મુંબઈ યુનિ.ની આજથી શરુ થતી શિયાળુ સત્રની પરીક્ષાઓ યથાવત

મુલત્વી રહ્યાના બોગસ પરિપત્રો વાયરલ થયા
ફક્ત યુનિવર્સિટી વેબસાઈટ પરના અપડેટસ જ સત્તાવાર ગણવા સૂચના
મુંબઈ - મુંબઈ યુનિવર્સિટીના નામે સોશિયલ મિડીયા પર એક પરિપત્ર પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે ૧૪ ઓક્ટોબરથી ૬ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજનારી મુંબઈ યુનિવર્સિટીની શિયાળુ સત્રની ત્રીજા વર્ષની તમામ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. જો કે, આ પરિપત્ર સંપૂર્ણ રીતે ખોટો અને ગેરમાર્ગે દોરનારો હોવાનું મુંબઈ યુનિવર્સિટીએ સત્તાવાર રીતે પુષ્ટી આપી હતી અને તમામ પરીક્ષાઓ નિર્ધારિત સમયપત્રક મુજબ યોજાશે તેમ જણાવ્યું હતું.
મુંબઈ યુનિવર્સિટીએ આજે સોશિયલ મિડીયા પર સત્તાવાર પોસ્ટ કરીને યુનિવર્સિટીના નામે વાયરલ પ્રકાશિત પરિપત્રને બનાવટી અને ગેરમાર્ગે દોરનાર જણાવ્યું હતું.
મુંબઈ યુનિવર્સિટીએ પુષ્ટિ કરી હતી કે સોશિયલ મિડીયા પર પ્રકાશિત ત્રીજા વર્ષના શિયાળુ સત્રની યોજનારી ૧૪ થી શરુ થનાર પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી હોવાનો કોઈ પરિપત્ર યુનિવર્સિટી દ્વારા જારી કરવામાં આવ્યો નથી. બધા સત્તાવાર અપડેટ્સ ફકત યુનિવર્સિટીની વેબસાઈટ પર જ ઉપલબ્ધ રહેશે તેમ જણાવ્યું હતું.
તેથી વિદ્યાર્થીઓને આવી ગેરમાર્ગે દોરતી ખોટી અફવાઓમાં ન ફસાવવા અને સાવધ રહેવાની સુચના આપવામાં આવી હતી. વધુમાં વિદ્યાર્થીઓને ફક્ત મુંબઈ યુનિવર્સિટીના સત્તાવાર વેબસાઈટને જ અનુસરવા જણાવ્યું હતું.
ત્રીજા વર્ષના શિયાળુ સત્રની પરીક્ષાઓ ૧૪ ઓક્ટોબરથી શરુ થવાની છે. આમાં ત્રીજા વર્ષના બીકોમ, બીએમએસ, બીકોમ (એકાઉન્ટિંગ અને ફાઈનાન્સ), બીકોમ (બેકિંગ અને વીમો), બીકોમ (ફાઈનાન્સિયલ માર્કેટ્સ), બીકોમ (ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ) અને બીકોમ- બીએમએમએસ ઈએમઈ (પર્યાવરણ વ્યવસ્થાપન અને અર્થશાસ્ત્ર)નો સમાવેશ થાય છે. આ તમામ પરિક્ષાઓ સવારના સત્ર દરમિયાન સવારે ૧૦.૩૦ યોજાશે.
દરમિયાન યુનિવર્સિટીએ જાહેર કર્યું છે કે પરીક્ષાના સમયપત્રમાં કોઈપણ ફેરફારની જરુર હશે તો તેની જાણ ફક્ત સત્તાવાર વેબસાઈટ દ્વારા જ કરવામાં આવશે.









