વાશી ખાડીનો નવો પુલ એક માસથી તૈયાર, ઉદ્ધઘાટનનું મુહૂર્ત નથી મળતું
- માનખુર્દની દિશામાં જ જતાં વાહનોને જામ નડે છે
- પહેલી મેનું મુહૂર્ત ચુકી જવાયું, એ પછી મેટ્રો થ્રીનું અલગ ઉદ્ધઘાટન થઈ જતાં વાશી પુલ બાકી રહ્યો
સાયન-પનવેલ હાઇવે ઉપરના છ લેનના જૂના પુલ ઉપર વાહનોનો બહુજ ભરાવો થતો હતો. એટલે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસીએ) તરફથી જૂના પુલની સમાંતર ત્રણ-ત્રણ લેનના બે નવા પુલ બાંધવામાં આવ્યા છે. આમાંથી માનખુર્દથી વાશીની દિશાનો પુલ ગયા ઓકટોબરમાં ખુલ્લો મૂકાયો હતો. પરંતુ વાશીથી માનખુર્દની દિશાનો પુલ તૈયાર થવાને એક મહિનો વિત્યા છતાં હજી ઉદ્ધાટન નથી થયું.
અગાઉ એવી ચર્ચા હતી કે તા. પહેલી મેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ આવવાના છે ત્યારે આ પુલ સહિત કેટલાય પ્રોજેક્ટસનું સામટું લોકાર્પણ થઈ જશે. પરંતુ તે શક્ય બન્યું ન હતું. તે પછી મેટ્રો થ્રીના વરલી સુધીના બીજા તબક્કાનું ઉદ્ધઘાટન મુખ્યપ્રધાનના હસ્તે જ ગયા શુક્રવારે કરી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે આ પુલ બાકી રહ્યો છે.
એમએસઆરડીસીએ દ્વારા પુલના ઉદ્ધાટન માટે રાજ્ય સરકાર પાસે સમય માગ્યો છે. સમૃદ્ધિ માર્ગના ઇગતપુરીથી આપણે (થાણે) વચ્ચેના આખરી તબક્કાના ઉદ્ધાટન સાથે વાશી બ્રિજનું પણ ઉદ્ધાટન થાય એવી કોર્પોરેશનની ઇચ્છા છે. હવે સમૃદ્ધિ માર્ગના છેલ્લાં તબક્કાનું ઉદ્ધાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થાય એ માટે રાજ્ય સરકાર પ્રયાસ કરે છે. પણ હજી સુધી આ પ્રયાસ સફળ ન થયો હોવાથી વાશી પુલનું ઉદ્ધાટન પણ રખડી પડયું છે.
ત્રણ-ત્રણ લેનવાળા બે પુલ ૫૫૯ કરોડના ખર્ચે બાંધવામાં આવ્યા છે. પુલની લંબાઇ ૧૮૩૭ મીટરની છે. નવો પુલ ખુલ્લો મુકાઇ ગયા પછી મુંબઇ અને નવી મુંબઇ વચ્ચે વાહન-વ્યવહારની સમસ્યા દૂર થશે.