મુંબઈ સહિત રાજ્યના 3 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર જાહેર

પાંચમી સપ્ટેમ્બરે દિલ્હીમાં એવોર્ડ એનાયત થશે
સોનિયા કપૂરે નવી શિક્ષણ પદ્ધતિઓ વિકસાવીઃ ડો. જગદાળેનું બે દાયકથી કળા શિક્ષણમાં પ્રદાનઃ ડો. શેખે મહત્તમ કન્યાઓ ભણતર મેળવે તે માટે પ્રયાસો કર્યા
મુંબઇ - રાજ્યના ત્રણ શિક્ષકોને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા અપાતો રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર જાહેર કરાયો છે. આગામી પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિનને દિવસે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના હસ્તે ૫૦૦૦૦ રુપિયા, એક પ્રમાણપત્ર તથા રજતચંદ્રક સ્વરુપે આ પુસ્કાર અપાશે. રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર પ્રાપ્ત દેશના ૪૫ શિક્ષકોમાંથી રાજ્યના ત્રણ શિક્ષકો સમાવિષ્ટ છે. મુંબઈની એટોમિક એનર્જી સેન્ટ્રલ સ્કૂલના સોનિયા કપૂર, નાંદેડ જિલ્લાના અર્ધાપૂર સ્થિત જિલ્લા પરિષદ હાઈસ્કૂલના ડૉ.શેખ મોહમ્મદ વકીઉદ્દીન શેખ હમીદુદ્દીન, લાતુરની દયાનંદ આર્ટ્સ કોલેજના ડૉ.સંદીપાન જગદાળેને રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર થયો છે.
મુંબઈનાં સોનિયા વિકાસ કપૂર બે દાયકાથી વધુના સમયથી. વિદ્યાર્થી-મૈત્રીપૂર્ણ શિક્ષણ પદ્ધતિઓ માટે જાણીતાં છે. તેમણે વિદ્યાર્થીઓને અનૂકુળ એવી અનેક આકર્ષક શિક્ષણ પદ્ધતિઓ બનાવી છે. રાષ્ટ્રીય પુરસ્કાર માટે કૃતજ્ઞાતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, એટોમિક એનર્જી એજ્યુકેશન સોસાયટીની આભારી છું કે તેમણે મને વિદ્યાર્થીઓ સાથે કામ કરી શિક્ષણશાસ્ત્રની અવનવી પદ્ધતિઓનો અનુભવ લેવા તથા વિકસાવવાની તક આપી.
આ સમયે ડૉ.જગદાળેએ પોતાનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગત ૨૩ વર્ષથી ધો.૧૧, ૧૨માં સંગીત ભણાવું છું. રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને સહભાગી કર્યાં છે. વિદ્યાર્થીઓને કલામાં પ્રોત્સાહન મળતાં ૨૭ વિદ્યાર્થીઓ કલા ક્ષેત્રમાં આગળ છે. હવે રાષ્ટ્રીય શિક્ષણ ધોરણ મુજબ તૈયાર કરાતાં નવા કોર્સ નિર્માણમાં પણ સહયોગ આપી રહ્યો છું. ત્રણથી આઠના વિદ્યાર્થીઓને સંગીત, નૃત્ય, દ્રશ્યકલા અને નાટક પણ શીખવાશે. ગત કેટલાંક વર્ષોમાં સ્પર્ધા પરીક્ષાનું મહત્ત્વ વધતાં કલા વિષયનું મહત્ત્વ ઘટયું છે. પરંતુ આગામી સમયમાં તે ચિત્ર પણ બદલાઈ શકે છે. રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યાનો મને આનંદ છે. ખાસ તો એ કે તેમણે પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થીઓ માટે બ્રેઈલ લિપીમાં પુસ્તકો પણ તૈયાર કયાંર્ છે. જગદાળેએ તો ૨૦૨૩માં સ્ટેટ બેસ્ટ ટીચર એવોર્ડ પણ પ્રાપ્ત કરેલો અને તેની એક લાખ રુપિયાની ઈનામી રકમ અનાથ બાળકોના શિક્ષણ માટે દાનમાં આપી દીધઈ હતી.
ડૉ.શેખે છોકરીઓના શિક્ષણ માટે મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે. 'વિશિષ્ટ સમાજની છોકરીઓ સાતમા ધોરણ બાદ શાળામાં આવતી નહોતી. વાલીઓ સાથે સંવાદ સાધ્યા બાદ સ્કૂલ દૂર હોવાનું કારણ આગળ આવ્યું. આથી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, ગ્રામજનો જોડે ચર્ચા કરી વિદ્યાર્થિનીઓની વસતીમાં ચાર રુમ ભાડે લઈ વર્ગ શરુ કર્યા. આથી ૨૦૧૬થી અત્યારસુધીમાં ૨૦૦૦ વિદ્યાર્થિનીઓ દસમું પાસ થઈ શકી. પરિણામે બાળવિવાહનું પ્રમાણ ઓછું થયું છે. તે ઉપરાંત વિદ્યાર્થિનીઓ અને મહિલાઓ માટે પાંચ લાખથી વધુ સેનિટરી પેડ્ઝ તેમણે ઉપલબ્ધ કરી અપાવ્યા છે. સ્કૂલની વિદ્યાર્થીસંખ્યા હજી સુધી ટકેલી છે. દસ વર્ષમાં પહેલીવાર મરાઠવાડાના શિક્ષકને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. મારા માતા-પિતા પણ શિક્ષક હતાં. રાષ્ટ્રીય પુરસ્કારનો આનંદ શબ્દોમાં વ્યક્ત થઈ શકે તેમ નથી,' એવી ભાવના પણ તેમણે વ્યક્ત કરી છે.









