વસઈ-વિરાર હાઇવે પર 'નો એન્ટ્રી' ચેકપોસ્ટ
નાળા અને કેનાલ ચોકઅપ થતાં હાઇવે પર પાણી ભરાવા તેમજ ટ્રાફિક જામની પરિસ્થિતિ નિવારવાનો હેતુ
મુંબઈ
- વસઈ-વિરારમાં મુંબઈ સહિત
અન્ય વિસ્તારોમાંથી ગેરકાયદે આવતો કાટમાળ રોકવા માટે વસઈ-વિરાર મ્યુનિસિપલ
કોર્પોરેશને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શહેરના હાઇવે પ્રવેશદ્વાર પર 'નો એન્ટ્રી' ચેકપોસ્ટ ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો
છે, જેના માધ્યમથી ગેરકાયદેસર ડમ્પિંગ પર કડક કાર્યવાહી
કરવામાં આવશે.
વસઈ-વિરારમાં મુંબઈ અને થાણેને
અડીને આવેલું હોવાને કારણે અહીં કાટમાળ લાવવાનું પ્રમાણ છેલ્લા કેટલાક વર્ષોમાં
વધ્યું છે. વિશેષ કરીને મુંબઈ-અમદાવાદ હાઈવે મારફતે રાતના સમયે મુંબઈ અને અન્ય
વિસ્તારોમાંથી કાટમાળ ભરેલા વાહનો ગુપ્ત માર્ગો દ્વારા શહેરમાં પ્રવેશ થાય છે અને
વિવિધ સ્થળોએ કાટમાળ નાખી દે છે.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે
વર્સોવા બ્રિજથી લઈને સસુનવઘર, માલજીપાડા, ચિંચોટી, નાયગાંવ, સાતિવલી ફાટા, પેલ્હાર,
વિરારથી મનોર સુધીના વિસ્તારોમાં પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું
છે. પાણીના કુદરતી નાળા અને કેનાલો બંધ થઈ જતા હાઇવે પર પાણી ભરાવાની સમસ્યા ઉભી
થઈ રહી છે, તેમજ ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ રહી છે.
આ સમસ્યાને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકાએ હાઇવેના મુખ્ય
પ્રવેશકેન્દ્રોઓ પર ચોવીસ કલાક કાર્યરત ચેકપોસ્ટ સ્થાપવાની યોજના બનાવી છે. આ
ચેકપોસ્ટ પર મ્યુનિસિપલ પોલીસ, વન વિભાગ, પરિવહન વિભાગ, મહેસૂલ વિભાગ અને હાઇવે ઓથોરિટી જેવા વિવિધ વિભાગોના અધિકારીઓ તૈનાત
રહેશે. એડિશનલ કમિશનર હેરવાડેએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર
રીતે કાટમાળ લાવતા વાહનો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ
પ્રવૃત્તિ પર પૂર્ણ નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.


