Get The App

મુંબઈગરાંની માઠી! આજથી બેસ્ટની મુસાફરી માટે ડબલ ભાડું અમલી

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
મુંબઈગરાંની માઠી! આજથી બેસ્ટની મુસાફરી માટે ડબલ ભાડું અમલી 1 - image


બેસ્ટ વર્ષે ૬૦૦ કરોડ વધુ કમાશે, ૩૨ લાખ લોકોનાં ખિસ્સાં ખાલી થશે

નોન એસીમાં પાંચ રુપિયાની લઘુત્તમ ટિકિટના સીધા દસ રુપિયા, સીઝન ટિકિટના ભાડાંમાં તો બમણાથી  પણ વધુ વધારો

મુંબઈ -  રોજેરોજ રેલવે સ્ટેશન કે અન્ય ગંતવ્ય સ્થાને પહોંચવા માટે બેસ્ટ બસોનો ઉપયોગ કરતા મુંબઈગરાંઓએ આવતીકાલ શુક્રવારથી બેસ્ટ બસનું ડબલ ટિકિટ ભાડું ચૂકવવું પડશે. ભાડાં વધારાની દરખાસ્તને અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા બાદમાં ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની મંજૂરી મળ્યા બાદ હવે આવતીકાલથી તેનો અમલ કરવાની જાહેરાત થઈ છે. એક અંદાજ પ્રમાણે રોજ આશરે ૩૨ લાખ લોકો બેસ્ટ બસનો ઉપયોગ કરે છે. આ તમામનાં ખિસ્સાં  પર આવતીકાલથી ડબલ કાપ આવશે અને તેની  સામે બેસ્ટ વર્ષે દહાડે ૫૯૦ કરોડ રુપિયા વધારે કમાશે. 

બેસ્ટ બસનું અત્યાર સુધીનું ઓછામાં ઓછું ભાડું પાંચ રુપિયા હતું. તે હવે વધીને સીધું દસ રુપિયા થઈ જશે. એસી બસમાં ઓછામાં ઓછું ભાડું છ રુપિયા હતું તે હવે સીધું વધીને ૧૨ રુપિયા થઈ જશે. આ રીતે દરેક સ્ટેજ પર ભાડું બમણું થતું જશે. સીઝન પાસ લેનારાઓએ તો બમણાં કરતાં પણ વધારે ભાડું ચૂકવવું  પડશે. 

બેસ્ટના દાવા અનુસાર ૨૦૧૮થી ભાડું વધ્યું નથી. આથી અત્યારે આ ભાડું વધારવું જરુરી હતું. બીજી તરફ પ્રવાસીઓનું કહેવું છે કે બેસ્ટ દર બે કે ત્રણ વર્ષે આંશિક રિવિઝન કરે તે સમજી શકાય તેમ છે પરંતુ રાજકીય કારણોસર ભાડું વધારવાનું  ટાળવામાં આવે અને હવે એકસાથે બમણું ભાડું વધારી  દેવાય તે ખોટું છે. 

બસ ભાડાં વધારાની જાહેરાત થઈ ત્યારથી અનેક નાગરિક સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે.  છેલ્લા કેટલાય સમયથી બેસ્ટની સેવાઓ કોન્ટ્રાક્ટ પર દોડતી બસોના ભરોસે મૂકાઈ ગઈ છે. બેસ્ટની પોતાની માલિકીની બસો ઘટતી જાય છે. આવા  સંજોગોમાં પ્રવાસીઓએ બસો માટે વધારે રાહ જોવી  પડે છે. બેસ્ટ દ્વારા હાઈફાઈ બસ સ્ટોપ બનાવવા માટે કરોડોનો ધૂમાડો કરી દેવાયો છે. પરંતુ, કેટલાંય બસ સ્ટોપ પર પ્રવાસીઓને વરસાદ કે તડકાતી બચવા માટે શેડ પણ નથી. 

લોકોનું કહેવું  છે કે બેસ્ટએ કેટલાય જૂના રુટ બંધ કરી દીધા છે. નવી શરુ થયેલી મેટ્રો લાઈનોના સ્ટેશનો સુધી પહોંચવા  માટે બેસ્ટ બસોની વધારે જરુર છે. સાંકડા રસ્તાઓ પર વધારે મિનિ બસો મૂકવાની તથા લાંબા અને ભારે ડિમાન્ડ ધરાવતા રુટ્સ પર વધારે ડબલ ડેકર મૂકવાની જરુર છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને બેસ્ટ ઉપક્રમના પ્રશ્નો બાબતે મળેલી બેઠકમાં બેસ્ટને તેની આવક વધારવા જણાવ્યું હતું. તેમજ બેસ્ટ ઉપક્રમે મુંબઈ મહાનગરપાલિકાના  બજેટમાં ૩ ટકાની બેસ્ટ માટે જોગવાઈ કરવાની માંગણી કરી હતી. સી.એમ.ના કહેવા મુજબ બેસ્ટ ઉપક્રમે બસના ભાડામાં વધારો કરવાની દરખાસ્ત મૂકતા તેને મંજૂરી અપાઈ હતી.

બેસ્ટ ઉપક્રમના જનરલ મેનેજરે એસ.વી. નિવાસે જણાવ્યું હતું કે બસના  ભાડામાં વધારો કરવાથી આવકમાં આશરે રૃ.૫૯૦ કરોડનો વધારો થવાની શક્યતા છે. આથી બેસ્ટની હાલની વાર્ષિક આવક રૃ.૮૪૫ કરોડથી વધીને રૃ.૧૪૦૦ કરોડ થશે.

જ્યારે બસમાં મુસાફરી કરતાં ૪૦ ટકાથી વધુ નેત્રહીન, અપંગ અને વિકલાંગ મફતમાં પ્રવાસ કરી શકે છે. તેઓ બેસ્ટ ચલો સ્માર્ટ કાર્ડ- મોબાઈળ એપ ઓળખપત્ર લેવુ ફરજિયાત છે. બાળકો ૫થી ૧૨ સુધી માટે કન્સેશનની સુવિધા ઉપલબ્ધ કરાઈ.

સીનિયર સીટીઝન માટે બસના પાસથી વ્યવસ્થા છે. જેમાં ૬૦, ૯૦ અને ૧૨૦ બસ ફેરી માટે માસિક બસ ઉપલબ્ધ છે. આ બસ પાસમાં સીનીયર સીટીઝનને રૃ.૫૦ સુધીની સવલત આપવામાં આવી છે.


Tags :