ભાઈ, પૂર્વ પત્ની સામે નવાઝુદ્દીન સિદ્દીકીએ કરેલો 100 કરોડનો દાવો ફગાવાયો

હાઈ કોર્ટ દ્વારા અભિનેતાની અરજીને ફગાવતો આદેશ
ભાઈ શમસુદ્દિને મેનેજર તરીકે મિલ્કતોની ખરીદીમાં , સરકારી વેરા ભરવામાં ગરબડો કરી હતીઃ ૨૦ કરોડની ઊચાપતનો આરોપ
મુંબઈ - મુંબઈ હાઈકોર્ટે શુક્રવારે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ તેમના ભાઈ શમસુદ્દીન સિદ્દીકી અને તેમની પત્ની અંજના પાંડે સામે દાખલ કરેલા સિવિલ કેસને ફગાવી દીધો હતો. દાવામાં કથિત માનહાનિ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા બદલ ૧૦૦ કરોડ રૃપિયાના નુકસાનની ભરપાઈ માંગવામાં આવી હતી.
સિંગલ જજ જસ્ટિસ જિતેન્દ્ર જૈને આ દાવો ફગાવી દીધો હતો. જોકે, ચુકાદાની વિસ્તૃત નકલ તત્કાળ ઉપલબ્ધ થઈ ન હતી. દાવા મુજબ, સિદ્દીકીએ ૨૦૦૮ માં તેના નાના ભાઈને બેરોજગારીને કારણે મેનેજર તરીકે નિયુક્ત કર્યો હતો. શમસુદ્દીન પાસે ઓડિટિંગ, આવકવેરા રિટર્ન ફાઇલ કરવા, જીએસટી ચુકવણી વગેરેનું કામ પણ હતું. એવું કહેવામાં આવ્યું હતું કે સિદ્દીકીએ તેના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ, સહી કરેલ ચેક બુક, બેંક પાસવર્ડ, ઇ-મેઇલ સરનામું વગેરે કામ માટે શમસુદ્દીનને આપ્યા હતા અને તેણે તેના અભિનય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
જોકે, શમસુદ્દીને કથિત રીતે સિદ્દીકી સાથે છેતરપિંડી કરવાનું શરૃ હોવાનો નવાઝનો આરોપ છે. તેની દલીલ મુજબ તેનો નાનો ભાઈ સંયુક્ત રીતે મિલકત ખરીદી રહ્યો હતો પરંતુ સિદ્દીકીને કહ્યું હતું કે મિલકતો તેના જ નામે ખરીદવામાં આવી રહી છે. સિદ્દીકીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, આ મિલકતોમાં યારી રોડ પર એક ફ્લેટ અને અર્ધ-વાણિજ્યિક મિલકત, બુલઢાણામાં એક જગ્યા, શાહપુરમાં એક ફાર્મહાઉસ, દુબઈમાં એક મિલકત અને રેન્જ રોવર્સ, બીએમડબ્લ્યુ, ડુકાટી વગેરે સહિત ૧૪ વાહનોનો સમાવેશ થાય છે.
સિદ્દીકીએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેણે શમસુદ્દીનને પૂછપરછ કરી ત્યારે તેના નાના ભાઈએ તેની ભૂતપૂર્વ પત્નીને તેના વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવા માટે ઉશ્કેર્યો હતો. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અંજના પાંડેએ બીજા કોઈ સાથે લગ્ન કર્યા હોવા છતાં લગ્ન પહેલાં પોતાને અપરિણીત મુસ્લિમ હોવાનું રજૂ કર્યું હતું. સિદ્દીકીએ દાવો કર્યો હતો કે શમસુદ્દીન અને પાંડેએ ૨૦ કરોડ રૃપિયાની ઉચાપત કરી હતી. વધુમાં, તેમના મેનેજર તરીકે, શમસુદ્દીન પાસે સિદ્દીકીની ઘણી મીટિંગ્સની એક્સેસ હતી અને વાતચીતના ઓડિયો અને વિડિયો રેકોડગ કર્યા હતા એવો દાવો કરવામાં આવ્યો છે.
સિદ્દીકીએ ૨૦૨૦ માં સિદ્દીકીના મેનેજર તરીકે શમસુદ્દીનની સેવા બંધ કરી દીધી હતી. તે પછી, સિદ્દીકીએ દાવો કર્યો છે કે તેમને આવકવેરા, જીએસટી અને અન્ય સરકારી વિભાગો તરફથી ૩૭ કરોડ રૃપિયા ચૂકવવા કાનૂની નોટિસ મળી હતી જે શમસુદ્દીન ચૂકવવામાં નિષ્ફળ ગયો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે સિદ્દીકીએ પોતાની મિલકત પાછી માંગી ત્યારે શમસુદ્દીન અને પાંડેએ સસ્તા વીડિયો અને સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ દ્વારા તેને બ્લેકમેલ કરવાનું શરૃ કર્યું, અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે શમસુદ્દીને તેના અન્ય ભાઈઓને પણ આ કરવા માટે પ્રેર્યા હતા.
સિદ્દીકીએ આરોપ લગાવ્યો હતો કે પાંડેએ તેના બાળકોના શિક્ષણ માટે દર મહિને આપેલા રૃ. ૧૦ લાખ અને તેના આનંદ માટે પ્રોડક્શન હાઉસ શરૃ કરવા માટે આપેલા રૃ. ૨.૫ કરોડનો ઉપયોગ કર્યો હતો. દાવામાં જણાવાયું હતું કે શમસુદ્દીન અને પાંડે દ્વારા બનાવવામાં આવેલા ખોટા વીડિયો અને પોસ્ટ્સને કારણે સિદ્દીકીની ફિલ્મો અટકી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
તેમણે વધુમાં દાવો કર્યો હતો કે પોસ્ટ અને લેખો એટલા બદનક્ષીભર્યા હતા કે તેઓ સામાજિક મેળાવડામાં હાજરી આપવામાં અને જાહેરમાં બહાર નીકળવામાં ખૂબ જ શરમ અનુભવતા હતા. તેથી, સિદ્દીકીએ શમસુદ્દીન અને પાંડેને તેમના સોશિયલ મીડિયા પર બદનક્ષીભર્યા લેખ પ્રકાશિત કરવાથી રોકવા માટે કાયમી મનાઈ હુકમની માંગ કરી હતી. તેમણે લેખિત જાહેર માફી માંગવાની સાથે સોશિયલ મીડિયા પર તેમના દ્વારા કરવામાં આવેલી બદનક્ષીભરી પોસ્ટ્સને દૂર કરવાની પણ માંગ કરી હતી.
સિદ્દીકીએ શમસુદ્દીન અને પાંડેએ તેમના વિશે ખોટી અને ખરાબ માહિતી પહોંચાડવા માટે જે લોકોનો સંપર્ક કર્યો હતો તે જાહેર કરવાની પણ માંગ કરી હતી. બંનેને તેમની સંપત્તિનો તેમને થયેલાં નુકસાનની વસૂલાત પર પ્રતિકૂળ અસર પડે તે રીતે નિકાલ કરવાથી રોકવામાં આવે તેવી માગણી પણ નવાઝુદ્દિને કરી હતી.









