Get The App

મુંબઈમાં આશરે 50 ટકા મતદાન, એક્ઝિટ પોલમાં ભાજપના વિજયનો વરતારો

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
મુંબઈમાં આશરે 50 ટકા મતદાન, એક્ઝિટ પોલમાં ભાજપના વિજયનો વરતારો 1 - image

- મતદાર યાદીઓમાં ગરબડોની અનેક ફરિયાદો:  આજે મતગણતરી 

- રોકડ વહેંચાયાના આક્ષેપો સાથે અનેક સ્થળે ઘર્ષણ: ગેરરીતીઓનો આક્ષેપ કરી ઉદ્ધવે ચૂંટણી કમિશનરનું રાજીનામું માગ્યું        

મુંબઈ : મુંબઈ સહિત રાજ્યની ૨૯ મહાપાલિકાઓ માટે આજે અંદાજે ૪૬થી ૫૦  ટકા જેટલું મતદાન થયું હતું. મુંબઈ મહાનગરમાં ૫૦ ટકા આસપાસ મતદાન થયું હોવાની શક્યતા છે. આવતીકાલે  મતગણતરી યોજાવાની છે. જોકે, તે પૂર્વે આજે સાંજે જાહેર થયેલા મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં ભાજપ  તથા એકનાથ શિંદેની શિવસેનાની યુતિ મુંબઈ મહાપાલિકામાં સત્તા મેળવી રહી હોવાનો વર્તારો આપવામાં આવ્યો હતો. દિવસભર મતદાર યાદીમાં છબરડા,  ખામી ધરાવતાં ઈવીએમ, રોકડની  વહેંચણી સહિતના આક્ષેપો ગાજતા રહ્યા હતા. રાજ્યમાં અનેક સ્થળે રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ઘર્ષણના પણ બનાવ  બન્યા  હતા. 

આજે સાંજે સાડા પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ રાજ્યના મુખ્ય ચૂૂંટણી કમિશનર દિનેશ વાઘમારેએ કહ્યું હતું કે ૨૯ મહાપાલિકાઓમાં આશરે ૪૬થી ૫૦ ટકા વચ્ચે મતદાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. મુંબઈ શહેરમાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ૪૧ ટકા જ મતદાન થયું હતું. મુંબઈમાં  મહાપાલિકા ચૂંટણીઓમાં છેલ્લી બે-ત્રણ ટર્મથી ૫૦ ટકા આસપાસ  જ મતદાન થતું હોય છે. 

સમગ્ર રાજ્યની ૨૯ મહાપાલિકાઓમાં  કુલ ૨૮૬૯ બેઠકો માટે ૧૫,૯૩૧ ઉમેદવારો મેદાનમાં છે. તેમના ભાવિનો ફેંસલો કરવાનો અધિકાર ત્રણ કરોડથી પણ વધારે મતદારો પાસે છે. ૨૯ મહાપાલિકાઓમાંથી પણ સમગ્ર દેશનું ધ્યાન મુંબઈ પર છે. અવિભાજિત શિવસેનાએ અઢી દાયકા જેટલા સમય માટે શાસન કર્યા બાદ આ વખતે પહેલીવાર ભાજપ આ મહાપાલિકા કબ્જે કરવાના પ્રયાસમાં છે. ભાજપને એકનાથ શિંદેનો સાથ મળ્યો છે તો તેમને ખાળવા માટે ૨૦ વર્ષ પછી ઉદ્ધવ અને રાજ ઠાકરેએ હાથ મિલાવ્યા છે. 

વાર્ષિક ૭૪ હજાર કરોડનું બજેટ ધરાવતી મહાપાલિકાની ૨૨૭ બેઠકો માટે ૧૭૦૦ ઉમેદવારો મેદાનમાં છે. અહીં ભાજપ  અને શિંદે શિવસેના યુતિ બનાવીને લડી રહ્યાં છે તો સામે પક્ષે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની યુતિ છે. કોંગ્રેસ અન્ય પક્ષો સાથે જોડાણ કરીને લડી રહી છે અને અજિત પવારની એનસીપીએ એકલા હાથે ઝંપલાવ્યું છે. 

જોકે, આજે મોડી સાંજ પછી જાહેર થયેલા એક પછી એક એક્ઝિટ પોલ્સમાં ંભાજપ તથા એકનાથ શિંદેની શિવસેના જીતી રહી હોવાનો વર્તારો અપાયો હતો. ૅજુદા જુદા એક્ઝિટ પોલમાં મુંબઈમાં ભાજપ તથા શિંદેની શિવસેનાને ૧૩૧થી ૧૫૦ બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.  ઉદ્ધવ તથા  રાજ ઠાકરેની યુતિ ૪૦થી ૬૦ બેઠકોમાં સમેટાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને રાજ ઠાકરેની મનસેને તો ૬થી ૧૦ જ બેઠકો મળી શકે છે તેવો વર્તારો અપાયો હતો. ભાજપને એકલા હાથે ૯૦થી વધુ  બેઠક તથા એકનાથ શિંદેની શિવસેનાને ૪૦થી વધુ બેઠક મળશે તેવી આગાહી કરાઈ હતી. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને એકલા હાથે ૫૦થી વધુ બેઠક મળવાની આગાહી પણ આ એક્ઝિટ પોલ્સમાં કરાઈ હતી. મુંબઈમાં ભાજપ ૧૩૭, શિવસેના ૯૦, એનસીપી ૯૪, શિવસેના યુબીટી ૧૬૩, કોંગ્રેસ ૧૪૩ અને મનસે બાવન બેઠકો પર લડી રહ્યાં છે. 

રાજ્યમાં મતદાર યાદીઓમાં ગરબડો, ડુપ્લીકેટ મતદારો, ઈવીએમમાં ખામીના આક્ષેપો થયા હતા. શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આરોપો મૂક્યા હતા કે ચૂંટણી માં મોટાપાયે ગોલમાલ કરી લોકશાહીની હત્યા કરવામાં આવી છે.  તેમણે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર વાઘમારેને સસ્પેન્ડ કરવાની માગણી પણ કરી હતી. 

દરમિયાન મુંબઈમાં ચૂંટણી દરમિયાન બોલિવુડ સેલિબ્રિટીઓ પણ મોટી સંખ્યામાં મત આપવા  બહાર નીકળ્યા  હતા. હેમા માલિની ,રણબીર કપૂર, અક્ષય કુમાર, કરીના કપૂર, સૈફ અલી ખાન, ટ્વિંકલ ખન્ના, ગુલઝાર, તમન્ના ભાટિયા, વિકી કૌશીલ, શ્રદ્ધા  કપૂર સહિતની સેલિબ્રિટીઓ મત આપવા  પહોંચી હતી.  અન્ય સેલિબ્રિટીઓમાં સચિન તેંડુલકરે પરિવાર સાથે મતદાન કર્યું  હતું. નાગપુરમાં આરએસએસના વડા મોહન ભાગવતે  પણ સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પોતાનો મત આપ્યો હતો. 

ચૂંટણીમાં હિસાના છૂટાછવાયા બનાવો બન્યા હતા. ધુલેમાં શિવસેના ઉમેદવારના ઘરે હુમલો થયો હતો. નાસિકમાં પૈસા વહેંચાતા હોવાની વાત ફેલાતાં હજારો લોકો  એકઠા થઈ ગયા હતા અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં  પોલીસે લાઠીચાર્જ કરવાનીજરુર પડી હતી.