.આર.મુંબઇ)ના ડાયરેક્ટર પ્રો. જયરામ ચેન્ગલુરે શિક્ષણમાં અને માનવ જીવનમાં વિજ્ઞાાનનું મહત્વ સમજાવ્યું હતું. પ્રો.જયરામ ચેન્ગુલરે વિદ્યાર્થીઓને હાઉ ( કેવી રીતે) અને વ્હાય(શા માટે) એવા બે મહત્વના વિજ્ઞાાન સિદ્ધાંતને સરળ રીતે સમજાવતાં કહ્યું હતું કે ખરેખર તો કુદરતમાં અને આપણા રોજબરોજના જીવનમાં જ વિજ્ઞાાનના સિદ્ધાંતો, રહસ્યો, આશ્ચયો છૂપાયેલાં છે. ચોમાસામાં વરસાદ કેવી રીતે વરસે છે, મેઘગર્જના અને વીજળી કેવી રીતે થાય છે, સમુદ્રી તોફાન કઇ રીતે સર્જાય છે ? ક્રિકેટની રમતમાં બોલર સ્પિન અને સ્વિંગ બોલીંગ કઇ રીતે કરી શકે છે ? ટેલિવિઝન પર હરતાં ફરતાં ચિત્રો કઇ રીતે દેખાય છે ?મોબાઇલ ફોન સાથે કોઇ વાયર નહીં હોવા છતાં કઇ રીતે વગેરે કાર્ય કરે છે ? વગેરે બાબતો સાથે પ્રકૃતિનો કે વિજ્ઞાાનનો એક કે બીજો સિદ્ધાંત રહેલો છે.
નવી ફન સાયન્સ ગેલેરી કેવી છે ? તેમાં વિજ્ઞાાનના કયા નવા - રસપ્રદ પ્રયોગો છે ?
નેહરુ સાયન્સ સેન્ટરમાં ૩,૦૦૦ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં શરૃ થયેલી ફન સાયન્સ ગેલેરીમાં કુલ વર્લ્ડ ઓફ ફિઝિક્સ ઝોન, ધ ડિજિટલ ફ્રન્ટિયર ઝોન, બોડી એન્ડ માઇન્ડ ચેલેન્જ ઝોન એમ કુલ ત્રણ ઝોન છે. આ ત્રણેય ઝોનમાં વિજ્ઞાાનના જુદા જુદા સિદ્ધાંત પર આધારિત કુલ ૩૫ રસપ્રદ પ્રયોગ ગોઠવવામાં આવ્યા છે.
આ નવી ફન સાયન્સ ગેલેરી ઃ હું સાંભળું છું તો ભૂલી જાઉં છું, હું જોઉં છું તો યાદ રહે છે. હું કાર્ય (પ્રયોગ) કરું છું તો સમજું છું એવો વિચાર પર આધારિત છે. એટલે કે વિજ્ઞાાન પુસ્તકમાંથી બહાર આવીને તમારા હાથમાં આવ્યું છે.
આ ત્રણેય ઝોનમાં હવામાં તરતો -- વહેતો પાણીનો નળ, ક્રિકેટમાં સ્પિન અને સ્વિંગ થતો દડો, સમુદ્રમાં ડૂબતું જહાજ અને પાણીના પરપોટા, સ્નાયુ શક્તિ, તમે કેટલા ઝડપી છો ? ઃ પ્રકાશને પરાજિત કરો, બાસ્કેટબોલ ચેલેન્જ, ભૂલભૂલામણી સંરચના, ગણિતની પાઇ અને તમારો જન્મ દિવસ શોધો, કોઇપણ ગીતની સંગીત ધૂન ગણગણો ઃ એ.આઇ. તે ગીત ગાશે એમ કુલ ૩૫ પ્રકારના રસપ્રદ પ્રયોગો છે.
નેહરુ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ઉમેશ કુમાર રુસ્તગીએ આ નવી ફન સાયન્સ ગેલેરીનો હેતુ સમજાવતાં ગુજરાત સમાચારને કહ્યું હતું કે આજના નવા અને સાયન્સ -ટેકનોલોજીના યુગમાં શાળાનાં વિદ્યાર્થીઓ -વિદ્યાર્થિનીઓમાં વૈજ્ઞાાનિક દ્રષ્ટિકોણની સમજણ બહુ જરૃરી છે.સાથોસાથ બાળકોમાં નાની ઉંમરે જ જિજ્ઞાાસાવૃત્તિ, કલ્પનાશક્તિ, સર્જનશક્તિ ખીલશે તો તે મોટી વયે જ્ઞાાન-વિજ્ઞાાનના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપી શકશે.
વિજ્ઞાાનીઓ જે રિસર્ચ કરે છે તેનો ખરો અર્થ છે રિ ઃ સર્ચ. એટલે કે ફરીથી શોધવું. કુદરતમાં કે આપણી આજુબાજુ પહેલેથી જ એવું ઘણું બધું ધરબાયેલું છે, રહસ્યમય છે, અકળ છે, આશ્ચર્યજનક છે. તે બધાંનું અસ્તિત્વ પહેલેથી જ છે. આપણે તેને ફરીથી, નવેસરથી શોધીને માનવજાત સમક્ષ રજૂ કરવાનું છે. (૧) હવામાં તરતા -- વહેતો પાણીનો નળ ઃ હવામાં કોઇપણ આધાર વગર તરતા નળમાંથી સતત પાણી વહે છે. કઇ રીતે શક્ય છે ? હકીકત એ છે કે નળ સાથે પારદર્શક પાઇપ જોડવામાં આવ્યો છે, જે નરી આંખે જોઇ શકાતો નથી. આ જ પારદર્શક પાઇપમાંથી પાણી વહે છે. નીચેના હિસ્સાના બોક્સમાં સબમર્સિબલ પંપ ગોઠવ્યો છે. આ જ સબમર્સિબલ પંપ દ્વારા પાણી પેલા પાઇપમાં આવે છે અને સતત વહે છે. (૩) બર્થ ડે ઇન પાઇ ઃ આ પ્રયોગમાં ગણિતનો સિદ્ધાંત છે. તમારી જન્મ તારીખ પાઇ(પાઇ ગણિતનો સ્થિર અંક છે.અપરિમેય સંખ્યા છે) ના પહેલાંના ૧૦ લાખ અંકોમાં કોઇ ચોક્કસ જગ્યાએ છૂપાયેલી છે.મોડેલમાં તમારી જન્મ તારીખ આપો. બસ, જુઓ, વિશ્વની સૌથી પ્રસિદ્ધ સંખ્યામાં તમારી જન્મ તારીખ ક્યાં છે ? (૪) ક્રિકેટના મેદાનમાં સ્પિન -- સ્વિંગ થતો દડો ઃ દડો સ્પિન કે સ્વિગં થાય તેમાં ભૌતિકશાસ્ત્રનો એરોડાયનેમિક સિદ્ધાંત લાગુ પડે છે. એટલે કે બોલ પર હવાની ગતિ અને દિશા બંનેની અસર થાય છે. બોલર તેના હાથની આંગળીઓ અને કાંડાની મદદથી દડાને ગોળ ગોળ ફેરવીને બેટ્સમેન તરફ ફેંકે છે. જ્યારે બોલર દડાની સીમ પર દબાણ કરીને અને હવાની ગતિને સમજીને ત્યારે દડો જમીન પર પડીને સ્વિંગ થાય છે. (૬) બાસ્કેટ બોલ ચેલેન્જ ઃ ખેલાડી બોલ બાસ્કેટની ગોળ રીંગમાં જાય તે રીતે ફેંકે છે. અહીં ભૌતિકશાસ્ત્રનો નિયમ લાગુ પડે છે. ખેલાડીનો હાથ અને આંખનો સમન્વય થાય છે. સાથોસાથ બોલ પેરાબોલીક માર્ગ બનાવીને પેલી ગોળ રીંગમાં જાય છે. (૭) ફિલ્મના ગીતની ફક્ત સંગીત ધૂન ગણગણો ઃ એઆઇ ગીત ગાશે ઃ આ પ્રયોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ) ની અત્યાધુનિક ટેકનોલોજીનો સિદ્ધાંત છે. ધારો કે તમને ફિલ્મના કોઇ ગીતના શબ્દો યાદ નથી. તમે તે ગીતની ફક્ત સંગીતમય ધૂન ગણગણો. એઆઇ તે સંગીત ધૂનને ઓળખી-સમજીને(એન્કોડ કરીને) તરત જ તેની લાઇબ્રેરીમાંથી તે ગીત શોધીને ગાશે.


