ભ્રષ્ટાચારના આરોપોને પગલે મુંબઈના શિક્ષણ ઉપસંચાલક સસ્પેન્ડ
એક મંત્રીએ જ વિધાનસભામાં આરોપો કર્યા
શિક્ષણ ઉપસંચાલક સંદીપ સાંગવે સામે કાર્યવાહી માટે ભૂતકા૪લમાં શિક્ષકોએ પણ આંદોલન કર્યાં હતાં
મુંબઈ - મુંબઈ વિભાગના શિક્ષણ ઉપસંચાલક સંદીપ સાંગવે પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો કરી અનેકવાર શિક્ષકોએ આંદોલનો કર્યા છે. જોકે આ મુદ્દે વિધાનસભામાં પડઘા પડયા બાદ ભાજપના જ એક મંત્રીએ આરોપ મૂકતાં તુરંત જ સ્કૂલ શિક્ષણમંત્રી દાદા ભુસેએ સાંગવેને સસ્પેન્ડ કરવાની ઘોષણા કરી હતી અને વિશેષ તપાસ ટીમ દ્વારા તેની તપાસના પણ આદેશ આપ્યા હતા.
વિધાનસભ્યો સંજય ઉપાધ્યાય, વરુણ સરદેસાઈ, ગોપીચંદ પડળકર વગેરેએ સાંગવેના ભ્રષ્ટાચાર મુદ્દે શ્રેણીબદ્ધ આરોપો કર્યા હતા. શાલાર્થ નંબર માટે આવેલી શિક્ષકોની ફાઈલ અટકાવવી, સેંકડો શિક્ષકોને જૂની તારીખના શાલાર્થ નંબર આપવા, સર્વિસ અપગ્રેડેશન ન કરવું, રાત્રી શાળાનું કોઈ સ્વતંત્ર ધોરણ ન હોવા છતાં પોતાનું ધોરણ નિશ્ચિત કરવું, તેમાંથી અનેક શિક્ષકો બંને જગ્યાએ કામ કરી બંને પગાર લે છે આ બાબત તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું હતું.
સંદીપ સાંગવેને સસ્પેન્ડ કરવાની માગણી સત્તાધીશ તેમજ વિરોધી એમ બંને પક્ષે કરી હતી. આથી શિક્ષણમંત્રી દાદા ભુસેએ તમામ આરોપોની નોંધ લઈ સાંગવેને તત્કાળ નિલંબિત કરાતા હોવાની ઘોષણા કરી હતી. આ પ્રકરણે ઝીણવટભેર તપાસ કરાશે અને તે ટીમમાં આઈએએસ, આઈપીએસ અને શિક્ષણ નિષ્ણાતોનો પણ સમાવેશ કરાશે, એવું તેમણે તે સમયે જણાવ્યું હતું. જોકે આ નિર્ણયને શિક્ષકોએ પણ આવકાર્યો છે અને હવે કદાચ તેમને ન્યાય મળશે, એવી આશા પણ વ્યક્ત કરી છે.