ગણપતિ બાપ્પાને અંતિમ વિદાય આપવા પાલિક વિસર્જન સ્થળોએ સજ્જ બની

આજે અનંત ચતુર્દશીના દિને પાલિકાની સજ્જડ તૈયારી
દરિયા કિનારે ૨૧૭૮ લાઇફગાર્ડ સાથે ૫૬ મોટરબોટ ઉપલબ્ધ ઃવિસર્જન સ્થળોએ પાલિકાના ૧૦ હજારથી વધુ સ્ટાફ તહેનાત
મુંબઈ - મુંબઈમાં ધામધૂમથી ઉજવાઈ રહેલા ગણેશોત્સવ દરમિયાન દોઢ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ બાદ ગણપતિમૂર્તિના વિસર્જન બાદ હવે આવતી કાલે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિદાય આપવા સંપૂર્ણ ગણેશભક્તો સહિત મુંબઈ મહાનગર પાલિકા સજ્જ બની છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમ જ લોકોની સુરક્ષા અને કાળજી લેવા માટે પણ વહીવટીતંત્રે તમામ વિસર્જન સ્થળોમાં ખાસ દરિયા કિનારે, તળાવો તેમ જ ૨૯૦ કૃત્રિમ તળાવો ખાતે સુવિધાઓ અને પોલીસ બંદોબસ્ત ચુસ્ત રીતે તૈનાત કરાવ્યો છે.
પાલિકાના ડેપ્યુટી કમિશનર પ્રશાંત સપકાલે જણાવ્યું હતું કે ગણેશને વિદાય આપવા માટે પાલિકા વહીવટીતંત્ર પૂરી રીતે તૈયાર છે. વિસર્જન સ્થળો પર ૧૦ હજારથી વધુ અધિકારી અને કર્મચારીઓ, ૨૪૫ કંટ્રોલ રૃમ સહિત અન્ય સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
આ વર્ષે ૨૯૦ કૃત્રિમ તળાવ સહિત ૬૯ નૈસર્ગિક સ્થળોએ ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવા આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરી છે. સપકાલે વધુમાં જણાવ્યું હતું કે વિસર્જન સ્થળે આવનારા વાહન ચોપાટીની રેતીમાં ફંસાઈ ન જાય તે માટે ચોપાટીના કિનારે ૧૧૭૫ સ્ટીલની પ્લેટો બિછાવી છે.
નાની ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે વિવિધ સ્થળોએ ૬૬ જર્મન તરાપાની વ્યવસ્થા કરી છે. સુરક્ષાની દ્રષ્ટિએ ચોપાટી પર ૨૧૭૮ લાઇફ ગાર્ડની સાથે ૫૬ મોટર બોટ તહેનાત કરાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ગણપતિની પ્રતિમાને ચઢાવેલા ફૂલહાર સહિત અન્ય ચીજવસ્તુ એકત્રિત કરવા માટે ૫૯૪ નિર્માલ્ય કળશની સાથોસાથ ૩૦૭ વાહનોની વ્યવસ્થા કરી છે. એટલું જ નહીં વિસર્જન સ્થળોએ કુલ મળીનિે ૧૨૯ વોચ ટાવર ઊભા કરાયા છે. વિસર્જન સ્થળે ૪૨ ક્રેઇનની પણ વ્યવસ્થા કરાઈ છે.
વિવિધ સ્થળોએ પર ૨૮૭ સ્વાગત કક્ષ તૈયાર કરાયા છે. વિસર્જન સ્થળ પર આવનારા શ્રદ્ધાળુઓ માટે ૨૩૬ પ્રાથમિક ચિકિત્સા કેન્દ્ર અને ૧૧૫ એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે. વિસર્જન સ્થળ પર લાઇટના પ્રકાશ માટે ૬૧૮૮ ફ્લડ લાઇટ અને ૧૩૮ સર્ચ લાઇટ લગાડી છે. આ સિવાય ૧૯૭ મોબાઇલ શૌચાલયોની વ્યવસ્થા કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
દરિયા કિનારે બ્લૂ બટન જેલીફિશ અને સ્ટિંગ રે માછલીઓથી સાવધાન
ઓગસ્ટથી ઓક્ટોબર સુધી મુંબઈના સમુદ્ર કિનારે બ્લૂ બટન જેલીફીશ અને સ્ટિંગ રે પ્રજાતિની માછલીઓ વધારે દેખાય છે. આથી વિસર્જન કતરવા આવતા ગણેશ ભક્તોને સાવધાની વર્તવાની અપીલ પાલિકાએ કરી છે. આ સિવાય પાલિકાએ જેલી ફિશ કરડવાથી આવશ્યક ચોપાટી પર ચિકિત્સા કક્ષ તૈયાર કરાયો છે.
ક્યુઆર કોડ સ્કેન કરીને વિસર્જન સ્થળની જાણકારી મેળવો
પાલિકાની વેબસાઇટ અને ક્યુઆર કોડ સ્કેન કરીને ઘરની આસપાસ કૃત્રિમ તળાવોની જાણકારી હાંસલ કરી શકો છે. આ અંગેની યાદી સંબંધિત કૃત્રિમ તળાવોને ગુગલ મેપ સાથે લિંક કરાયા છે. આથી કૃત્રિમ તળાવોની જાણકારી પાલિકાના વોટ્સએપ ચોટબોટ નંબર ૮૯૯૯૨૨૮૯૯૯ પર ફોન કરીને પ્રાપ્ત કરી શકાય છે.








