વીજ કરંટ બાદ પહેલા માળેથી પટકાઈ હતી
40થી વધુ લોકોનું ટોળું કેઝ્યુઅલટી વિભાગમાં જમા થઈ ગયું ઃ મોટાપાયે તોડફોડ કરતાં ગુનો દાખલ
મુંબઇ - કૂપર હોસ્પિટલમાં વીજ કરંટ બાદ પટકાયેલી મહિલાને તત્કાળ સારવાર ન અપાઈ હોવાના આક્ષેપો સાથે રોષે ભરાયેલા મહિલાના પતિ અને સંબંધીઓએ હોસ્પિટલ પરિસરમાં તોડફોડ કરી હતી. આ લોકોએ કાચની પેનલો અને નોંધણીના કાઉન્ટરો તોડી પાડયા હતા. આ સાથે જ હોસ્પિટલની મિલકતોને નુકસાન પહોંચાડયું હતું. આ બાબતે ૅજૂહુ પોલીસે મૃતકના પતિ ૩૪ વર્ષીય હનીફ શેખસહિત પરિવારના ઘણા અન્ય સભ્યો સામે રમખાણો અને મિલકતને નુકસાન કરવા બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૃતક ૩૧ વર્ષીય સબિયા શેખ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વીજળીનો કરંટ લાગવાથી અંદેરી (વે)ના પહેલા માળના ઘરની બારીમાંથી બહાર પડી ગઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના બુધવારે રાત્રે જુનૈદનગરના એક રહેણાંક વિસ્તારમાં બની હતી.
સબિયા શેખને રાત્રે ૧૦.૩૦ વાગ્યે કૂપર હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં ડૉકટરોએ તેને મૃત ઘોષિત કરી હતી. હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં ૪૦ થી ૫૦ લોકો કોઝ્યુઅલ્ટી વિભાગમાં ભેગા થઇ ગયા હતા. સબિયાને બચાવી શકાઇ ન હોવાથી રોષે ભરાયેલ આ લોકોએ હોસ્પિટલમાં તોડફોડ શરૃ કરી હતી. આ લોકોએ હોસ્પિટલની કાચની પેનલો નોંધણી કાઉન્ટર પણ તોડી પાડયા હતા. આ બાબતે હોસ્પિટલના ડીન ડૉ. દેવદાસ શેટ્ટી માધ્યમોને જણાવ્યુ ંહતું કે હોસ્પિટલની ઘણી મિલકતને નુકસાન થયું હતું. આ બાબતે મુખ્ય સુરક્ષા અધિકારીએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા હોસ્પિટલ પરિસરની મુલાકાત પણ લીધી હતી.
જ્યારે આ ટોળું ઉશ્કેરાયું ત્યારે કેઝ્યુઅલ્ટી મેડિકલ ઓફિસર તરીકે ચાર મેડિકલ સ્ટુડન્ટ, નર્સો અને ઓછામાં ઓછા છ સુરક્ષા ગાર્ડ ફરજ બજાવતા હતા. એફઆઇઆરમાં નોંધાયેલા ડૉકટરના નિવેદન મુજબ પતિ અને સંબંધીઓએ પોસ્ટમોર્ટમ માટે સંમતિ આપવાનો ઇનકાર કર્યો હતો અને તેના બદલે તેઓ આક્રમક બની ગયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે મહિલાના પતિએ દાવો કર્યો હતો કે તેની પત્નીની સારવારમાં વિલંબ થયો હતો. જેના કારણે ડૉકટરોએ તેને મૃત જાહેર કરતા પરિવાર ગુસ્સે ભરાયો હતો જોકે હોસ્પિટલના અધિકારીઓએ આ આરોપ નકારી કાઢ્યો હતો અને કહ્યું હતુંકે દર્દીની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પરિવાર બાદમાં મૃતકને આયુર્વેદ હોસ્પિટલમાં લઇ ગયો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આળી હતી. આ ઘટના બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.


