Get The App

ઓસ્કર 2026માં ટોપ 15 ફિલ્મોમાં નીરજ ઘેયવાનની હોમબાઉન્ડ પસંદ થઇ

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
ઓસ્કર 2026માં ટોપ 15 ફિલ્મોમાં નીરજ ઘેયવાનની હોમબાઉન્ડ પસંદ થઇ 1 - image

ફાઇનલ નોમિનેશન્સની જાહેરાત બાવીસ જાન્યુઆરીએ કરવામાં આવશે  

22જાન્યુઆરીએ ઇન્ટરનેશનલ ફિચર કેટેગરીમાં આખરી પાંચ ફિલ્મોમાં હોમબાઉન્ડ પસંદ થશે તો ઓસ્કર મળવાની મજબૂત તક 

મુંબઇ -  ૨૦૨૬ના ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર કેટેગરી માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવેલી નીરજ ઘેયવાન દિગ્દર્શિત ફિલ્મ હોમબાઉન્ડની ટોપ પંદર ફિલ્મોમાં પસંદગી થઇ છે. આ કેેટેગરીમાં ફાઇનલ નોમિનેશન્સની જાહેરાત ૨૨ જાન્યુઆરીએ કરવામાં આવશે. ફ્રાન્સમાં યોજાતા કાન ફિલ્મોત્સવમાં તથા ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મોત્સવમાં પસંદ થયેલી આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર અને અદર પૂનાવાલાએ કર્યું છે અને તેમાં ઇશાન ખટ્ટર, જાહ્નવી કપૂર અને વિશાલ જેઠવાએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. 

એકેડમી એવોર્ડસ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં ટોપ પંદર ફિલ્મોને શોર્ટ લિસ્ટ કરવામાં આવી છે. મંગળવારે એકેડમી ઓફ મોશન પિકચર્સ એન્ડ આર્ટસ એન્ડ સાયન્સીઝ દ્વારા શોર્ટ લિસ્ટ કરવામાં આવેલી ફિલ્મોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં હોમબાઉન્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે આ કેટેગરીમાં વોટિંગનો નેકસ્ટ રાઉન્ડ શરૃ થશે. જેના અંતે આ કેટેગરીમાં આખરી પાંચ ફિલ્મોની જાહેરાત કરવામાં આવશે. આ પાંચ ફિલ્મોના નામ બાવીસ જાન્યુઆરીએ ફાઇનલ થશે. 

એકેડમી એવોર્ડસ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં પસંદ થયેલી હોમ બાઉન્ડ સહિત ટોપ પંદર ફિલ્મોમાં  આર્જેન્ટિનાની બેલેન, બ્રાઝિલની ધ સિક્રેટ એજન્ટ, ફ્રાન્સની ઇટ વોઝ જસ્ટ એન એક્સિડેન્ટ,જર્મનીની સાઉન્ડ ઓફ ફોલિંગ, ઇરાકની ધ પ્રેસિડેન્ટસ કેક, જાપાનની કોકુહો, જોર્ડનની ઓલ ધેટ્સ લેફ્ટ ઓફ યુ, નોર્વેની સેન્ટિમેન્ટલ વેલ્યુ, પેલેસ્ટાઇનની પેલેસ્ટાઇન ૩૬, સાઉથ કોરિયાની નો અધર ચોઇસ, સ્પેનની સિરાટ, સ્વિત્ઝરલેન્ડની લેટ શિફ્ટ, તાઇવાનની લેફ્ટ હેન્ડ ગર્લ અને ટયુનિશિયાની ધ વોઇસ ઓફ રજબનો સમાવેશ થાય છે. 

આ ફિલ્મ પત્રકાર બશરત પીરના ધ ન્યુયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત લેખ ટેકિંગ અમૃત હોમ પરથી પ્રેરિત છે. આ ફિલ્મને ફ્રાન્સના કાન ફિલ્મોત્સવમાં અનસર્ટન રિગાર્ડ કેટેગરીમાં દર્શાવવામાં આવી ત્યારે દર્શકોએ સતત નવ મિનિટ તાળીઓ પાડી તેને વધાવી લીધી હતી. આ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડયુસર્સ માટિન સ્કોર્સીસી અને  પ્રવિણ ખૈરનાર છે. ઇન્ટરનેશનલ ફિલ્મોત્સવોમાં આ ફિલ્મને સારો આવકાર મળ્યો છે. સ્કોર્સિસીએ જણાવ્યું હતું કે ૨૦૧૫માં મેં નીરજની મસાન ફિલ્મ જોઇ હતી અને તે મને ગમી હતી. તેથી નિર્માતા મેલિટા પ્લાનિટિયરે મને તેની આ બીજી ફિલ્મ મોકલી ત્યારથી હું તેને જોવા આતુર હતો. નીરજે સુંદર ફિલ્મ બનાવી છે જે ભારતીય સિનેમામાં મહત્વનું પ્રદાન બની રહેશે.