Mumbai

મુંબઈ યુનિ.માં રેગ્યુલર કરતાં ડિસ્ટન્સ એજ્યુકેશનમાં પ્રવેશને વધુ પસંદગી

By GS TEAM
10 Oct 20253 mins read
મુંબઈ યુનિ.માં  રેગ્યુલર કરતાં ડિસ્ટન્સ એજ્યુકેશનમાં પ્રવેશને વધુ પસંદગી

રોજનો પ્રવાસ ટાળવા અને અભ્યાસ સાથે નોકરી કરવાનું નવું વલણ

ગયા વર્ષે પ્રથમ વર્ષમાં માંડ ૧૦ હજાર વિદ્યાર્થીઓનો પ્રવેશ થયેલો તેની સામે આ વર્ષે ૧૨ હજાર સુધી સંખ્યા પહોંચી

મુંબઈ -  ભણતાં ભણતાં નોકરી પણ કરી શકાય અને દરરોજ યુનિવર્સિટી આવવાજવાનો   સમય  બચાવી શકાય તે માટે ઘણાં વિદ્યાર્થીઓ મુંબઈ યુનિવર્સિટીના સેન્ટર ફોર ડિસ્ટન્સ એન્ડ ઓપન એજ્યુકેશન (સીડીઓઈ)માં પ્રવેશ લેવાનું પસંદ કરી રહ્યા છે. ગયા વર્ષે થયેલાં પ્રથમ વર્ષની તુલનાએ આ વર્ષે પ્રવેશની સંખ્યા વધી હોવાનું પણ જણાયું છે. આથી મુંબઈ યુનિવર્સિટીના સીડીઓઈ દ્વારા વારંવાર પ્રવેશની તારીખો પણ લંબાવવામાં આવે છે.

યુનિવર્સિટીના સીડીઓઈ  દ્વારા વિવિધ કોર્સેસ ચલાવાય છે. ગત ચાર-પાંચ વર્ષ પહેલાં આ સેન્ટરમાં લગભગ ૮૦ થી ૮૦ હજાર વિદ્યાર્થીઓના પ્રવેશ થતાં હતાં. જોકે છેલ્લાં બે-ત્રણ વર્ષથી આ સંખ્યા ઘણી ઓછી થઈ હતી. તે પાછળ પણ વિવિધ કારણો હતાં. જેમ કે કેટલીક ઓટોનોમસ કોલેજોએ પોતાના કોર્સ શરુ કરતાં વિદ્યાર્થીઓ પણ ત્યાં જ પ્રવેશ લેવો વધુ પસંદ કરતા હતા. ગયા વર્ષે સીડીઓઈમાં માંડ ૨૪ હજાર જેટલાં વિદ્યાર્થીઓનો પ્રવેશ થયેલો. જેમાં પ્રથમ વર્ષના કોર્સમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦૪૬૯ જેટલી હતી. જોકે આ વર્ષે ફરી તેમાં વધારો થયો છે અને હવે રજીસ્ટ્રેશનને થોડાં જ દિવસ બચ્યાં છે, તેમ છતાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨,૩૮૫ સુધી પહોંચી ગઈ છે. સાથે જ કુલ વિદ્યાર્થી સંખ્યામાં પણ ગત વર્ષની તુલનાએ વધારો થયાનું જોવા મળ્યું છે. 

આ વર્ષે સીડીઓઈમાં પ્રવેશ વધવા પાછળના કેટલાંક કારણો શોધતાં એવું જાણવા મળ્યું કે, આજકાલ ઘણા વિદ્યાર્થીઓ નોકરી કરવાની સાથે ભણવું પસંદ કરે છે. આથી તેમને દરરોજ નિયમિત કૉલેજ કે યુનિવર્સિટી જવું ફાવતું નથી. આથી એ જ ડિગ્રી અને શિક્ષણ જો ઘરે બેઠાં પોતાના કામકાજ કરતાંની સાથે મળતાં હોય અને માત્ર પરીક્ષા આપવા જ જવાનું હોય તો વિદ્યાર્થીઓ એ તરફ જવું વધુ પસંદ કરે છે. વળી કેટલાંક વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતાં જાણવા મળ્યું કે, નિયમિત કોલેજમાં પ્રવેશ લે તો લાંબો પ્રવાસ કરીને રોજના રીક્ષા-બસ કે ટ્રેન ભાડાં ચૂકવી કૉલેજ સુધી પહોંચવું પડે. યુનિવર્સિટીમાં પણ જો રેગ્યુલર પ્રવેશ લેવો હોય તો કુર્લા કે સાંતાક્રુઝ ઉતરી ત્યાંથી બસ કે રીક્ષામાં જવું પડે અને તેમ કરવામાં પૈસાં અને સમય બંને વેડફાય છે. આથી ઓનલાઈન એજ્યુકેશન લેવાથી એ ઝંઝટમાંથી રાહત મળે છે. 

વળી ધો.૧૨ બાદ અનેક કારણસર ઘણાં વિદ્યાર્થીઓ શિક્ષણ અધૂરું મુકતાં હોય છે. પરંતુ આ સીડીઓઈને લીધે તેમને ફરી પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાનો અને તે પણ મુંબઈ કે મહારાષ્ટ્ર કે દેશના ગમે તે ખૂણેથી અભ્યાસ કરવાની તક મળે છે. આથી પણ નિયમિત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાને બદલે યુનિવર્સિટીના સીડીઓઈમાં પ્રવેશ લેવો વિદ્યાર્થીઓ વધુ પસંદ કરે છે. જોકે આ સિક્કાની એક નબળી બાજુ એ પણ સાબિત થઈ શકે કે જો આવી જ પરિસ્થિતિ રહી તો ભવિષ્યમાં શિક્ષકોની નોકરી સામે પણ પ્રશ્નો ઊભાં થઈ શકે છે.