મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ ડીસીપી સૌરભ ત્રિપાઠીએ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ જવાબ નોંધાવ્યો
આંગડિયાના વેપારીઓ પાસે ખંડણી માગવાનો આરોપ
મુંબઇ, : આંગડિયાના વેપારીઓ પાસેથી ખંડણી માગવાના આરોપનો સામનો કરતા મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ ડીસીપી સૌરભ ત્રિપાઠીએ બુધવારે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ જવાબ નોંધાવ્યો હતો. દરમિયાન આ જવાબ ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઇયુ)માં નોંધવામાં આવ્યો નહોતો. પણ ઠેકાણા બાબતે મુંબઈ પોલીસે ભારે ગુપ્તતા જાળવી રાખી હતી. ત્રિપાઠી સામે ટૂંક સમયમાં ડિપાર્ટમેન્ટલ તપાસ શરૃ કરવામાં આવશે.
કોર્ટના આદેશ બાદ ડીસીપી ત્રિપાઠી બુધવારે સવારે તેમનો જવાબ નોંધાવવા હાજર રહ્યા હતા. ત્યાર બાદ કેમનો જવાબ નોંધવામાં આવ્યો હતો. તેમને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. ખંડણી પ્રકરણે અત્યાર સુધીમાં બે વાર આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. ડીસીપી ત્રિપાઠીએ આંગડિયાના વેપારીઓ પાસેથી કોઈ પણ કાર્યવાહી ન કરવા માટે દર મહિને દસ લાખની ખંડણી માગી હોવાની ફરિયાદ આંગડિયા એસોસિયેશને કરી હતી. ડીસીપી ત્રિપાઠીના ઇશારે એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં આંગડિયા વેપારીઓને ધમકાવી તેમના પાસેથી ખંડણી વસૂલવામાં આવી હતી. આ પ્રકરણે આંગડિયાઓ પાસેથી ૧૯ લાખની વસૂલી કરવામાં આવી હતી. જેમાંથી દોઢ લાખ રૃપિયા હવાલા મારફતે ત્રિપાઠીને મોકલવામાં આવ્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ રકમ સ્વીકારવા પ્રકરણે ત્રિપાઠીના નોકરની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ પ્રકરણમાં એડિશનલ પોલીસ કમિશનર (સાઉથ) દિલીપ સાવંત સ્વયં ફરિયાદી છે. તેમની ફરિયાદને આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. આંગડિયાઓએ ખંડણીની ફરિયાદ કર્યા બાદ આ પ્રકરણની તપાસ કરવાનો આદેશ એડિશનલ કમિશનર દિલીપ સાવંતને આપવામાં આવ્યો હતો. આ પ્રકરણે ગુનો નોંધાયા બાદ આ બાબતની તપાસ સીઆઇયુને સોંપવામાં આવી હતી.