મુંબઈગરાં માંદા પડયાઃ ચીકનગુન્યા અને મેલેરિયાના કેસ 20 ટકા વધ્યા
કફ, ઉધરસ, ગળામાં બળતરાના કેસોમાં પણ ઉછાળો
વરસાદી સીઝનમાં મચ્છરજન્ય બીમારીઓ વધી ઃ જોકે, ડેન્ગ્યૂ ગેસ્ટ્રો અને લેપ્ટોના કેસો ઘટતાં રાહત
મુંબઇ - મુંબઇમાં ૨૦૨૫ના ચોમાસામાં મેલેરિયાના અને ચીકનગુન્યાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. સાથોસાથ કફ,ઉધરસ, ગળામાં બળતરા થવી વગેરેના કેસમાં પણ વધારો થયો છે.
મુંબઇ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતા ના અહેવાલમાં એવો ઉલ્લેખ પણ છે કે મુંબઇમાં ૨૦૨૪ના જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન મેલેરિયાના નોંધાયેલા કેસની સરખામણીએ ૨૦૨૫ના જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન ૨૦ ટકાનો વધારો થયો છે. હાલ મુંબઇમાં ચોમાસાના વરસાદી દિવસો હોવાથી મચ્છરોની સમસ્યા વધી ગઇ છે. પરિણામે શહેરમાં મેલેરિયાના કેસમાં પણ વધારો નોંધાયો છે.
બીજીબાજુ રાહતના સમાચાર એ છે કે શહેરમાં ડેન્ગુના કેસમાં ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. એટલે કે ૨૦૨૪નાજાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન શહેરમાં ડેન્ગુના ૧,૯૭૯ કેસ નોંધાયા હતા, જ્યારે ૨૦૨૫ના આ જ સમયગાળામાં ડેન્ગુના ૧,૫૮૪ કેસ નોંધાયા છે. સાથોસાથ શહેરમાં લેપ્ટોસ્પાઇરોસીસના અને ગેસ્ટ્રોએન્ટેરાઇસીસના કેસ પણ ઘટયા છે.
સાથોસાથ શહેરમાં કોવિડના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. ૨૦૨૪ના જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન કોવિડના ૧,૭૭૫ કેસ નોંધાયા હતા, જે ૨૦૨૫ના આ જ સમયગાળામાં ૧,૧૦૯ કેસ નોંધાયા છે.
મુંબઇમાં ૨૦૨૪ના જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન મેલેરિયાના૪,૦૨૧ કેસ નોંધાયા હતા, જ્યારે ૨૦૨૫ની ૧૫, ઓગસ્ટ સુધીમાં મેલેરિયાના ૪,૮૨૫ કેસ નોંધાયા છે. આ કેસમાં જોકે ખાનગી હોસ્પિટલોમાં કે દવાખાનામાં નોંધાયેલા મેલેરિયાના કેસનો સમાવેશ નથી થયો.
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનાં એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. દક્ષા શાહે એવી માહિતી આપી છે કે મુંબઇમાં ૨૦૨૫ના ચોમાસાનું આગમન વહેલું થયું હોવાથી શહેરમાં પાણીજન્ય બીમારીનું પ્રમાણ વધ્યું છે. શહેરમાં મચ્છરોની સમસ્યા પણ છે. ચીકનગુન્યાની બીમારી ચેપી બીમારી છે, જે એડીસ ઇજિપ્તિ પ્રકારનાં મચ્છરોને કારણે ફેલાય છે. ૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં ચીકનગુન્યાના કેસમાં ૫૬ ટકાનો વધારો થયો છે. એટલે કે શહેરમાં ૨૦૨૪ના જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન ચીકનગુન્યાના ૨૧૦ કેસ નોંધાયા હતા, જ્યારે ૨૦૨૫ના આ જ સમયગાળામાં ચીકનગુન્યાના૩૨૮ કેસ નોંધાયા છે.
શહેરના ચેપી બીમારીની સારવારના નિષ્ણાત ડોક્ટરે એવી માહિતી આપી છે કે મુંબઇમાં ગત જુલાઇમાં એચ૩ એન ૨ ઃ પ્રકારની બીમારી એટલે કે તાવના કેસમાં વધારો નોંધાયો હતો.