મુંબઈના ડબ્બાવાળીઓની સર્વિસ 07 જુલાઈએ બંધ રહેશે

ડબ્બાવાલા એસોસિએશનની જાહેરાત
અષાઢી એકાદશીએ ડબ્બાવાળાઓ પણ વિઠ્ઠલ-રુક્મિણીના દર્શને પંઢરપૂર જશે
મુંબઈ - મુંબઈના પ્રખ્યાત ડબ્બાવાળાઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક અષાઢી એકાદશીની વારી (જાત્રા)માં ભાગ લેવાના હોવાથી સાતમી જુલાઈ ને સોમવારના રોજ તેમની ટિફીન ડિલિવરી સર્વિસ બંધ રહેશે. ઘણાં સભ્યો આ વારીમાં જવાના હોવાથી મુંબઈ ડબ્બાવાલા એસોસિએશને એ દિવસે તેમની સેવાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી છે.
દરવર્ષે હજારો ભક્તો કે જેમને વારકરી તરીકે ઓળખવામાં આવે છે, તેઓ ભક્તિભાવ સાથે પંઢરપૂરની યાત્રા કરે છે, જે અષાઢી એકાદશીને દિવસે પંઢરપૂરમાં વિઠ્ઠલ-રુક્મિણીના દર્શન બાદ સમાપ્ત થાય છે. ડબ્બાવાળાઓ માટે પણ આ વારીનું અનોખું આધ્યાત્મિક મહત્ત્વ છે. વારીને તેઓ પોતાના જીવનનો એક ભાગ માને છે. આથી સાતમીએ ડબ્બાવાળાઓ વારીમાં જોડાશે અને આઠમી તારીખથી ફરી રાબેતા મુજબ તેમની સર્વિસ શરુ થઈ જશે.








