મુંબઈ મહાપાલિકાની ચૂંટણી 15મી જાન્યુઆરીએ યોજાવાની સંભાવના

રાજકીય વર્તુળોમાં હંગામી તારીખ ફરતી થઈ ગઈ
નવે. વચ્ચે નગરપાલિકાઓ, ડિસે. ૧૫-૨૦ વચ્ચે જિલ્લા
પરિષદો તથા મુંબઈ સહિતની મહાપાલિકાઓની જાન્યુ.માં ચૂંટણીનું અનુમાન
ડિસેમ્બરના ત્રીજાં સપ્તાહથી આચારસંહિતા લાગુ પડી શકે ૧૫-૨૦
મુંબઈ - મુંબઈ મહાપાલિકાની ચૂંટણી યોજવા માટે તા. ૧૫મી જાન્યુઆરીની તારીખ વિચારાઈ હોવાની વાત રાજકીય વર્તુળોમાં ફરતી થઈ છે. સુપ્રીમ કોર્ટે તા. ૩૧મી જાન્યુઆરી પહેલાં મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીઓ પૂર્ણ કરવા માટે આપેલી મહેતલના સંદર્ભમાં રાજ્યમાં મ્યુનિસિપલ કાઉન્સિલ્સ, જિલ્લા પરિષદો તથા મહાનગર પાલિકાઓની ચૂંટણીઓ અલગ અલગ તબક્કે યોજવાનું આયોજન થઈ રહ્યું હોવાનું મનાય છે.
એક ચર્ચા અનુસાર જાન્યુઆરીના ઉત્તરાર્ધમાં ચૂંટણી યોજાવાની હોવાથી ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયાથી ચૂંટણીની આચાર સહિતા લાગુ થવાની શક્યતા છે. આઠ ડિસેમ્બર થી ૧૯ ડિસેમ્બર સુધી મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર યોજાશે. આથી આ પછી ચૂંટણી આચારસંહિતા લાગુ પડવાની સંભાવના છે.
મુંબઈ સાથે જ નવી મુંબઈ, થાણે , પુણે, મીરા ભાયંદર વસઈ વિરાર જેવી મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ શકે છે.
રાજ્યની શાસક મહાયુતિ ઈચ્છે છે કે મુંબઈ મહાપાલિકાની ચૂૂંટણી સૌથી છેલ્લી યોજાય .મુંબઈ મહાપાલિકાની ચૂંટણી દેશભરમાં ચર્ચાનો વિષય બનતી હોય છે અને સમગ્ર મહારાષ્ટ્રમાં તેના રાજકીય પ્રત્યાઘાતો આવતા હોય છે. આથી, શાસક મહાયુતિ ઈચ્છે છે કે રાજ્યની અન્ય તમામ નગર પાલિકા તથા જિલ્લા પરિષદોની ચૂંટણી પહેલાં આટોપાઈ જાય અને પછી છેલ્લે મુંબઈ મહાપાલિકાની ચૂંટણી યોજાય.
મુંબઈ મહાપાલિકામાં સાડા ત્રણ વર્ષથી વહીવટદારનું શાસન છે. તે અગાઉ આશરે અઢી દાયકા સુધી ત્યારની અવિભાજિત શિવસેનાએ મુંબઈ મહાપાલિકામાં સત્તા ભોગવી હતી. હવે બદલાયેલી રાજકીય સ્થિતિમાં શિવસેનાના બે ભાગ પડી ગયા છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ આશરે બે દાયકા બાદ મહાપાલિકા ચૂંટણી માટે હાથ મિલાવી લીધા છે. આ વખતે એકનાથ શિંદેની શિવસેના નહિ પરંતુ પોતાના મેેયર મહાપાલિકામાં બેસે તેવી ભાજપની નેમ છે. દિવાળી બાદ આ સંદર્ભમાં રાજકીય ગતિવિધિઓ વધુ જોર પકડે તેવી સંભાવના છે.