મુંબઇમાં મહાપાલિકાએ 134 ઇમારતો અતિ જોખમી જાહેર કરી
મુંબઇ - મુંબઇમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ચોમાસામાં જોખમી ઇમારતોનું સર્વેક્ષણ મુંબઇ મહાનગર પાલિકાએ કર્યું હતું. જેમાં મુંબઇમાં ૧૩૪ જર્જરિત ઇમારતો મળી આવી હતી. આમાંથી ૫૭ ઇમારતોને ખાલી કરાવીને સુરક્ષિત ઠેકાણે સ્થળાંતર કર્યા છે. આમાંથી કેટલીકને ઇમારતો તોડવાની પ્રક્રિયા શરૃ છે. જ્યારે ૭૭ ઇમારતોમાં હજુ પણ લોકો રહે છે.
આ જોખમી ઇમારતો બાંદરા, ખાર, ગોરેગામમાં સૌથી વધુ હોવાનું બી.એમ.સી.ના અધિકારીએ જણાવ્યું હતું. જોકે જોખમી ઇમારતમાં રહેતા લોકો જગા ખાલી નહિં કરતાં તેમનો વીજ અને પાણી પુરવઠો ખંડિત કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે.
બી.એમ.સી.એ શોધી કાઢેલી શહેરની ૧૩૪ ઇમારતો જોખમી છે. તે સી-૧ કેટેગરીમાં આવે છે. જે સંભવિત આપત્તિઓને રોકવા માટે તેમને તાત્કાલિક ખાલી કરાવાની અને તોડી પાડવી જરૃરી છે.
ચોમાસા પહેલા કરેલા સર્વેક્ષણ મુજબ બી.એમ.સી.એ આપેલી જાણકારી મુજબ બાંદરા, ખાર અને સાંતાક્રુઝ પશ્ચિમમાં પ્રત્યેકમાં ૧૫-૧૫ ઇમારતો સૌથી જોખમી છે. આ પછી જોગેશ્વરી, અંધેરી પૂર્વ અને ઘાટકોપરનો ક્રમ આવે છે. જ્યાં પ્રત્યેક ૧૧ ઇમારતોનો સમાવેશ થાય છે.
સૌથી વધુ જોખમી ઇમારત ક્યા વોર્ડમાં
વોર્ડ જોખમી ઇમારતની સંખ્યા
ઓચ/પશ્ચિમ (બાંદરા, ખાર પશ્ચિમ) ૧૫
પી/દક્ષિણ (ગોરેગામ પશ્ચિમ) ૧૫
કે/પૂર્વ (અંધેરી પૂર્વ) ૧૧
એન (ઘાટકોપર) ૧૧
કે/પશ્ચિમ (અંધેરી પશ્ચિમ) ૧૦
આર/દક્ષિણ (કાંદિવલી) ૮
આર/ઉત્તર (દહિસર) ૭