Get The App

સતત 2જા દિવસે મુંબઈનું સીએનજી સંકટ યથાવતઃ લાખો લોકો હેરાન પરેશાન

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
સતત 2જા દિવસે મુંબઈનું સીએનજી સંકટ યથાવતઃ લાખો લોકો હેરાન પરેશાન 1 - image

ગેઈલ પાઈપલાઈનનાં  ભંગાણનું રિપેરિંગ નહિ થતાં મુંબઈની રફતારને બ્રેક વાગી

બીજા દિવસે વધુ કેબ-ઓટો ગાયબ થઈ જતાં નોકરિયા, ધંધાર્થીઓ સહિત લાખો લોકોને અગવડઃ  ટ્રેનો-મેટ્રો ચાલુ પરંતુ સ્ટેશનો સુધી પહોંચવા રિક્ષા કે ટેક્સી ન મળીઃ અનેક પંપ પર બંધનાં પાટિયાં ઝૂલ્યાં ઃ પુરવઠો પ્રાપ્ય હતો ત્યાં કલાકોની લાંબી લાઈનો

મુંબઈ -  મુંબઈના વડાલામાં આવેલ રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર (આરસીએફ) કમ્પાઉન્ડ ખાતે ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ગેઈલ)ની મુખ્ય પાઈપલાઈનને શનિવારે થર્ડ પાર્ટી દ્વારા નુકસાન થતા મુંબઈગરાઓને રવિવાર બાદ આજે સોમવારે સપ્તાહના પહેલા જ દિવસે પણ હાલાકી ભોગવવી પડી હતી. આજે વહેલી સવારથી ઓફિસે જનારા લોકો અને વિદ્યાર્થીઓને ઓટો રિક્ષા અને કેબ (ટેક્સી)ની અત્યંત પાંખી હાજરીને લીધે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. કેબ તથા રિક્ષા ખોરવાતાં લાખો મુંબઈગરા હેરાન થયા હતા કારણ કે લોકલ ટ્રેનો અને મેટ્રો ચાલુ હતી પરંતુ  સ્ટેશનોએ પહોંચવા માટે ટેક્સી કે ઓટો મળતી ન હતી. બીજી તરફ મહાનગર ગેસ લિમિટેડે  આવતીકાલે બપોર પછી પરિસ્થિતિ હળવી  થવાની આશા વ્યક્ત કરી હતી. 

કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) પુરવઠામાં વિક્ષેપ પડતાં આજે વહેલી સવારથી નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ સહિત બહારગામથી આવતા અને જવા માગતા લોકો સહિત લાખો લોકોને રિક્ષા, કેબ અને બસની હાજરીને લીધે ભારે અગવડનો સામનો કરવો પડયો હતો. શનિવારે રાતભર અને રવિવારે આખો દિવસ સીએનજી ઉપલબ્ધ ન હોવાથી હજારો ઓટો- રિક્ષા, ટેક્સી અને એપ આધારિત કેબ રસ્તા પરથી દૂર રહેતા પરિસ્થિતિ વણસી હતી.

ઘણા ડ્રાઈવરોએ કહ્યું હતું કે રવિવારે સાંજે તેમનો બાકી રહેલો સીએનજીનો જથ્થો ખલાસ થઈ જતા અને પંપો પર સીએનજીનો નવો પુરવઠો ઉપલબ્ધ ન થતા તેઓ તેમના વાહનો શરૃ કરી શક્યા નહોતા.

સોમવારે સવારે રસ્તા પરથી રિક્ષા અને ટેક્સીઓ ગાયબ થઈ જતા ઓફિસે જનારાઓ અને વિદ્યાર્થીઓ માટે બેસ્ટની બસોનો એકમાત્ર વિકલ્પ બચ્યો હતો. મુંબઈના મહત્ત્વના પરાંઓ જેવા કે દાદર, મુલુંડ, કુર્લા, બાંદ્રા, અંધેરી, બોરીવલી, ઘાટકોપર ખાતે બસ સ્ટોપ પર બસ પકડવા લાંબી કતારો લાગી હતી. જેના કારણે મુસાફરોને ભરચક બસોમાં ચઢવામાં મુશ્કેલી પડી હતી.

મુંબઈના વિવિધ પરાંઓમાં આવેલા સીએનજી પંપ પર સીએનજીનો પુરવઠો ઉપલબ્ધ ન હોવાથી તેમજ રિક્ષા- ટેક્સીમાં સીએનજીનો જથ્થો ન હોવાથી આજે સવારથી હજારોની સંખ્યામાં રિક્ષા- ટેક્સી રસ્તા પરથી ગાયબ થઈ ગઈ હતી. આ વાતથી અજાણ લાખો મુંબઈગરાઓ ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમને રસ્તા પર રિક્ષા- ટેક્સી ન હોવાની જાણ થઈ હતી. લગભગ દરેક શેર રિક્ષા- ટેક્સી સ્ટેન્ડ પર વાહનોની સંખ્યા નહીવત હોવાથી અને મુસાફરોની લાંબી લાઈનોને લીધે લોકો બેસ્ટની બસો તરફ વળ્યા હતા.  જોકે બેસ્ટની બસમાં પણ અસહ્ય ભીડ હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.

બેસ્ટમાં પગ મૂકવાની જગ્યા નહિ

મુંબઈમાં  ઓટો રિક્ષાઓ અને ટેક્સીઓ માટે સીએનજી મુખ્ય ઇંધણ છે. સપ્લાય બંધ થતા આ વાહનોની કામગીરી પર ભારે અસર થઈ હતી. ઘણા ડ્રાઇવરોને રાતભર અને સવારથી જ ઈંધણ મળ્યું ન હોવાથી સેવાને રસ્તા પર ઉતારી જ શક્યા નહોતા, જેના કારણે મુસાફરોને ઓફિસ, શાળાઓ તથા સ્ટેશનો સુધી પહોંચવામાં અતિશય વિલંબ  થતાં રોષ ફેલાયો હતો. બેસ્ટ બસોમાં રોજ કરતાં ત્રણ-ચાર ગણી ભીડ જોવા મળી હતી. બસોમાં પગ મૂકવાની જગ્યા ન હતી અને લોકોએ ભારે ભીંસ અનુભવી  પ્રવાસ કરવો પડયો હતો.  

સીએનજી માટે લાંબી કતારો અને બંધ પંપ..

શહેરના અનેક વિસ્તારોમાં સીએનજી પંપ સંપૂર્ણપણે બંધ રહ્યા, જ્યારે કેટલીક જગ્યાએ કાર્યરત રહેલા પંપની બહાર લાંબી લાઇનો જોવા મળી. અનેક ડ્રાઇવરોએ ફરિયાદ કરી કે તેમને ત્રણ-ચાર કલાક રાહ જોવી પડી છતાં સીએનજી મળવાની કોઈ ખાતરી નહોતી. વધતી કતારોને કારણે ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ પણ જોવા મળી હતી.

ક્ષતિગ્રસ્ત પાઇપલાઇનના તાત્કાલિક સમારકામમાં ટીમો તૈનાત..

જીએઆઈએલ અને એમજીએલ ની ટેકનિકલ ટીમો આરસીએફ પરિસરમાં ક્ષતિગ્રસ્ત પાઇપલાઇનની મરામત માટે તાત્કાલિક પ્રવૃત્ત થઈ ગઈ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પાઇપલાઇનના ભાગમાં મોટું નુકસાન થયું હોવાથી સપ્લાયને ફરી શરૃઆત કરવામાં સમય લાગી શકે છે.

મહાનગર ગેસ લિ. (એમજીએલ) તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ સમસ્યા દૂર કરવા યુધ્ધના ધોરણે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે મંગળવાર બપોર સુધી સમસ્યા બની રહેશે તેવું વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે જાણવા મળ્યું છે.

આજે બપોર સુધી સંકટ યથાવત રહેશેઃ મહાનગર ગેસ

 મહાનગર ગેસ લિમિટેડ દ્વારા જણાવાયું હતું કે પાઈપલાઈનમાં ભંગાણનું રિપેરિંગ આવતીકાલ તા. ૧૮મીની બપોર સુધી ચાલવાની સંભાવના છે. મતલબ કે આવતીકાલે પણ બપોર સુધી સીએનજી પુરવઠો રિસ્ટોર થવાની શક્યતા નહિવત્ત છે. 

એમજીએલ  દ્વારા દાવો કરાયો હતો કે મુંબઈ, નવી મુંબઈ તથા થાણેનાં ૩૮૯ સીએનજી પંપમાંથી ૨૨૫ ઓપરેશનલ છે. જોકે, વાસ્તવમાં આજે શહેરનાં મોટા ભાગના પંપ પર નો સ્ટોકનાં પાટિયાં જોવા મળ્યાં હતાં. 

કંપનીએ જણાવ્યું હતું કે વડાલા મથક ખાતે સમારકામ ચાલુ છે અને તે આવતીકાલે બપોર સુધી ચાલુ રહેશે તેવી સંભાવના છે. 

આ સમસ્યા ફક્ત મુંબઈ સુધી મર્યાદિત નહોતી પણ થાણે અને નવી મુંબઈમાં પણ લોકોની હાલત કફોડી બની હતી કારણ કે અહીંથી ગેસનો જથ્થો સમગ્ર મુંબઈ રિજન (એમએમઆર)માં સપ્લાય થતો હોવાથી મુંબઈ સિવાય આસપાસના અન્ય શહેરોને પણ અસર થઈ હતી અને અહીં રહેતા લોકોને પણ ત્રાસ સહન કરવો પડયો હતો.

સ્કૂલ બસો, કમર્શિઅલ વાહનો પણ અટક્યાં

મુંબઈ, તા. ૧૮ 

ગેસની અછતના કારણે સ્કૂલ બસો પણ અટકી પડી હતી. તેના કારણે સંખ્યાબંધ શાળાઓએ તેમના વાલીઓને બાળકોને લાવવા લઈ જવાની જાતે વ્યવસ્થા કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું. બીજી તરફ થ્રી વ્હિલર ટેમ્પો સહિતના કમર્શિઅલ વાહનો પણ અટકી પડતાં મુંબઈના અનેક ઔદ્યોગિક વિસ્તારો તથા બજારોમાં વાણિજયિક પ્રવૃત્તિઓ પર પણ અસર જોવા મળી હતી.