Mumbai

આયાએ 4 વર્ષના બાળકને ફટકાર્યો, માતાને વિડીયો વાયરલ થયા બાદ જાણ થઈ

By GS TEAM
26 Jun 20252 mins read
આયાએ 4 વર્ષના બાળકને ફટકાર્યો, માતાને વિડીયો વાયરલ થયા બાદ જાણ થઈ

બીકેસીના મોલમાં ફટકાર્યો, કોઈએ વીડિયો ઉતારી વાયરલ કરી દીધો

બે દિવસ બાદ માતાને તેની બહેનપણીએ વાયરલ  વિડિયો મોકલ્યો ત્યારે ભાંડો ફૂટયો, આયા સામે પોલીસ ફરિયાદ

મુંબઈ -   ભાયખલામાં રહેતા ચાર વર્ષના વિશિષ્ટ ક્ષમતા ધરાવતા બાળકને તેની સંભાળ માટે રાખેલી આયાએ બીકેસીના મોલમાં ફરવા  લઈ ગયા બાદ માર માર્યો હતો. કોઈએ આ સમયે આ વિડીયો ઉતારી વાયરલ કરી દીધો હતો. માતાને વ્હોટસ  એપ પર વિડીયો મળ્યા બાદ ખ્યાલ આવ્યો હતો કે પોતાના બાળકને આયાએ આ રીતે માર્યું છે. આ બાદ તેણે બીકેસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 

ફરિયાદી મહિલા ડેલના અંકલેશ્વરિયા ભાયખલા વિસ્તારમાં રહે છે. તેણે વિશિષ્ટ ક્ષમતા ધરાવતા ચાર વર્ષના બાળક માટે અઢી વર્ષથી સોના પાત્રાવાલા ઉર્ફે લલિતા નામની આયાને નોકરીએ રાખી હતી.  આયાને  સ્કૂલ બસમાંથી બાળકને ઉતારીને ઘરે લઈ આવવું અને સ્કૂલ બસમાં મૂકવા જવુ, દિવસભર તેની સંભાળ રાખવી,  ક્યારેક તેને બહાર ફરવા લઈ જવું વગેરે ડયૂટી સોંપાઈ હતી. 

ઘટના સમયે ૨૧ જૂનના રોજ સાંજે ચાર વાગ્યાની આસપાસ પણ લલીતા ચાર વર્ષના બાળકને લઈને બાંદરા પૂર્વમાં જીયો ડ્રાઈવ મોલમાં ફરવા લઈ ગઈ હતી. કોઇ કારમોસર આયાએ બાળકને ક્રુરતાથી માર માર્યો હતો અને તેને મોલની સીડીઓ પરથી ખેંચીને મોલની બહાર લઈ જઈને કારમાં સવાર થઈને ત્યાંથી નીકળી ગઈ હતી. ઘટના સમયે  લલિતા ઘરે રાત્રે આઠ વાગ્યાની આસપાસ ઘરે પરત ફરતા બાળકની માતા ૪૭ વર્ષીય ડીઈ અંકલેસરિયાએ આ વિલંબ વિશે પૂછ્યુ ત્યારે આયાએ કહ્યું હતું કે તેઓ બાંદરાના જિયો ડ્રાઈવ મોલની મુલાકાતે ગયા હતા. જેની કારણે મોડી પડી હતી.

જોકે, મોલમાં આયાએ બાળકે માર માર્યો ત્યારે  આ સંપૂર્ણ ઘટનાનો વિડીયો ત્યાં હાજર એક મહિલાએ પોતાનો મોબાઈલ ફોનમાં શૂટ કર્યો હતો અને વોટ્સએપ ગુ્રપ પર આ વિડીયો વાયરલ કર્યો હતો.  

આ ઘટના બાદ ૨૩ જૂનના રોજ બાળકની માતાને તેની બહેનપણી ડેલ્ના તરફથી વોટ્સએપ આ વિડીયો મળ્યો હતો.   આ વિડીયો મમ્મી વોટ્સએપ ગુ્રપ નામના સોશિયલ મિડીયા ગુ્રપ પરથી વાયરલ થયો હોવાનું જાણવા મળ્યું હતું. 

આ મેસેજની ચકાસણી કરતા  માતાને ખ્યાલ આવ્યો હતો કે આ તો તેના જ બાળક પર હુમલો થઈ રહ્યો છે. વિડીયોમાં  દર્શાવાયેલી કાર પણ તેમની જ છે. આ બાદ  માતાએ  બીકેસી પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ અંગે આયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આ મામલે લલિતા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જો કે, હજુ સુધી આ મામલે કોઈ ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી  છે.