દિવાળીમાં નાસિકની કાંદા બજાર 11 દિવસ બંધ - ખેડૂતોનો વિરોધ

ગગડતા ભાવો વચ્ચે ખેડૂતોને પડયા પર પાટુ
રજા નક્કી કરતી વખતે ખેડૂતોને નુકસાનનો વિચાર જ ન કરાયો
મુંબઈ - દિવાળીમાં નાસિકની કાંદા બજાર ૧૧ દિવસ માટે બંધ રાખવાના નિર્ણય સામે ખેડૂતોએ વિરોધ કર્યો છે. કાંદાના ગગડતા જતા ભાવને લીધે માર સહન કરતા ખેડૂતો માટે આ નિર્ણય પડયા પર પાટુ મારવા જેવો છે, એમ મહારાષ્ટ્ર રાજ્ય કાંદા ઉત્પાદક સંગઠનના સ્થાપક પ્રમુખ ભરત દિઘેલેએ આજે જણાવ્યું હતું.
સરકાર જાણે ખેડૂતોને ગણતરીમાં લેવા જ ન માગતી હોય એવું વર્તન કરે છે એવો આક્ષેપ કરી દિઘોલેએ કહ્યું હતું કે ખેડૂતો દિવસ-રાત પરસેવો પાડીને કાંદા ઉગાડે છે. આ કાંદા જ્યારે વેંચવા માટે જાય ત્યારે બોર્ડ વાંચવા મળે કે માર્કેટ બંધ છે, ત્યારે કેવો ધક્કો લાગે? ખેડૂતો છેલ્લા અનેક વર્ષોથી આ રીતે અન્યાય સહન કરતા આવ્યા છે. દિવાળી જેવા તહેવારોમાં પણ ખેડૂતોએ તો હેરાનગતી વેઠવાનો વારો આવે છે.
આ બધા માર્કેટ યાર્ડ કાંઈ ખાનગી માલિકીના નથી. ખેડૂતોના આકરા પરિશ્રમના પાયા પર આ માર્કેટ યાર્ડ ટકી રહ્યો છે. એટલે ૧૧ દિવસ કાંદાનું લીલામ બંધ રાખવાનો નિર્ણય અન્યાયકારી છે. દિવાળી જેવાં તહેવારોમાં મહત્ત્વના બે-ત્રણ દિવસ માર્કેટ બંધ રાખવામાં આવે એ યોગ્ય છે. પણ ૧૧ દિવસ શા માટે માર્કેટ બંધ રાખવામાં આવે છે?
આ નિર્ણય બદલ એપીએમસી (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી) સામે રાજ્ય સરકારે આકરા પગલાં લેવાની જરૃર છે, એમ દિઘોલેએ જણાવ્યું હતું.









