Mumbai

ઓસ્કર ૨૦૨૬માં મોકલવા માટે નીરજ ઘેયવાનની હોમબાઉન્ડ ફિલ્મ પસંદ થઇ

By GS TEAM
20 Sep 20252 mins read
ઓસ્કર ૨૦૨૬માં મોકલવા માટે નીરજ ઘેયવાનની હોમબાઉન્ડ ફિલ્મ પસંદ થઇ

ફિલ્મોમાંથી પસંદગી, ધ બેન્ગાલ ફાઇલ્સનું પત્તં કપાયુ ૨૪

હોમબાઉન્ડ ફિલ્મમાં દિગ્ગજ એક્ઝિક્યુટિવ પ્રોડયુસર માર્ટિન સ્કોર્સીસીનો પટકથા અને એડિટિંગમાં ટચ વરતાશે  

2026 ના ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર કેટેગરી માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે નીરજ ઘેયવાન  દિગ્દર્શિત ફિલ્મ હોમબાઉન્ડની ૨૪ ફિલ્મોમાંથી પસંદગી કરવામાં આવી હોવાની જાહેરાત પસંદગી સમિતિના ચેરપરસન એન. ચન્દ્રાએ કરી હતી. ફ્રાન્સમાં યોજાતા કાન ફિલ્મોત્સવમાં તથા ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મોત્સવમાં દર્શાવવામાં આવેલી આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર અને અદર પૂનાવાલાએ કર્યું છે અને તેના એક્ઝિક્યુટિવ પ્રોડયુસર માર્ટિન સ્કોર્સીસી છે. આ ફિલ્મમાં ઇશાન ખટ્ટર, જાહ્નવી કપૂર અને વિશાલ જેઠવાએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. 

ઇન્ટરનેશનલ ફિલ્મોત્સવમાં રજૂ થયેલી આ ફિલ્મની પસંદગી વિવિધ ભાષાની ૨૪ ફિલ્મોમાંથી  સર્વસમતિથી ઓસ્કરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે કરવામાં આવી છે તેમ ૧૪ સભ્યોની બનેલી પસંદગી સમિતિના વડા એન.ચન્દ્રાએ જણાવ્યું હતું. આ ફિલ્મ સાથે સ્પર્ધામાં અન્ય ફિલ્મોમાં ધ બેન્ગાલ ફાઇલ્સ, પુષ્પા ટુ, ધ પાયર, કેસરી, વીર ચન્દ્રહાસ અને સુપરબોયઝ ઓફ માલેગાંવનો સમાવેશ થતો હતો. 

નીરજ ઘેયવાને તેમની ફિલ્મની ઓસ્કર માટે પસંદ થવા બાબતે ઇન્સ્ટા પર પ્રતિભાવ આપતાં ઓહ માય ગોડ. આ હકીકત છે તેમ જણાવ્યું હતું. આ ફિલ્મ પત્રકાર બશરત પીરના ધ ન્યુયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત લેખ ટેકિંગ અમૃત હોમ પરથી પ્રેરિત છે. આ ફિલ્મને ફ્રાન્સના કાન ફિલ્મોત્સવમાં અનસર્ટન રિગાર્ડ કેટેગરીમાં દર્શાવવામાં આવી ત્યારે દર્શકોએ સતત નવ મિનિટ તાળીઓ પાડી તેને વધાવી લીધી હતી. આ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડયુસર માટિન સ્કોર્સીસી છે. ઇન્ટરનેશનલ ફિલ્મોત્સવોમાં આ ફિલ્મને સારો આવકાર મળ્યો છે. સ્કોર્સિસીએ  ઇન્સ્ટા પર જણાવ્યું હતું કે ૨૦૧૫માં મેં નીરજની મસાન ફિલ્મ જોઇ હતી અને તે મને ગમી હતી. તેથી નિર્માતા મેલિટા પ્લાનિટિયરે મને તેની આ બીજી ફિલ્મ મોકલી ત્યારથી હું તેને જોવા આતુર હતો. નીરજે સુંદર ફિલ્મ બનાવી છે જે ભારતીય સિનેમામાં મહત્વનું પ્રદાન બની રહેશે. ઘેયવાને બાદમાં જણાવ્યુ  હતું કે સ્કોર્સિસીએ પટકથાથી માંડી એડિટિંગ સુધી માર્ગદર્શન આપ્યું છે.  ૨૬ સપ્ટેમ્બરે ભારતમાં આ ફિલ્મ થિયેટર્સમાં પ્રદર્શિત થશે. ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નમાં આ ફિલ્મના નિર્દેશક નીરજ ઘેયવાનને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં ઇન્ટરનેશનલ પિપલ્સ ચોઇસ એવોર્ડમાં સેકન્ડ રનર અપ રહી હતી. ૯૮મો ઓસ્કર એવોર્ડ  રવિવાર ૧૫ માર્ચ ૨૦૨૬ના રોજ યોજાશે.