Get The App

આસામમાં સુખોઈ ક્રેશમાં નાગપુરના એરફોર્સ પાઇલટ પૂર્વશ દુરગકરનું મોત

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
આસામમાં  સુખોઈ ક્રેશમાં નાગપુરના એરફોર્સ પાઇલટ પૂર્વશ દુરગકરનું  મોત 1 - image

ઓપરેશન સિંદૂરમાં પણ ફરજ બજાવી હતી

હજુ દસ દિવસ પહેલાં જ ફેમિલી ગેટ ટુ ગેધર માટે નાગપુર આવ્યો હતોઃ પરિવાર માથે આભ તૂટી પડયું

મુંબઈ -  આસામના જોરહાટ નજીક ગુરુવારે તૂટી પડેલા ઇન્ડિયન એરફોર્સના ફાઇટર જેટના પાઇલટ અને નાગપુરના રહેવાસી ફ્લાઇટ લેફ્ટેનન્ટ પૂર્વેશ દુરગકરે જીવ ગુમાવ્યો હતો.

ઓપરેશન  સિંદૂર વખતે કામગીરી બજાવી ચૂકેલા ૨૮ વર્ષીય પૂર્વેશ દુરગકર દસ દિવસ પહેલાં જ ફેમિલી ગેટ ટુગેધર માટે નાગપુર આવીને ગયા હતા. ગુરુવારે આસામના જેટ ક્રેશમાં પૂર્વેશના મૃત્યુના સમાચાર મળતા તેમના પરિવારજનોને માથે આભ તૂટી પડયું હતું. ફ્લાઇઠ લેફ્ટેનન્ટના પિતા અને નિવૃત્ત રેલવે કર્મચારી રવિન્દ્ર દુરગકરે ગળગળા સાદે કહ્યું હતું કે મારો પુત્ર દસ દિવસ પહેલાં જ ફેમિલી ગેટ-ટુગેધર માટે ઘરે આવ્યો હતો અને સહુ પરિવારજનોએ ખૂબ આનંદપૂર્વક પ્રસંગ ઉજવ્યો હતો. ત્યારે સ્વપ્ને ખ્યાલ નહીં કે  ફરી  પૂર્વેશનો ચહેરો જોવા નહીં મળે. છેલ્લે બુધવારે ટેલિફોન પર તેની સાથે વાત થઇ હતી.

દરમિયાન આસામના કરળી એંગલોંગ જિલ્લામાં આજે સુખોઇ (એસયુ-૩૦ એમકેઆઇ) ફાઇટર જેટ તૂટી પડતા સ્કવૉડન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટનેન્ટ પૂર્વેશ દુરગકર માર્યા ગયા હતા. જોરહાટ એરબેસ પરથી ફાઇટર જેટે ઉડ્ડયન કર્યા પછી થોડી ક્ષણોમાં રડારમાંથી અદ્રશ્ય થઇ ગયું હતું અને ક્રેશ થયું હતું. ટ્રેનિંગ શોર્ટી (તાલીમી ઉડ્ડયન) પર નીકળેલા આ ફાઇઠર જેટને  કયા કારણે અકસ્માત થયો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

ગયા વર્ષે પહલગામના આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું એમાં પૂર્વેશ દુરગકરે ભાગ લીધો હતો. દુરગકરના પાડોશીએ જણાવ્યું હતું કે પૂર્વેશના પરિવારમાં માતા- પિતા અને અમેરિકામાં સ્થાયી થયેલી બહેનનો સમાવેશ થાય છે. પૂર્વેશના લગ્ન થયા નહોતા. બંને ભાઇ- બહેન આઇઆઇટીમાં ભણ્યા હતા. દસ દિવસ પહેલાં જ ફેમિલી ગેટ- ટુગેધરમાં સહુ ભેગા થયા હતા. પિતા રવીન્દ્ર દુરગકરે જણાવ્યું હતું કે ઇન્ડિયન એરફોર્સમાં જોડાયા પછી મારો પુત્ર ગર્વની લાગણી અનુભવતો હતો.