રામ મંદિર ૩૬.૧, વિક્રોલી ૩૫.૯, બાંદ્રા ૩૪.૫, થાણ ૩૭ ડિગ્રી
કોંકણની સમુદ્રપટ્ટી પરનાં થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં પણ ગરમી અને ઉકળાટ
મુંબઇ - મુંબઇગરાંને આજે બપોરે ફરીથી ગરમી અને ઉકળાટનો અણગમતો અનુભવ થયો હતો. મુંબઇ પર છેલ્લા થોડા દિવસથી આછેરા ઠંડા પવનો ફૂંકાતા હોવાથી વાતાવરણ ખુશનુમા રહ્યું હતું.
બીજીબાજુ મધ્ય મહારાષ્ટ્રનાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવી વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે.
હવામાન વિભાગે એવી માહિતી આપી હતી કે આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૦ અને લઘુત્તમ તાપમાન ૨૫.૦ ડિગ્રી , જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૩.૯ અને લઘુત્તમ તાપમાન ૨૨. ૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૬૦ -૬૬ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૬૦-૫૪ ટકા રહ્યું હતું.
આજે મુંબઇ નજીકના થાણેમાં મહત્તમ તાપમાન ૩૭.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ઓટોમેટિક વેધર સ્ટેશનની માહિતી મુજબ આજે મુંબઇના પશ્ચિમના પરા રામ મંદિરમાં મહત્તમ તાપમાન ૩૬.૧, વિક્રોલી -૩૫.૯, બાંદ્રા- ૩૪.૫,વિદ્યાવિહાર-૩૩.૯,ભાયખલા-૩૩.૮, દહિસર-૩૩.૭, ચેમ્બુર-૩૩.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગે એવો વરતારો આપ્યો છે કે હજી આવતા ૨૪ કલાક સુધી, (૧૧, એપ્રિલ) મુંબઇ સહિત નજીકના થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં ગરમી અને ઉકળાટનું વાતાવરણ રહે તેવાં કુદરતી પરિબળો સર્જાયાં છે. ૧૨, એપ્રિલ બાદ મુંબઇગરાંને ગરમી અને ઉકળાટમાં રાહત રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)નાં સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે હાલ મુંબઇ પર પૂર્વ દિશામાંથી પવનો ફૂંકાવાનું શરૃ થયું છે. પૂર્વના પવનો સાથે ગરમી પણ આવતી હોવાથી વાતાવરણમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે. હજી હમણાં સુધી મુંબઇ પર પશ્ચિમના ઠંડા પવનો ફૂંકાતા હોવાથી વાતાવરણ ખુશનુમા રહેતું હતું.
ઉપરાંત, હાલ મુંબઇ સહિત કોંકણની દરિયાઇ પટ્ટી ઉપર એન્ટિ સાયક્લોનની પણ હળવી અસર વરતાઇ રહી છે. એન્ટિ સાયક્લોનની અસર હોય ત્યારે વાતાવરણના ઉપરના પટ્ટામાં (પૃથ્વીના વાતાવરણના પહેલા ૧૫ કિલોમીટર સુધીના પટ્ટાને ટ્રોપોસ્ફિયર કહેવાય છે) જબરદસ્ત દબાણ સર્જાય છે. પરિણામે હવા ઉપરના વાતાવરણમાં જઇ શકતી નથી. વળી, બપોરે સૂર્યનાં તેજ કિરણોને કારણે જમીનનું તાપમાન વધી જાય છે. હવા પણ ગરમ થઇ જાય. જોકે આ ગરમ હવા ઉપરના હિસ્સામાં જઇ શકતી નથી અને નીચેના વાતાવરણમાં જ ગોળ ગોળ ઘુમ્યા કરે છે. આ બધાં પરિબળોને કારણે સમગ્ર વાતાવરણ ગરમ થઇ જાય અને મહત્તમ તાપમાન પણ વધી જાય છે.


