મુંબઈ યુનિ.નું ચાલુ શૈક્ષણિક વર્ષનું એકેડમિક કેલેન્ડર જાહેર
ગણપતિ, દિવાળી અને નાતાળની રજાઓ મળશે
સેમેસ્ટર-૧, ૩ની પરીક્ષા ૯ થી ૨૫ ઑક્ટોબર વચ્ચે લેવાશે, વિદ્યાર્થીઓને ડિજીટલ માર્કશીટ મળશે
મુંબઇ - નેશનલ એજ્યુકેશન પોલિસીની અમલબજાવણીના અનુસંધાને ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષમાં મુંબઈ યુનિવર્સિટી તથા તેની સાથે જોડાયેલ માન્યતાપ્રાપ્ત શિક્ષણ સંસ્થાઓના ડિગ્રી પ્રોગ્રામ્સના શૈક્ષણિક વર્ષના નિયોજનનું કેલેન્ડર (એકેડમિક કેલેન્ડર) યુનિવર્સિટી પ્રશાસને જાહેર કર્યું છે. તેમાં પ્રિ-એડમિશન ઓનલાઈન રજીસ્ટ્રેશન, ઈન્ટર્નલ તેમજ એક્સ્ટર્નલ પરીક્ષા તેમજ પરિણામ બાબતની પણ માહિતી મૂકી છે.
મુંબઈ યુનિવર્સિટીએ જાહેર કરેલ સર્ક્યુલર મુજબ, ૧૩ જૂન ૨૦૨૫થી શરુ થયેલા શૈક્ષણિક વર્ષના હ્યુમિનિટીસ, કોમર્સ અને સાયન્સ શાખાના અભ્યાસક્રમના પ્રથમ વર્ષની સેમેસ્ટર-૧, બીજા વર્ષની સેમેસ્ટર-૩ તેમજ એટીકેટીની પરીક્ષા ૯ થી ૨૫ ઑક્ટોબર દરમ્યાન લેવાની રહેશે. તે રીતે જ પ્રેક્ટિકલ્સ તેમજ ઈન્ટર્નલ્સ (મૌખિક) પરીક્ષાઓનું આયોજન કરવાનું રહેશે.
કોલેજોએ રજૂ કરેલ વિગતને આધારે વિદ્યાર્થીઓના ફાઈનલ રિઝલ્ટ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાશે તેમજ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની ડિજીટલ માર્કશીટ પણ તૈયાર કરાશે. આ માર્કશીટ સૌપ્રથમ સમર્થ પોર્ટલ પરના વિદ્યાર્થીઓના લોગિનમાં ઉપલબ્ધ કરાવાશે, ત્યારબાદ ડિજીલોકર પર અપલોડ કરાશે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન, ૨૭ થી ૩૧ ઑગસ્ટ, ૨૦૨૫ દરમ્યાન મિડ ટર્મ બ્રેક (ગણપતિની રજા), ૨૧ ઑક્ટોબરથી પાંચ નવેમ્બર ૨૦૨૫ સુધી દિવાળી વેકેશન અને ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ નાતાલનું વેકેશન રહેશે.