મુંબઇની પ્રથમ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન શરૂંઃ જાણો સ્ટેશન, સમય, ભાડા ઉપરાંત તમામ માહિતી
Mumbai Underground Metro Phase 1: વડાપ્રધાન મોદીએ શનિવારે (5 ઓક્ટોબર) મુંબઇ મેટ્રો લાઇન 3ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરી સાંતાક્રુઝ સ્ટેશન સુધી યાત્રા કરી હતી. મુંબઇ મેટ્રોનું પ્રથમ તબક્કો એકવાલાઈન તરીકે ઓળખાય છે જે મુંબઈના પેટાળમાં એટલે કે ભૂગર્ભમાં દોડશે. મેટ્રો લાઇન 3નો પ્રથમ તબક્કામાં અત્યારે બીકેસીથી આરે કોલોની સુધી 12.69 કિમી વિસ્તારમાં સુવિધા આપવામાં આવશે. જેને આગામી વર્ષે કોલાબા-સીપ્ઝ-આરે સુધી લિંક કરી 33.5 કિમી સુધી લંબાવવામાં આવશે.
કયા કયા સ્ટેશનોનો સમાવેશ થાય છે?
હાલ બીકેસીથી આરે વચ્ચે ફેલાયેલા આ કોરિડોરમાં 10 સ્ટેશન પર મેટ્રો દોડશે. જેમાં બીકેસી, બાંદ્રા કોલોની, સાંતાક્રુઝ, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ T1, સાહર રોડ, અંધેરી, મારોલ નાકા, સીપ્ઝ, આરે કોલોનીનો સમાવેશ થાય છે.
સમય અને અન્ય માહિતી
મુંબઈ મેટ્રો 3ની નિયમિત સેવા દરરોજ સવારે 6.30 થી 10:30 (સોમવારથી શનિવાર) અને રવિવારે સવારે 8.30 થી રાત્રે 10.30 સુધી ચાલશે. મેટ્રો ટ્રેન ભારે અવરજવરના સમયે દર 6.5 મિનિટે જ્યારે સામાન્ય સમયે દર 15થી 20 મિનિટે સ્ટેશન પર આવશે. પ્રથમ તબક્કામાં મેટ્રો ટ્રેન દરરોજ આરે અને BKC વચ્ચે 96 રાઉન્ડ ટ્રિપ્સ પૂર્ણ કરશે. 48 લોકો પાઇલટ ટ્રેન ચલાવશે જેમાંથી 10 મહિલાઓ છે. સરકારના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કાની મેટ્રો સુવિધામાં દરરોજ અંદાજે 4 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરશે. આ ભૂગર્ભ મેટ્રોમાં મુસાફરી કરવા ન્યુનતમ ભાડું 10 રૂપિયા છે જ્યારે મહત્તમ ભાડું 50 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.
શું લાભ થશે?
મુંબઈ મેટ્રો-3ના પ્રથમ તબક્કાને કારણે 6.5 લાખ વાહનોમાં ઘટાડો થશે. રસ્તાઓ પરના ટ્રાફિકમાં 35 ટકાનો ઘટાડો થવાની ધારણા છે. આ ઉપરાંત એક્વાલાઇનને કારણે લગભગ 3.54 લાખ લિટર ઇંધણની બચત થવાની આશા છે.
આ પણ વાંચોઃ 'ભાજપ સાથે સીધી લડાઈમાં નબળી પડે છે કોંગ્રેસ', હરિયાણાના પરિણામ બાદ ભડક્યાં સાથી પક્ષો
2500 મુસાફરોની ક્ષમતા
મેટ્રો એક્વાલાઇન છત્રપતિ બીકેસી-આરેથી શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1 અને 2 તેમજ મારોલ નાકા સ્ટેશન પર ઘાટકોપર-અંધેરી-વર્સોવા સુધી કનેક્ટિવિટી પ્રદાન કરે છે. એકવાર દક્ષિણ મુંબઈમાં આરે અને કોલાબા વચ્ચે સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી મેટ્રો-3 લગભગ ત્રણ-ચાર મિનિટે સ્ટેશન પર આવશે આ ઉપરાંત તેમાં દરરોજ લગભગ 13 લાખ જેટલા મુસાફરો મુસાફરી કરશે. એક સમયે તેમાં આશરે 2,500 જેટલા મુસાફરો મુસાફરી કરી શકશે. લાઇન પર મેટ્રોની સામાન્ય ગતી 85 કિલોમીટર પ્રતિ કલાક છે, જ્યારે સરેરાશ ગતી 35 કિલોમીટર પ્રતિ કલાક હશે.
મેટ્રો કનેક્ટ 3 એપ
મુસાફરો મેટ્રો સ્ટેશનના ટિકિટ કાઉન્ટર ઉપરાંત મેટ્રો કનેક્ટ 3 એપ પરથી ટિકિટ મેળવી શકશે. મુસાફરોની યાત્રા સરળ બનાવવા અને મુસાફરોનો સમય બચાવવાના હેતુસર આ એપ લોન્ચ કરવામાં આવી છે.
એપ સ્ટોરઃ https://apps.apple.com/in/app/metroconnect3/id6723876321
ગુગલ પ્લેઃ https://play.google.com/store/apps/details?id=com.metroconnect3.app