મે મહિને ત્રણ તબક્કે શિક્ષકો માટે ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાશે
રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે અપાનારી તાલીમનો અનુદાનિત શાળાનો ખર્ચ સરકાર તો ખાનગી શાળાનો ખર્ચ સંસ્થા જાતે ભોગવશે
મુંબઇ - મહારાષ્ટ્ર સરકારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી ધોરણ ૨, ૩ અને ૪ માટે નવી પાઠયક્રમ વ્યવસ્થા તબક્કાવાર અમલમાં મૂકવાનો નિર્ણય કર્યોે છે. આ બદલાવને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (એસસીઈઆરટી) દ્વારા રાજ્યભરમાં શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમ (ટ્રેનિંગ પ્રોગ્રામ) યોજવામાં આવશે. શાળા સત્ર ૧૫ જૂનથી શરૃ થાય તે પહેલાં મે મહિનામાં આ તાલીમ યોજાશે, જેથી શિક્ષકો નવા અભ્યાસક્રમ માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ શકે.
આ તાલીમ ત્રણ તબક્કામાં અને ત્રણ સ્તરે યોજાશે. રાજ્ય સ્તરની તાલીમ ૪ થી ૭ મે દરમિયાન, જિલ્લા સ્તરની તાલીમ ૧૧ થી ૧૪ મે દરમિયાન અને તાલુકા સ્તરની તાલીમ ૧૮ થી ૩૦ મે દરમિયાન યોજાશે. મરાઠી માધ્યમના શિક્ષકોને ત્રણેય સ્તરે તાલીમ આપવામાં આવશે, જ્યારે ઉર્દૂ માધ્યમના શિક્ષકો માટે રાજ્ય અને જિલ્લા સ્તરની તાલીમ રહેશે. અન્ય માધ્યમના શિક્ષકોને મરાઠી માધ્યમ સાથે તાલીમ આપવામાં આવશે.
તાલીમનો સમયગાળો ધોરણ મુજબ નક્કી કરવામાં આવ્યો છે.ધોરણ ૨ માટે ત્રણ દિવસ અને ધોરણ ૩ અને ૪ માટે ચાર દિવસની તાલીમ રહેશે. જિલ્લા અને તાલુકા સ્તરે તાલીમ આયોજનની જવાબદારી ડિસ્ટ્રિક્ટ ઈન્સ્ટિટયૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (ડીઆઈઈટી) સંસ્થાઓને સોંપવામાં આવી છે, જ્યાં લગભગ ૬૦ શિક્ષકોના સમૂહમાં તાલીમ આપવામાં આવશે અને જરૃરી અભ્યાસ સામગ્રી પૂરી પાડવામાં આવશે. અનુભવી શિક્ષકો અને વિષય નિષ્ણાતો તાલીમ આપશે. સહાયિત અને સરકારી શાળાઓ માટે ખર્ચ સરકાર ઉઠાવશે, જ્યારે બિનસહાયિત શાળાઓએ પોતાનો ખર્ચ પોતે જ ઉઠાવવાનો રહેશે.


