મુંબઇની હવા સતત બીજા દિવસે પણ ચોખ્ખી રહી
ગયા મહિને ઠંડકના માહોલ બાદ હવે મહારાષ્ટ્રનાં મોટાભાગનાં શહેરમાં લઘુત્તમ તાપમાન ઉંચું ગયું
મુંબઈ - મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રનું હવામાન ઉપર તળે થઇ રહ્યુ ં છે. ૨૦૨૬ના નૂતન વર્ષના પહેલા જ દિવસે ૧, જાન્યુઆરીએ મુંબઇ, નવી મુંબઇ, થાણેમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સાથોસાથ, આકાશ પણ વાદળિયું થઇ ગયું હોવાથી સૂર્યનારાયણનાં દર્શન પણ થઇ શક્યાં નહોતાં. બીજીબાજુ મહારાષ્ટ્રના મોટાભાગમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હોવાના સમાચાર મળે છે.હવામાન વિભાગે આવતા ચાર દિવસ(૩થી૬, જાન્યુઆરી) દરમિયાન મુંબઇ સહિત મહારાષ્ટ્રનું હવામાન સૂકું રહેવાનો સંકેત આપ્યો છે. સાથોસાથ મુંબઇના તાપમાનમાં પણ થોડો વધારો થવાની શક્યતા દર્શાવી છે.
હવામાન વિભાગનાં સિનિયર વિજ્ઞાાની નીતા શશીધરને ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે ઉત્તર પાકિસ્તાન અને પંજાબ પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ઉત્તર પ્રદેશ પર થઇ રહી છે. સાથોસાથ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પણ આકાશમાં ૩.૧ કિલોમીટરના અંતરે થઇ રહી છે. આવાં કુદરતી પરિબળની અસરથી અરબી સમુદ્રમાંથી ભેજનો વિપુલ જથ્થો મુંબઇ પર ઠલવાઇ રહ્યો છે. આ જ પરિબળની તીવ્ર અસરથી ૧, જાન્યુઆરીએ મુંબઇ અને આજુબાજુના પરિસરમાં માવઠું થયું હતું.
આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇનું આકાશ સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન ૨૯.૦-૩૧.૦ ડિગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન ૧૮.૦-૧૯.૦ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
બીજીબાજુ સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ(સફર)નાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આજે સતત બીજા દિવસે પણ મુંબઇની હવા સારી - સંતોષકારક રહી હતી. આજે મુંબઇની હવાની ગુણવત્તાનો સરેરાશ આંક ૭૭ (બપોરે ઃ ૨ ઃ ૩૦) , ૮૦(સાંજે ઃ ૫ ઃ ૩૦) નોંધાયો હતો, જે સંતોષકારકની શ્રેણીમાં આવે છે.
નવા વર્ષના પહેલા દિવસે, ૧, જાન્યુઆરીએ મુંબઇમાં અચાનક જ વરસાદી માહોલ સર્જાયો હોવાથી વાતાવરણમાં ફેલાયેલું પ્રદૂષણ સાફ થઇ ગયું છે. આજે આકાશ ઘણું સ્વચ્છ રહ્યું હતું.


