Get The App

1 સપ્ટેમ્બરથી મુંબઈથી કોંકણ સુધી રો-રો ફેરીની શરુઆત, માત્ર 3 કલાકમાં પહોંચી શકાશે રત્નાગિરી: જાણો કેટલું છે ભાડું

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
1 સપ્ટેમ્બરથી મુંબઈથી કોંકણ સુધી રો-રો ફેરીની શરુઆત, માત્ર 3 કલાકમાં પહોંચી શકાશે રત્નાગિરી: જાણો કેટલું છે ભાડું 1 - image

Image Source: Twitter

Mumbai To Konkan Ro Ro Ferry: મુંબઈથી કોંકણની મુસાફરી હવે વધુ સરળ બનશે. 1 સપ્ટેમ્બરથી મુંબઈથી કોંકણ સુધી રો-રો (રોલ-ઓન/રોલ-ઓફ) ફેરી સેવા શરુ થઈ રહી છે. તે મુંબઈથી રત્નાગિરીના જયગઢને માત્ર 3-4 કલાકમાં અને સિંધુદુર્ગના વિજયદુર્ગને 5-6 કલાકમાં જોડશે.

આ સેવા લાંબી અને થકવી નાખતી રોડ મુસાફરીને લગભગ અડધી કરી દેશે. કોંકણ રેલવે અને મુંબઈ-ગોવા હાઇવે બાદ હવે દરિયાઈ માર્ગ કોંકણના લોકો માટે એક નવી ભેટ હશે. શિપિંગ મંત્રી નિતેશ રાણેએ આ ફેરીનું નિરીક્ષણ કર્યું અને તેને કોંકણનું ગૌરવ ગણાવ્યું છે.

આ સેવાની શરુઆત પહેલા ગણેશ ચતુર્થીથી થવાની હતી, પરંતુ ખરાબ હવામાનના કારણે તેને ટાળીને 1 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવી રહી છે. 

રાણેએ જણાવ્યું કે, હવામાન હવે સારું થઈ રહ્યું છે અને આગામી પાંચ દિવસમાં ટેસ્ટ રન પછી ફેરી સવારે 6:30 વાગ્યે ભાઉ ચા ધક્કા ટર્મિનલ(મુંબઈ)થી રવાના થશે. કોંકણની સુંદરતા ઝડપથી અને આરામથી જોવા માંગતા લોકો માટે આ સારા સમાચાર છે.

સફરનો સમય અડધો, સુવિધા ડબલ

રો-રો ફેરીનો સૌથી મોટો ફાયદો એ તેનો સમય છે. મુંબઈથી રોડ માર્ગે વિજયદુર્ગ પહોંચવામાં 10-12 કલાક લાગે છે, પરંતુ ફેરી દ્વારા આ મુસાફરીમાં માત્ર 5-6 કલાક લાગશે.

બીજી તરફ મુંબઈથી જયગઢ સુધીની મુસાફરી 3-4 કલાકમાં પૂરી થઈ જશે. આ ફેરી ફક્ત લોકોને જ નહીં પરંતુ તેમના વાહનોને પણ લઈ જશે, જેનાથી આગળની મુસાફરી વધુ સરળ બનશે. ફેરીમાં 50 ફોર-વ્હીલર અને 30 ટુ-વ્હીલર લઈ જઈ શકાય છે.

આ સેવા મુંબઈ અને માંડવા (અલીબાગ) વચ્ચે દોડતી એક કલાકની રો-રો ફેરી જેવી જ છે, જે માર્ચ 2020માં શરુ થઈ હતી અને ખૂબ જ સફળ રહી. હવે આ નવી સેવા સાથે કોંકણના વધુ વિસ્તારોને જોડવાની યોજના છે. ભવિષ્યમાં શ્રીવર્ધન અને માંડવા જેવી નવા જેટી પણ સામેલ કરવામાં આવશે.

જાણો કેટલું છે ભાડું 

રો-રો ફેરીમાં ચાર પ્રકારની ટિકિટો હોય છે, જે દરેક બજેટને અનુકૂળ હોય છે.

- ઈકોનોમી ક્લાસ: પ્રતિ વ્યક્તિ 2,500 રૂપિયા

- પ્રીમિયમ ઈકોનોમી: પ્રતિ વ્યક્તિ 4,000 રૂપિયા

- બિઝનેસ ક્લાસ: પ્રતિ વ્યક્તિ 7,500 રૂપિયા

- ફર્સ્ટ ક્લાસ: પ્રતિ વ્યક્તિ 9,000 રૂપિયા

જો તમે તમારું વાહન લેવા માગતા હોય, તો તમારે કાર માટે રૂ. 6,000, ટુ-વ્હીલર માટેરૂ. 1,000 અને સાયકલ માટે રૂ. 600 ચૂકવવા પડશે. આ કિંમતો સાંભળીને એવું લાગે છે કે મુસાફરી માત્ર ઝડપી જ નહીં પણ આરામદાયક પણ હશે.