પુણેમાં લાવણી ડાન્સ વખતે એનસીપી ધારાસભ્યના ભાઈ દ્વારા હવામાં ગોળીબાર
ધારાસભ્ય શંકર માંડેકરના ભાઈની ધરપકડ
કૈલાસ પાસે ગન લાઈસન્સ પણ ન હતું ઃ ધારાસભ્યએ ભાઈની સંડોવણીની કબૂલાત કરી
મુંબઇ - પુણેમાં લોક કલા કેન્દ્રમાં નૃત્ય પ્રદર્શન દરમિયાન હવામાં ગોળીબાર કરવાની ઘટનાના સંદર્ભમાં પોલીસે એનસીપી (અજીત પવાર)ના ધારાસભ્ય શંકર માંડેકરના ભાઇ સહિત અન્યની ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
પુણેના દૌંડ તાલુકામાં યવત નજીક અંબિકા લોક કલા કેન્દ્રમાં સોમવારે રાતે આ ઘટના બની હતી. અહીં પરંપરાગત લાવણી અને તમાશાના કાર્યક્રમો યોજાય છે.
ડાન્સ પર્ફોર્મન્સ વખતે ગોળીબારના મામલામાં કૈલાસ ઉર્ફે બાળાસાહેબ માંડેકર, ગણપત જગતાપ, ચંદ્રકાંત મારણે, રઘુનાથ અવદ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
આરોપી કૈલાશ વિધાનસભ્ય શંકર માંડેકરનો નાનો ભાઇ છે. હાલ અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીના પુણેના ભોર વિધાનસભા મત વિસ્તારનું શંકર માંડેકર પ્રતિનિધિત્વ કરે છે.
પોલીસે કૈલાશ, ગણપત, રઘુનાથને પકડીને શસ્ત્ર અને વાહન જપ્ત કર્યું છે. પોલીસના જણાવ્યા મુજબ મહિલાઓનો નૃત્ય કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે માંડેકરે કથિત રીતે સોમવારે રાતે ૧૦.૩૦ વાગ્યે નૃત્ય કરતી વખતે હવામાં ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ માંડેકર તેના મિત્રો સાથે ઘટના સ્થળથી પલાયન થઇ ગયો હતો. આ ગોળીબારમાં કોઇને ઇજા થઇ નહોતી.
એનસીપી (શરદ પવાર)ના નેતા રોહિત પવારે કહ્યું કે આ કેસને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના ૨૧ જુલાઇના રોજ બની હતી. તો પોલીસ શું કરી રહી હતી. આ બનાવ બાદ પોલીસે લોક કલા કેન્દ્રમાં કલાકારો અને કામદારોનો વીડિયો શૂટ કર્યા હતા અને કહ્યું હતું કે ત્યાં ગોળીબારની કોઇ ઘટના બની હતી.
રોહિત પવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું પોલીસ પર આ મામલે કેસ ન નોંધવા માટે કોઇ દબાણ કરી રહ્યું હતું કેમ કે આ ગુનામાં સામેલ વ્યક્તિ શાસક પક્ષના ધારાસભ્યનો સંબંધી છે. પોલીસે બુધવારે સ્વીકાર્યું કે ગોળીબાર થયો હતો અને કેસ નોંધવામાં આવવ્યો છે.
મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય શંકર માંડેકરે સ્વીકાર્યું કે તેમનો ભાઇ આ ઘટનામાં સામેલ હતો અને કહ્યું કે જો તે દોષિત હોય તો તેની સામે જરૃરી પગલા લેવા જોઇએ. મારો નાનોભાઇ લોક કલા કેન્દ્રમાં હતો અને ત્યાં જ કંઇ થયું તે ખોટું હતું, એમ તેમણે કહ્યું હતું. વિધાનસભ્ય શંકર માંડેકરે દાવો કર્યો હતો કે તેના ભાઇ પાસે કોઇ શસ્ત્રનું લાઇસન્સ નથી અને તેની પાસે કોઇ શસ્ત્ર નથી. આ બંદૂક ગણપત જગતાપની છે અને તેની પાસે માન્ય લાઇસન્સ છે.