ફલાઈટમા ફૂડ લીધા બાદ નીલમ કોઠારી બેહોશ થઈ ગઈ

ટોરન્ટોથી પાછા આવતાં કડવો અનુભવ
અન્ય પ્રવાસીઓએ મદદ કરી પરંતુ ઇતિહાદ એરલાઈન્સના સ્ટાફે કોઈ દરકાર ન લીધી
મુંબઇ - નીલમ કોઠારી ટોરન્ટોથી પાછી આવતી વખતે ફલાઈટમાં ફૂડ લીધા બાદ એકદમ બીમાર પડી ગઈ હતી અને થોડીવાર માટે બેભાન થઈ ગઈ હતી. જોકે, આમ છતાં પણ ઇતિહાસ એરલાઈન્સના ક્રૂ મેમ્બર્સ દ્વારા તેની કોઈ મદદ કરાઈ ન હતી.
નીલમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મારી ફ્લાઇટ નવ કલાક મોડી હતી. ફ્લાઇટમાં ખાવાનું ખાધા બાદ હું બીમાર પડી ગઇ હતી અને બેભાન થઇ ગઇ હતી.
એક પેસેન્જરે મને મારી સીટ સુધી પહોંચાડવામાં મને મદદ કરી હતી. પરંતુ ક્રૂ મેમ્બર્સ તરફથી મને કોઇ મદદ મળી નહોતી કે મારા હાલચાલ પુછવાની તસ્દી પણ લીધી નબોતી. મેં એરલાઇન્સના કસ્ટમર કેરનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ ત્યાંથી પણ કોઇ ઉત્તર મળ્યો નહોતો. એરલાઇન્સની પેસેન્જર સાથેની આવી લાપરવાહી યોગ્ય નથી.
નીલમની આ પોસ્ટ સંદર્ભે સંખ્યાબંધ ચાહકોએ એરલાઈન્સના અભિગમની આકરી ટીકા કરી હતી. અનેક ચાહકોએ નીલમ હવે સ્વસ્થ થઈ ગઈ હશે તેવી શુભકામના પાઠવી હતી.

