ઝિરવલ સીએમને મળ્યા, જોકે, કોઈ ખુલાસો નહિ
એનસીપીના ધનંજય મુંડે, માણિકરાવ કોકાટે, રુપાલી ચાકણકર પછી હવે ઝિરવલનો હોદ્દો છોડવાનો વારો હોવાની અટકળો
મુંબઈ - સરકારી આવાસમાં ટ્રાન્સજેન્ડર સાથેનો અશ્લીલ વિડીયો વાયરલ થતાં ફૂડ એન્ડ ડ્રગ મંત્રી નરહરી ઝિરવલના રાજીનામાંની માગણી બળવત્તર બની છે. અગાઉ ધનંજય મુંડે તથા માણિકરાવ કોકાટે અને બાદમાં રુપાલી ચાકણકર પછી ઝિરવલ વિવાદમાં આવ્યા હોય તેવા એનસીપીના ચોથા નેતા બન્યા છે.
હજુ થોડા સમય પહેલાં ઝિરવલ ના વિભાગના એક કર્મચારીને રૃ.૩૫,૦૦૦ની લાંચ લેતા રંગેહાથે પકડવામાં આવ્યો હતો તે વખતે પણ ઝિરવલ સામે સવાલો ઉઠયા હતા.
વાયરલ થયેલો વિડીયો આશરે સાત મહિના જૂનો હોવાનું કહેવાય છે. તે અત્યારે કેમ વાયરલ કરાયો તે અંગે અટકળો થઈ રહ્યો છે. આ વિડીયોમાં ઝિરવલ જે ટ્રાન્સજેન્ડર સાથે જોવા મળે છે તેની સામે મુંબઈના કુરાર પોલીસ મથકે ખંડણીનો કેસ પણ થયેલો છે.
અગાઉ ધનંજય મુંડેએ સંતોષ દેશમુખ કેસમાં રાજીનામું આપવું પડયું હતું. તે પછી વિધાનસભામાં મોબાઈલ પર રમી રમતાં વિવાદમાં આવેલા માણિકરાવ કોકાટેએ સરકારી મકાન ખોટી રીતે મેળવવાના કેસમાં હોદ્દો છોડવો પડયો હતો. તાજેતરમાં અશોક ખરાત કેસમાં રુપાલી ચાકણકરે મહિલા પંચના અધ્યક્ષા તરીકે હોદ્દો છોડવો પડયો છે.
હવે આ વિડીયો વાયરલ થયા બાદ ઝિરવલની સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે મીટિંગ કરી હોવાનું કહેવાય છે. કોંગ્રેસે તેમનું રાજીનામું લઈ લેવાની માંગ ઉઠાવી છે. જોકે, ઝિરવલે આ વિડીયો અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી કે સરકાર દ્વારા પણ કોઈ નિવેદન આવ્યું નથી.


