મુંબઈના ડબ્બાવાળા 5 દિવસનું દિવાળી વેકેશન રાખશે

20થી 25 ઓક્ટોબર સુધી સર્વિસ બંધ
ટિફિન પહોંચાડતા અનેક ડબ્બાવાળા દિવાળી કરવા વતન જતા રહેશે
મુંબઇ - મુંબઈમાં ઠેકઠેકાણે ઓફિસોમાં સમયસર ટિફિન સુવિધા પહોંચાડતા સેંકડો ડબાવાળાઓ આગામી ૨૦ ઑક્ટોબરથી પાંચ દિવસ રજા પર જઈ રહ્યા છે. મોટા ભાગના ડબાવાળા પુણેના માવળ વિસ્તારના હોવાથી તેઓ દિવાળી નિમિત્તે પોતાને ગામડે જશે, તો કેટલાંક મુંબઈમાં રહી દિવાળી ઉજવશે. છતાં ટિફિન સર્વિસ બંધ રહેશે.
ગત અનેક વર્ષોથી મુંબઈની વિવિધ ઓફિસોમાં કામ કરતાં અધિકારી, કર્મચારીઓને દરરોજ ઘરનું ભોજન મળી રહે તે માટે બપોરનું ટિફિન આ ડબાવાળાઓ પહોંચાડતાં હોય છે. તેમની ઉત્તમ કામગીરી માટે તેઓ વિશ્વભરમાં ખ્યાત છે. માત્ર દરવર્ષે ગામની યાત્રા, પંઢરપૂરની જાત્રા તથા અધવચ્ચે દિવાળી જેવા તહેવારે જ તેઓ રજા પાળતા હોય છે.
આ વર્ષે દિવાળી નિમિત્તે ડબાવાળાઓએ પાંચ દિવસની છૂટ્ટી રાખતાં ઓફિસ કર્મચારીઓને થોડી અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. કારણ ૨૦ થી ૨૫ ઑક્ટોબર દરમ્યાન ટિફિન સર્વિસ બંધ રહેશે. આ પાંચમાંથી બે દિવસ તો જાહેર રજા છે. સોમવારે ૨૭ ઑક્ટોબરથી ડબાવાળાઓની સર્વિસ નિયમિત શરુ થશે.








