- ડોક્ટર બનવા માગતા 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે 'ખિલવાડ' : પેપર નાસિકથી ફૂટયું
- પેપર લીક કેસમાં સીબીઆઈની એફઆઈઆર, તપાસમાં અનેક રાજ્યોની પોલીસ જોડાઈ: દેશભરમાં 45ની ધરપકડ, પરીક્ષાની નવી તારીખ ટૂંકમાં જાહેર કરાશે
- નાસિકના શુભમે 10 લાખમાં પેપર ખરીદી 15 લાખમાં અન્યને વેચ્યું, ત્યાંથી રાજસ્થાન સહિત જુદાં જુદાં રાજ્યોમાં પહોંચ્યું
મુંબઇ: દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી નીટ-યુજી પરીક્ષાનું પેપર લીક થયાનો વિવાદ વકરતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ નીટ પરીક્ષાના ૧૪ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત સંપૂર્ણ પરિક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. એનટીએના આ નિર્ણયથી સમગ્ર દેશમાં ત્રીજી મેએ નીટ-યુજીની પરીક્ષા આપનારા ૨૨ લાખ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. એનટીએના નિર્ણયના પગલે વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં વ્યાપેલા ભારે આક્રોશ વચ્ચે કેન્દ્ર સરકારે સમગ્ર પેપર લીકની તપાસ સીબીઆઈને સોંપી છે. આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરતાં સીબીઆઈએ એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે. બીજીબાજુ પેપર લીકના પ્રકરણમાં અત્યાર સુધીમાં જુદાં જુદાં રાજ્યોમાં ૪૫ લોકોની અટકાયત કરાઈ હોવાના અહેવાલો છે.
નીટ-યુજીની પરીક્ષા ૩ મેએ દેશભરમાં યોજાઈ હતી. ત્યાર બાદ પરીક્ષામાં અનેક ગડબડો થઈ હોવાનું જણાતા રાજસ્થાનમાં એસઓજીએ તપાસ કરી હતી, જેમને ૪૦૦થી વધુ પ્રશ્નોનો એક સેટ મળ્યો હતો, જેમાં ૧૪૦ જેટલા સવાલો સમાન ક્રમ નંબર સહિત નીટના પ્રશ્નપત્રમાં પૂછાયા હતા. રાજસ્થાન એસઓજીએ ૪૫ જેટલા લોકોની અટકાયત કરી હતી. વધુ પુછપરછના આધારે નીટનું પેપર લીક થયું હોવાની અટકળોએ જોર પકડયું હતું. આ અહેવાલોએ દેશભરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પરિણામે મંગળવારે નીટ-યુજી પરીક્ષાનું આયોજન કરનારી સંસ્થા એનટીએએ પહેલી વખત સંપૂર્ણ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો અને કથિત પેપર લીકની તપાસ સીબીઆઈને સોંપી છે.
સીબીઆઈએ આ પ્રકરણમાં ત્વરિત કાર્યવાહી હાથ ધરી એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. સીબીઆઈ તથા જુદાં જુદાં રાજ્યોની પોલીસોએ સંયુક્ત રીતે હાથ ધરેલી તપાસમાં મહારાષ્ટ્રના નાસિકથી પેપર લીક થયા બાદ રાજસ્થાન, હરિયાણા, યુપી, જમ્મુ અને કાશ્મીર, બિહાર સહિતનાં રાજ્યોમાં તે પહોંચાડાયું હોવાનાં મલ્ટી સ્ટેટ રેકેટનો પર્દાફાશ થયો હતો.
નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ કહ્યું કે લાખો વિદ્યાર્થીઓના હિતમાં અને પારદર્શિતા જાળવવા માટે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. હવે નવી પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરાશે. દેશનાં કુલ ૫૫૧ શહેરો ઉપરાંત વિદેશનાં ૧૪ શહેરોમાં પણ આ પરીક્ષા લેવાઈ હતી. હવે વિદ્યાર્થીઓએ નવેસરથી રજિસ્ટ્રેશન કરાવવાની જરુર નહીં પડે. મૂળ પરીક્ષાના ડેટાનો જ ઉપયોગ કરાશે.
આ પરીક્ષાનું પેપર ફૂટી ગયાની ચર્ચા ગઈ સાતમી મેથી શરુ થઈ હતી અને રાજસ્થાન પોલીસની એસઓજીએ તપાસ શરુ કરી હતી. આજે બહાર આવેલી માહિતી પ્રમાણે આ પેપર લીકની શરુઆત નાસિકથી થઈ હતી. નાસિકના ૩૦ વર્ષીય શુભમ ખૈરનાર નામના શંકાસ્પદ આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ પ્રશ્નપત્ર ૧૦ લાખ રૂપિયામાં ખરીદ્યું હતું અને એવું બહાર આવ્યું છે કે પાછળથી તેને ૧૫ લાખ રૂપિયામાં વેચી દીધું હતું..
નાસિકથી લીક થયેલું આ પ્રશ્નપત્ર હરિયાણા પહોંચ્યું હતું. અહીં પેપરના ૧૦ સેટ તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નીટ પ્રશ્નપત્ર હરિયાણાથી બિહાર, આંધ્રપ્રદેશ, જમ્મુ અન કાશ્મીર સુધી સરળતાથી પહોંચી ગયું. દરમિયાન, આ કેસમાં નાસિકના નંદગાંવથી ૩૦ વર્ષીય શંકાસ્પદ શુભમ ખૈરનારને નાસિક ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યો છે. રાજસ્થાન પોલીસે આપેલી માહિતી મુજબ કાર્યવાહી કરાઈ હતી. મૂળ નંદગાંવનો શુભમ બીએએમએસના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે અભ્યાસ માટે નાસિકમાં હતો. અમે રાજસ્થાન પોલીસ સાથે સહયોગ કરી રહ્યા છીએ. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. નાસિક ક્રાઇમ બ્રાન્ચ-૨એ આ કાર્યવાહી કરી છે. નાસિકથી આ પેપર દેશનાં અન્ય રાજ્યોમાં પહોંચ્યું હતું. સીબીઆઈ તથા વિવિધ એજન્સીઓ સોશિયલ મીડિયા રેકોર્ડ, મની ટ્રેઈલ, ડિજિટલ ડેટા વગેરે ચકાસી રહી છે અને સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.
- શુભમે પોલીસથી બચવા પોતાનો દેખાવ બદલી નાખ્યો હતો 
નાસિક પોલીસે જણાવ્યું હતું કે અમને આરોપી શુભમનું નામ તો મળ્યું હતું પણ કોઈ સરનામું નહોતું અને કોઈ વધુ માહિતી નહોતી. અમને કેટલીક ટેકનિકલ માહિતી મળી અને અમે શોધખોળ શરૂ કરી હતી. શુભમે પોતાનો દેખાવ બદલવા પ્રયાસ કર્યો હતો. તેણે પોતાના કપડાં બદલી નાખ્યા હતા.પોતાના આખા વાળ મુંડાવી નાખ્યા હતા. આરોપી શુભમ ખૈરનાર ભગવાનના દર્શન કરવા જઈ રહ્યો હતો. ત્યારે પોલીસે વોચ રાખી રસ્તામાં છટકું ગોઠવીને તેને પકડી લેવામાં આવ્યો . પોલીસે તેની ઓળખ કરી તેની પૂછપરછ હાથ ધરી હતી.
- પેપર ફોડવાના ગૂ્રપમાં ૪૦૦ સભ્ય હતા : નાસિકમાં મીટિંગ થઈ, પ્રાઈવેટ માફિયા વોટ્સએપ ગૂ્રપ બન્યું
મુંબઈ: લીક થયેલા પ્રશ્નો શેર કરવા માટેના હબ તરીકે 'પ્રાઇવેટ માફિયા' નામના વોટ્સએપ ગૂ્રપ બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટેલિગ્રામ દ્વારા પણ પેપર ફરતું કરાયું હતું.
આ જૂથમાં લગભગ ૪૦૦ સભ્યો હોવાનું કહેવાય છે. સભ્યોને નેટવર્કની બહાર સામગ્રી ફોરવર્ડ ન કરવાની સૂચના આપવામાં આવી હતી. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે લીક થયેલા નીટ પ્રશ્નપત્રો અને અનુમાન પેપરો કોચિંગ અને કાઉન્સેલિંગ નેટવર્ક્સ સાથે જોડાયેલ ટેલિગ્રામ ચેનલો દ્વારા શેર કરવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કથિત પેપર લીક રેકેટના આરોપી પરીક્ષા પહેલા નાસિકમાં મળ્યા હતા. એવી શંકા છે કે નીટ પેપરની નકલ પછી નાસિકથી હરિયાણા લઈ જવામાં આવી હતી. હરિયાણામાં એક વખત પ્રશ્નપત્ર પાંચ અલગ અલગ સેટમાં ફરીથી રજૂ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. દરેક સેટમાં લીક થયેલા પ્રશ્નપત્રની ૧૦ નકલો હોવાનું કહેવાય છે. આ નકલો ત્યારબાદ અનેક રાજ્યોમાં કાર્યરત એક વિશાળ નેટવર્ક દ્વારા વિતરિત કરવામાં આવી હોવાનો આરોપ છે.
- પરીક્ષા રદ થતાં કરોડો રૂપિયાનો ખર્ચ એળે ગયો : નીટ માટે બે લાખથી વધુ કર્મચારીઓને 1500થી 5000 ચૂકવાયા હતા
મુંબઇ: નીટ - ૨૦૨૬ પરીક્ષા રદ થતા તેના આયોજનમાં થયેલા કરોડો રુપિયા એળે ગયા છે. જુદાં જુદાં સ્તરે સ્ટાફને ચૂકવણી પાછળ જ ૪૦ કરોડથી વધુ ખર્ચાયા હોવાનો અંદાજ છે આ ઉપરાંત પરીક્ષાના આયોજનમાં સમગ્રતયા અનેકગણો ખર્ચ થયો છે જે બધો હવે વ્યર્થ ગયો છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા ગત ત્રીજી મેના રોજ યોજાયેલી પરીક્ષા માટે દેશભરમાં બે લાખથી વધુ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી. તેમાં ઓબ્ઝર્વર, ઇન્વિજિલેટર, સુપરવાઇઝર, સેન્ટર સુપરિન્ટેન્ડન્ટ, કોઓડનેટર, પોલીસ કર્મચારીઓ તેમજ સુરક્ષા સ્ટાફનો સમાવેશ થતો હતો. જોકે એનટીએ દ્વારા સત્તાવાર રીતે મહેનતાણાની વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ આવા કર્મચારીઓને સામાન્ય રીતે તેમની જવાબદારી મુજબ રુપિયા ૧,૫૦૦થી રુપિયા ૫,૦૦૦ સુધીનું માનધન આપવામાં આવે છે.
જો દરેક કર્મચારીને સરેરાશ ૨,૦૦૦થી વધુ મહેનતાણું ચૂકવાયું હોવાનું માનવામાં આવે, તો માત્ર માનવબળ પાછળનો ખર્ચ જ રુપિયા ૪૦ કરોડથી વધુ સુધી પહોંચે તેવી શક્યતા છે. જોકે માનધનની રકમ રુપિયા ૨,૪૦૦ કે તેથી વધુ હોવાનો પણ અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ અંદાજમાં પરિવહન, સુરક્ષા વ્યવસ્થા, ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા, પ્રશ્નપત્રોની છપાઈ, સર્વેલન્સ સિસ્ટમ, નિવાસ તથા અન્ય વહીવટી ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
અગાઉ કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી હતી કે નીટ યોજનારી એજન્સીને ૨૦૨૩-૨૪નાં વર્ષમાં ફી પેટે ૧૦૬૫ કરોડની આવક થઈ હતી પરંતુ તેની સામે તેને ૧૦૨૦ કરોડનો ખર્ચ થયો હતો.
- દિલ્હીથી ફોન આવ્યા કે પેપર આવી ગયું છે : રાજસ્થાનના સીકરથી સૌથી વધુ સર્ક્યુલેટ થયું : મનીષ યાદવ સૂત્રધાર
- ૧૪૦ પ્રશ્નો બેઠા પૂછાયા: આંતરરાજ્ય નેટવર્કમાં કાઉન્સેલરો, કોચિંગ સેન્ટરો, વિદ્યાર્થીઓ સામેલ
-નાસિકથી રાજસ્થાનના સીકર પેપર પહોંચ્યું. ત્યાંથી હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, બિહાર, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં પેપર પહોંચાડાયું હતં.
-સીકર બહુ મોટું કોચિંગ હબ છે. અહીં દેશભરના વિદ્યાર્થીઓ નીટ સહિતની પરીક્ષાની તૈયારીઓ માટે આવે છે. અહીથી જ મહત્તમ સંખ્યામાં પેપર સર્ક્યુલેટ થયું.
- ફૂટેલાં પેપરમાં બાયોલોજીના તમામ ૯૦ અને કેમિસ્ટ્રીના તમામ ૪૫ પ્રશ્નો બેઠા સામેલ હતા. કુલ ૧૪૦ પ્રશ્નો વિદ્યાર્થીઓને મળી ગયા હતા.
-કેટલાય વિદ્યાર્થીઓને દિલ્હીથી ફોન આવ્યા હતા કે પેપર આવી ગયું છે. બાદમાં તે વ્હોટસ એપ થકી ફરતું કરાયું હતું. હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓએ અંદરોઅંદર પેપર આપ્યું હતું.
- નીટ પરીક્ષાના કાઉન્સેલર્સ, કોચિંગ સેન્ટરોના સંચાલકો ઉપરાંત વિદ્યાર્થીઓ પણ સમગ્ર આંતરરાજ્ય નેટવર્કમમાં સામેલ હોવાનું કહેવાય છે.
-કેટલાય વિદ્યાર્થીઓએ પોતે લાખો રુપિયામાં પેપર ખરીદ્યું હતું. બાદમાં પોતાનો ખર્ચો કાઢવા પચ્ચીસથી ત્રીસ હજારમાં અન્યોને પેપર મોકલ્યું.
-જે વ્હોટસ એપ મેસેજીસના પુરાવા મળ્યા છે તે મલ્ટીપલ ફોરવર્ડસ બતાવે છે. મતલબ કે અનેકાનેક લોકોના મોબાઈલમાં પેપર મોકલાયું હતું.
-રાજસ્થાનના મનીષ યાદવ થથા સંજીવ મુખિયા મુખ્ય સૂત્રધારો હોવાનુ ંકહેવાય છે. આ ઉપરાંત પટણાના મનીષ પ્રકાશ, આશુતોષ સહિતના લોકોના નામ બહાર આવ્યાં છે.


