મુંબઈના સૌથી શ્રીમંત જીએસબી ગણપતિ મંડળનો આ વર્ષે 475 કરોડનો વીમો

66 કિલો સોના, 336 કિલો ચાંદીના દાગીનાનો શણગાર થાય છે
ગયા વર્ષે ૪૦૦ કરોડનો વીમો હતોઃ આ વખતે સોના-ચાંદીની કિંમતો વધતાં વીમો પણ વધ્યોઃ ઃ આગ-ભૂકંપ માટે બે કરોડ, પંડાલ માટે ૩૦ કરોડનું કવર
મુંબઈ - મુંબઈ મહાનગરના સૌથી શ્રીમંત મંડળ ગણાતા કિંગ્સસર્કલના જી.એસ.બી. ગણેશ મંડળે આ વખતે ૪૭૪.૪૬ કરોડ રૃપિયાનો વિક્રમી વીમો ઉતરાવ્યો છે. ગયા વર્ષે જી.એસ.બી. (ગૌડ સારસ્વત બ્રાહ્મણ) ગણેશ મંડળે ૪૦૦ કરોડનો વીમો ઉતરાવ્યો હતો.
સોના- ચાંદીની કિંમતમાં થયેલા વધારા, વધુ સંખ્યામાં પૂજારીઓ અને સ્વયંસેવકોની નિયુક્તીને કારણે વીમાની રકમમાં વૃધ્ધિ થઈ છે. આ વીમાનું પ્રિમિયમ કેટલું ભર્યું છે તેનો ખુલાસો મંડળ તરફથી નથી કરવામાં આવ્યો. આ વીમા પોલીસીમાં ગણપતી દાદાને પહેરાવવામાં આવતા સોના- ચાંદીના આભૂષણો, વ્યક્તિગત દુર્ઘટના કવર, આગ અથવા અકસ્માત અથવા ભૂકંપ જેવી કુદરતી આફતને આવરી લેવામાં આવી છે. ૪૭૪.૪૬ કરોડનો ઓલ રિસ્ક ઈન્સ્યોરન્સ પોલીસીમાં ૩૭૫ કરોડનો સૌથી મોટો હિસ્સો વ્યક્તિગત વીમાને માટે છે જેમાં સ્વયંસેવકો, પૂજારીઓ, રસોઈયાઓ અને સુરક્ષા ગાર્ડને સામેલ કરવામાં આવ્યા છે. આગ- ભૂકંપ માટે બેકરોડનું કવર છે. ૩૦ કરોડની રકમનું કવર પંડાલ, સ્ટેડિયમ અને ભક્તો માટેનું છે. વિશેષ ખતરાનું ૪૩ લાખનું કવર છે. જીએસબી સેવા મંડળના અધ્યક્ષ અમિત પાઈએ જણાવ્યું હતું કે સોના- ચાંદીની કિંમતમાં વધારાને લીધે વીમાની રકમમાં વૃધ્ધિ થઈ છે.
જીએસબી સેવા મંડળના પંડાલમાં ગણેશજીની પ્રતિમાને ૬૬ કિલોગ્રામ સોના અને ૩૩૬ કિલોગ્રામ ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવી છે. ૨૭મીથી ૩૧મી ઓગસ્ટ સુધી પાંચ દિવસ ગણેશોત્સવની ઉજવણી થશે. આ વખતે ભીડના નિયમનની જવાબદારી માટે ખાસ એજન્સીને નિયુક્ત કરવામાં આવી છે.








