Get The App

મુંબઈનો ધોળો હાથી મોનો રેલ આખરે અચોક્કસ મુદ્દત માટે બંધ

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈનો ધોળો હાથી મોનો રેલ આખરે અચોક્કસ મુદ્દત માટે બંધ 1 - image


વારંવાર ખોટકાતી હોવાથી ભારે ટીકાઓ બાદ નિર્ણય

નવી ટ્રેનો મગાવી  સેફ્ટી કમિશનરનું ઈન્સ્પેકશન યોજાશે, સિસ્ટમમાં સુધારા કરાશે

 મુંબઈ -  ચેમ્બુર-જેકબ સર્કલ મોનોરેલ રૃટ પર મહિનાભરમાં ત્રણ વખત ટેકનિકલ સમસ્યાથી ટ્રેનો અટકી જવાની ઘટના બનવાને કારણે પ્રવાસીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવાયો છે તેથી હવે એમએમઆરડીએએ અનિશ્ચિત સમય માટે મોનો સેવા બંધ કરવાની જાહેરાત કરી છે. આમ પણ મોનો રેલ પ્રોજેક્ટ શરુ કરાયો ત્યારથી ધોળા હાથી સમાન જ પુરવાર થયો છે. તેમાં હવે સલામતી વિષયક સવાલો સર્જાતાં આખરે આ પ્રોજેક્ટને બંધ કરવાની નોબત આવી છે.  

એમએમઆરડીએના  કમિશનર ડો. સંજય મુખર્જીએ મોનોસેવા બંધ કરવાની જાહેરાત કરી હતી. આ સેવા ક્યારથી અને કેટલાં સમય માટે બંધ રાખવામાં આવશે. તે વિશે વધુ માહિતી આપવામાં આવી નથી. 

એમએમઆરડીએના સૂત્રોના જણાવ્યા અનુસાર હવે મોનો રેલ માટે નવી ટ્રેનો લવાશે. કમિશનર ઓફ મેટ્રો રેલવે સેફ્ટી દ્વારા તેનું ઈન્સ્પેકશન કરાશે. કેટલાક સેફ્ટી વિષયક સુધારા કરાશે અને ત્યારબાદ ફરી મોનોરેલ શરુ થશે.  મોનો રેલને પરફોર્મન્સ  અને સેફ્ટી મુદ્દે બહેતર બનાવવા  એમએમઆરડીએ  દ્વારા એક કમિટીની પણ રચના કરવામાં આવી છે. 

વર્ષ ૨૦૧૭માં એક મોનો ટ્રેનમાં આગ લાગી હતી અને તે બળીને રાખ થયાના બનાવ બાદ નવ મહિના સુધી સેવા બંધ રખાઇ હતી. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં એક જ દિવસમાં બે મોનોરેલ ટ્રેનો ઓવરલોડિંગને કારણે બંધ પડી હતી. ૭૦૦ જેટલા પ્રવાસીઓને ટ્રેનના દરવાજા તોડીને બહાર કઢાયા હતા. આ ઘટના વખતે ખુલાસો થયો હતો કે એમએમઆરડીએ પાસે ઇમરજન્સી સિસ્ટમ ન હોવાથી ફાયર બ્રિગેડ પર આધાર રાખવો પડયો હતો. ઓગસ્ટ મહિનાની તાજી ઘટના બાદ સોમવારે જ મોનો ફરી ટેકનિકલ ખામીને લીધે અટકી ગઇ હતી. આવી ઘટનાઓ વારંવાર બની રહી છે અને નવી ટ્રેનો સેવામાં કાર્યરત કરવામાં વિલંબ થઇ રહ્યો છે. તેથી આખરે હવે મોનો સેવાને અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 

વર્ષે ૫૦૦ કરોડની ખોટઃ  રોજના એક લાખના અંદાજ સામે ફક્ત ૧૮ હજાર પ્રવાસી 

એમએમઆરડીએએ ચેમ્બૂર અને જેકબ સર્કલ વચ્ચે ૨૦ કિ.મી લંબાઇનો મોનોરેલ રૃટ બનાવ્યો છે. મોનોરેલના બાંધકામમાં ૨૪૬૦ કરોડ રૃપિયાનો ખર્ચ થયો હતો,  આ ખર્ચનું વળતર ક્યારેય મળ્યું નથી. ૨૦૨૩-૨૪નાં વર્ષમાં તેની અંદાજિત ખોટ ૫૨૯ કરોડ રુપિયા હોવાનું મનાય છે.   સફેદ હાથી સાબિત થયેલી મોનો હંમેશાં ખોટમાં દોડે છે. પ્રવાસીઓને આકર્ષવામાં મોનોરેલ નિષ્ફળ જનારી મોનો સતત કોઇને કોઇ ટેકનિકલ સમસ્યાનો સામનો કરી રહી છે. તેથી હવે મોનોરેલ પ્રોજેક્ટ સામે ટીકા થઇ રહી છે. 

મોનોરેલનો ચેમ્બુર અને વડાલા વચ્ચેનો તબક્કો ફેબુ્રઆરી ૨૦૧૪માં શરુ થયો હતો. બાદમાં તેને માર્ચ ૨૦૧૯માં સંત ગાડગે મહારાજ ચોક સુધી લંબાવાઈ હતી.  ૨૦૧૯માં તેના બીજા તબક્કાનું ઉદ્ધઘાટન થયું ત્યારે રોજના એક લાખ પ્રવાસીઓ તેમાં પ્રવાસ કરશે તેવો અંદાજ અપાયો હતો પરંતુ વાસ્તવમાં તેના રોજિંદા પ્રવાસીઓની સંખ્યા માંડ ૧૮ હજાર રહે છે.


Tags :