2024-25માં મુંબઇની હવાની ગુણવત્તા અતિશય પ્રદૂષિત રહી
ચેમ્બુર,મલાડમાં પીએમ ઃ ૧૦ની માત્રા ઘણી વધુ નોંધાઈ
બાંધકામ પ્રવૃત્તિ , વાહનોમાંથી ફેંકાતા હાનીકારક વાયુઓ, જાહેરમાં અગ્નિ પેટાવવો વગેરે પરિબળો કારણભૂત
મુંબઇ - મુંબઇમાં ૨૦૨૪-૨૫ દરમિયાન હવાની ગુણવત્તા ખરાબ રહી હતી. ખાસ કરીને પાર્ટિક્યુલેટેડ મેટર ૧૦(પીએમ ઃ ૧૦)નું પ્રમાણ વધ્યું હતું. પરિણામે મુંબઇની હવાની ગુણવત્તા ખરાબ રહી હતી. મુંબઇનાં કુલ નવમાંથી છ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન દ્વારા આવો ચિંતાજનક અહેવાલ રજૂ થયો છે.
હવાની ગુણવત્તા વિશેના નિષ્ણાતોના અને મહાનગરપાલિકાના અધિકારીઓના કહેવા મુજબ મુંબઇમાં બાંધકામ પ્રવૃત્તિનું વધી રહેલું પ્રમાણ, વાહનોમાંથી બહાર ફેંકાતા આરોગ્ય માટેના હાનીકારક વાયુઓ, ઉદ્યોગો અને કારખાનાંમાંથી બહાર ફેંકાતાં રસાયણો, આરસપહાણ,પથ્થરો, લાદી કાપવાં, ખુલ્લા વાતાવરણમાં અગ્નિ પેટાવવો વગેરે પ્રવૃત્તિને કારણે શહેરમાં પ્રદૂષણ વધી રહ્યું છે.
સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ(સફર)નાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે ૨૦૨૩-૨૪થી મુંબઇના ચેમ્બુર પરાંમાં પ્રદૂષણની માત્રા ઘટી રહી છે.એક તબક્કે ચેમ્બુરમાં પીમ ૧૦ની માત્રા ૧૨૫ માઇક્રોગ્રામ્સ(એક ક્યુબિક મીટર દીઠ) નોંધાઇ હતી. ત્યારબાદ મલાડમાં ૧૦૪, કોલાબા અને મઝગાંવમાં ૯૬ નોંધાઇ હતી.ચિંતાજનક બાબત તો એ છે કે આ ચારેય પરાંમાં પીમ -૧૦ની માત્રા સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(સીપીસીબી)ની માર્ગદર્શિકા (૬૦) કરતાં પણ વધુ રહી હતી.
મહાનગરપાલિકાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે ચેમ્બુરમાં પીએમ ઃ ૧૦ નું પ્રમાણ વધુ રહેત્ છે કારણે કે તેની નજીક દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ(કચરો ભેગો કરવાનું મેદાન),માહુલ રિફાઇનરી, રેડી મિક્સ કોન્ક્રેટ(આરએમસી) પ્લાન્ટ્સ છે. ઉપરાંત, આ વિસ્તારની લેબર કોલોનીનાં લોકો ખુલ્લા વાતાવરણમાં અગ્નિ પેટાવતાં હોવાથી પણ પ્રદૂષણ વધે છે. જાહેરમાં અગ્નિ પેટાવવાથી કેટલી સમસ્યા સર્જાય તેની તેઓને સમજણ પણ નથી હોતી. ઉપરાંત, તેઓ એટલાં ગરીબ છે કે આવી ગેરકાયદે પ્રવૃત્તિ માટે તેઓ ૧૦૦ રૃપિયા દંડ પણ ભરી શકે તેમ નથી.
બીજીબાજુ મહાનગરપાલિકાનાં પાંચ સ્થળો પરનાં એર મોનિટરિગ સ્ટેશન્સ દ્વારા મળેલી માહિતીમાં પણ ઘાટકોપર અને શિવરીમાં પણ પીએમ ઃ ૧૦ નું પ્રમાણ વધુ રહે છે.
સફરના ભૂતપૂર્વ ડાયરેેક્ટર અને હાલ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝના ચેર પ્રોફેસર ડો.ગુફ્રાન બેગ તેમના બહોળા સંશોધન અને અભ્યાસના આધારે કહે છે કે વાતાવરણમાં ધૂળનું પ્રમાણ વધવાથી પીએમ ઃ ૧૦ ની માત્રા પણ વધે. હાલ મુંબઇમાં બાંધકામ પ્રવૃત્તિ મોટાપાયે વધી રહી હોવાથી વાતાવરણમાં ધૂળ, લોખંડનાં અને લાકડાનાં સુક્ષ્મ રજકણો ફેલાય છે.જોકે હાલ ચોમાસામાં વરસાદી માહોલ હોવાથી ધૂળ અને આવાં રજકણો ધોવાઇ જતાં હોવાથી શહેરમાં હવાની ગુણવત્તા પ્રમાણમાં સારી રહે છે.