એનડીએ કેડેટનો આપઘાત - રેગિંગ થયાનો પરિવારનો આરોપ

પુણે હોસ્ટેલના રુમમાં મૃતદેહ મળ્યો, સ્યુસાઈડ નોટ ન મળી
સિનિયર્સ દ્વારા હેરાનગતિ થતી હોવાની પરિવારને જાણ કરી હતી ઃ કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ
મુંબઇ - પુણેની પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડેમી (એનડીએ)ના પ્રથમ વર્ષના કેડેટનો મૃતદેહ આજે વહેલી સવારે અહીં ટ્રાઇ-સર્વિસ ટ્રેનિંગ એકેડેમીમાં તેના હોસ્ટેલના રૃમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતો. પોલીસે આ બનાવ આપઘાતનો હોવાની શંકા વ્યક્ત કરી છે. જોકે, મૃતક પાસેથી સ્યુસાઇડનોટ મળી નથી. બીજી તરફ તેના પરિવારે કેડેટને સિનિયર્સ દ્વારા હેરાન કરવામાં આવતો હોવાના આરોપો કર્યા છે. આ અંગે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ અપાયો છે.
એનડીએએ જણાવ્યું હતું કે કેડેટના મૃત્યુની કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. ૧૮ વર્ષીય અંતરીક્ષ કુમાર સિંહ મૂળ ઉત્તર પ્રદેશના લખનઉનો રહેવાસી હતો. પિતાના પગલે ચાલીને અને દેશની સેવા કરવાનું સ્વપ્ન જોતા અંતરીક્ષ પુણેની નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જોડાયા હતો. તે હાલમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો.
તે આજે સવારે દિવસની તાલીમ માટે હાજર થયો નહતો આથી સાથી કેડેટસે તેના હોસ્ટેલના રૃમમાં તપાસ કરી હતી ત્યારે અંતરીક્ષ રૃમમાં ચાદરથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક લશ્કરી હોસ્પિટલમાં ખડકવાસમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને સવારે ૬.૩૦ વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યો હતો એમ એક નિવેદનમાં એનડીએએ જણાવ્યુ ંહતું.
આ ઘટનાની ઉતમનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને કોઇ સ્યુસાઇડ નોટ મળી નથી.
એનડીએ કેડેટ અંતરીક્ષે આત્મહત્યા કરી હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી હતી જ્યારે તેના પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે સિનિયર્સ દ્વારા હેરાનગતિ કરવામાં આવતા તેણે અંતિમ પગલું ભર્યું હતું. પરિવારના સભ્યોએ દાવો કર્યો હતો કે એકેડેમીમાં તેના સિનિયર્સ દ્વારા તેને હેરાન કરવામાં આવતો હતો. તેમણે તાજેતરમાં એનડીએ અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તે પરેશાન હતો અને કહેતો હતો કે એકેડેમીમાં તેની તાલીમ બંધ કરવા માંગે છે. તેણે સિનિયરો દ્વારા હેરાનગતિની જાણ પરિવારને કર્યા બાદ પરિવારે આની જાણ એકેડેમીના અધિકારીઓને કરી હતી. નવરાત્રી પહેલા તેની માતા અને દાદી એનડીએ ગયા અને આ મુદ્દો ઉઠાવ્યો હતો. એનડીએ અધિકારીઓએ પણ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. એમ અંતરીક્ષના મામા એપી સિંહે કહ્યું હતું. તેઓ પણ ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા છે. ગુરુવારે બપોરે અંતરીક્ષે માતા સાથે વાત કરી ત્યાં સુધી બધું બરાબર હતું . તે પછી પાર્ટીમાં કશુંક બન્યું હોવાની પરિવારને શંકા છે.