કેનેડામાં કેફેમાં ફાયરિંગ બાદ મુંબઈ પોલીસ કપિલ શર્માના ઘરે પહોંચી
કપિલની બિલ્ડિંગની સિક્યુરિટીની પૂછપરછ કરાઈ
સલમાના ઘરે ધમકી, બાબા સિદ્દિકીની હત્યા બાદ કપિલ ખાલિસ્તાની જૂથોના નિશાન પર આવતાં મુંબઈ પોલીસની સમાંતર તપાસ
મુંબઈ - કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના કાફેમાં ગોળીબારની ઘટના બાદ મુંબઇ પોલીસે સમાંતર તપાસ શરૃ કરી છે. ઓશિવારા પોલીસની એક ટીમ આજે કપિલ શર્માના ઘરે પહોંચી હતી. સદ્નસીબે ગોળીબારમાં કોઇને ઇજા થઇ નથી. પરંતુ કાફેને બારે નુકસાન થયું હતું. ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લઠ્ઠીએ હુમલાની જવાબદારી સ્વિકારી હતી.
આ ગોળીબારની ઘટનાએ બોલીવૂડમાં ખળભળાટ મચાવી દીધો છે. અભિનેતા સલમાન ખાનને વારંવાર મળતી ધમકી, બાંદરાના નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટ પર થયેલો ગોળીબાર અને ભૂતપૂર્વ મંત્રી તેમજ સલમાનના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની હત્યાને ધ્યાનમાં રાખીને મુંબઇ પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી છે. કેનેડામાં થયેલી ગોળીબારની મુંબઇ પોલીસે પણ તપાસ હાથ ધરી છે.
કેનેડાના સરેમાં ગત ૪ જુલાઇના અબિનેતા શર્માના નવા ખુલેલા રેસ્ટોરન્ટ કેપ્સ કાફે પર ગુરુવારે અંધાધૂધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ફાયરિંગના એક દિવસ પછી આજે પોલીસ કર્મચારીઓ ઓશિવરામાં ડીએલએચ એન્કલેવ બિલ્ડિંગમાં શર્માના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. શર્માના સરનામાની પુષ્ટિ કર્યા પછી ટીમ થોડીવારમાં પરત જતી રહી હતી.
કોમેડિયનની પૂછપરછ કરી પોલીસ ગોળીબારમાં વધુ માહિતી મેળળવા માગી રહી છે. પોલીસે બિલ્ડિંગના ખાનગી સુરક્ષા કર્મચારીઓ સાથે પણ વાત કરી હોવાનું જાણવા મળ્યું છે.
ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહે ફાયરિંગની જવાબદારી સ્વિકારી શર્માના શોમાં કરેલી વાંધાજનક ટિપ્પણી બદલ તેની પાસે માફીની માગણી કરી હતી.
હુમલાખોરોને લાગ્યું કે શોમાં શીખોનું અપમાન કરવમાં આવ્યું છે. શર્માએ માંફી માંગવા માટેના તેમના કોલને અવગણ્યા હોવાનું કહેવાય છે. જેના લીધે બદલો લેવા ગોળીબાર કરવામાં આવ્યો હોવાની ચર્ચા થઇ રહી છે.
આ બનાવ પછી કેપ્સ કાફેની મેનેજમેન્ટે સોશિયલ મીડિયા પર એક મેસેજ પોસ્ટ કર્યો હતો જેમાં તેમના દુઃખ અને આગળ વધવાતા દ્રઢ નિશ્ચયનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.