દિવાળી પૂર્વે 37 ડિગ્રી ગરમીથી મુંબઈગરાં ત્રાહિમામ પોકારી ગયા

છેલ્લા કેટલાક દિવસોથી સતત ૩૫ ડિગ્રીથી વધુ તાપમાન
ચોમાસાની વિદાય સાથે સ્વચ્છ આકાશમાંથી સૂર્યનાં તેજ કિરણોથી ગરમી ઃ ભેજના ઊંચા પ્રમાણથી ભારે બફારાનો પણ અનુભવ
મુંબઈ - મુંબઈમાં દિવાળી પહેલાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. આજે ૨૪ કલાકમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાતાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ગરમી સાથે ભેજના ઊંચા પ્રમાણથી ભારે બફારાનો અનુભવ થઈ રહ્યો છે.
મુંબઇમાંથી ગત ૧૦, ઓક્ટોબરે નૈઋત્યની વર્ષા ઋતુની સત્તાવાર વિદાય સાથે જ વાતાવરણમાં જબરું હોટ હોટ પરિવર્તન થઇ રહ્યું છે. છેલ્લા બે -- ત્રણ દિવસથી મુંબઇગરાં બપોરે ગરમી અને બફારાથી હેરાનપરેશાન થઇ રહ્યાં છે. બપોરે ગરમીનો પારો ૩૫.૦ ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ ઉંચો નોંધાઇ રહ્યો છે. ગઇકાલે ૧૬, ઓક્ટોબરે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૫.૮ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૫.૯ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોટ હોટ નોંધાયું હતું. સાથોસાથ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ૯૦.૦ ટકા જેટલું ઘણું વધુ રહ્યું હતું.
હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)નાં ડાયરેક્ટર શુભાંગી ભૂતેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે આજે સતત બીજા દિવસે ૧૭, ઓક્ટોબરે પણ કોલાબામાં મહત્તમ તાપમાન ૩૫.૬ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં ૩૭.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઉનું ઉનું નોંધાયું હતું.
મુંબઇ અરબી સમુદ્રના કિનારા પર વસેલું હોવાથી શહેર પર સતત દરિયાના પવનો ફૂંકાતા રહે છે.સમુદ્ર પરથી આવતી પવનની લહેરખી બપોરના બાર પહેલાં જમીન પર આવે તો વાતાવરણમાં ઠંડકનો અનુભવ થાય. જોકે દરિયા પરથી પવનની લહેર બપોરે બાર બાદ મોડી જમીન પર આવે તો ત્યાં સુધી જમીન સૂર્યનાં તેજ કિરણોથી ગરમ થઇ જાય. પરિણામે જમીનની ગરમી આખા વાતાવરણમાં ફેલાઇ જાય. પરિણામે મહત્તમ તાપમાન પણ વધે.
હાલ છેલ્લા બે દિવસથી સમુદ્ર પરથી આવતી પવનની લહેરખી જમીન પર બપોરે બાર વાગ્યા બાદ જમીન પર આવતી હોવાથી શહેરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.
હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)નાં સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે મુંબઇમાંથી ચોમાસાની વિદાયની પરંપરાગત તારીખ ૮, ઓક્ટોબર છે.ઓક્ટોબરમાં વર્ષા ઋતુની વિદાય થાય એટલે સ્વાભાવિક રીતે જ હવામાનમાં મોટા ફેરફાર થાય.આકાશમાં વરસાદી વાદળો બનવાની કુદરતી પ્રક્રિયા બંધ થઇ જાય.
વરસાદી વાદળો ન હોય એટલે ગગન આખું સ્વચ્છ રહે. સૂર્યનારાયણનાં સંપૂર્ણ દર્શન થાય. સાથોસાથ સૂર્યનાં તેજસ્વી કિરણો છેક પૃથ્વી સુધી આવે. પરિણામે વાતાવરણમાં ગરમીનો અણગમતો અનુભવ થાય. ખાસ કરીને બપોરે સૂર્ય મધ્યાહ્ને હોય ત્યારે તો ગરમીનું પ્રમાણ વધુ રહે.
ઉપરાંત, ચોમાસુ પૂરું થયું હોવા છતાં વાતાવરણમાં ભેજની માત્રા વધુ હોય. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા કરતાં વધુ રહે તો બફારો, ઉકળાટનો અનુભવ થાય. શરીરે અતિશય પરસેવો થાય. વધુ પરસેવાથી શરીરમાંથી પ્રવાહીનું પ્રમાણ ઘટી જાય. પરિણામે આંખોમાં બળતરા, ચક્કર આવવાં,ઉલટી, અતિ તરસ લાગવી, રાતે ઉંઘ ન આવે.પાચનશક્તિ મંદ થઇ જાય વગેરે વગેરે જેવી સમસ્યા પણ થાય. ક્યારેક તો વ્યક્તિ બેહોશ પણ થઇ જાય.
આ સમગ્ર પરિસ્થિતિને ઓક્ટોબર હીટ કહેવાય છે.આમ પણ હિન્દુ પંચાંગ મુજબ ભાદરવો-- આસો મહિનામાં વર્ષા ઋતુ આખા ભારતમાંથી વિદાય લે છે. આ સમયગાળામાં દીપાવલીના તહેવારો ઉજવાય. શિયાળાની મજેદાર મોસમનું ધીમા પગલે આગમન થાય. એટલે કે આ સમયગાળો વર્ષા ઋતુની વિદાય અને શિયાળાની મોસમના આગમનનો સંધિકાળ કહેવાય છે.
આમ આવા ઋતુ પરિવર્તન સાથે હવામાનમાં ફેરફાર થાય તે સ્વાભાવિક છે. જોકે ઋતુ પરિવર્તનની અસર માનવીના આરોગ્ય પર પણ થાય છે.








