Mumbai

સતત 3જા દિવસે 6 ઈંચથી વધુ વરસાદ ઝિંકાતાં મુંબઈ પાણી પાણી

By GS TEAM
19 Aug 20253 mins read
સતત  3જા દિવસે 6 ઈંચથી વધુ વરસાદ ઝિંકાતાં મુંબઈ પાણી પાણી

તમામ મુખ્ય માર્ગો જળબંબાકાર, ટ્રેક પર પાણી આવતાં લોકલો મોડી પડી

હવામાન વિભાગ દ્વારા    આજે  પણ રેડ એલર્ટ ઃ શાળા કોલેેજો માં રજા ઃ   સરકારી કચેરીઓ પણ વહેલી બંધ કરાઈ - વિઝિબિલટી ઘટતાં ફલાઈટ્સને પણ અસર

મુંબઈ  - મુંબઈમાં આજે સતત ત્રીજા દિવસે વરસાદે તડાપીટ બોલાવી  હતી અને આજે  વહેલી  સવારથી સાંજ સુધીમાં અનેક વિસ્તારોમાં છથી આઠ ઈંચ વરસાદ ખાબકી જતાં સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતુું. શહેરના અનેક મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતાં ટ્રાફિકને અસર પડી હતી. સેન્ટ્રલ લાઈનના ટ્રેક પર પાણી ભરાતાં સેન્ટ્રલ મેઈન તથા હાર્બરની લોકલો મોડી પડી હતી. એરપોર્ટ પર ફલાઈટ્સના લેન્ડિંગમાં  વિલંબ થયો હતો અને કેટલીક ફલાઈટ્સ ડાઈવર્ટ કરવી પડી હતી. ભારે વરસાદને પગલે હવામાન ખાતાંએ ઓરેન્જ એલર્ટને રેડ એલર્ટમાં અપગ્રેડ કરતાં શાળા-કોલેજો બંધ કરવામાં આવી  હતી અને મોટાભાગની ઓફિસોમાં પણ બપોરે જ રજા જાહે કરી દેવાઈ હતી. મુંબઈ ઉપરાંત થાણે, વસઈ વિરાર, નવી  મુંબઈ માટે આવતીકાલે પણ રેડ એલર્ટ અપાયો છે. આ સંદર્ભમાં તંત્ર સાબદુું બની ગયુું છે. આવતીકાલે પણ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. 

મુંબઈમાં ગઈ રાતે વરસાદ ધીમી થી મધ્યમ ધારે ચાલુ રહ્યો હતો પરંતુ આજે સવાર પડતાં જ વરસાદે અચાનક રફતાર પડી હતી. ચેમ્બુર, સાયન, વડાલા, દાદર અને પરેલના પટ્ટામાં તો સવારે ચાર કલાકમાં જ છ ઈંચ વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત તળ મુંબઈ, પશ્ચિમી પરાં તથા પૂર્વીય પરાંમાં પણ દિવસભર મૂશળધાર વરસાદ ચાલુ  રહ્યો  હતો. 

૧૫મી ઓગસ્ટ, જન્માષ્ટમી અને બાદમાં રવિવારની લોંગ વીક એન્ડની રજા માણ્યા બાદ આજથી ફરી રોજિંદી ઘરેડમાં ગોઠવાઈ જવા નીકળેલા મુંબઈગરાઓની રફતારને વહેેલી  સવારથી બ્રેક લાગી  ગઈ હતી. દાદર, ચેમ્બુર, વડાલા, કુર્લા એલબીએસ રોડ, અંધેરી લોખંડવાલા, સાઉથ મુંબઈના નળ બજાર, કાંદિવલી, મુલુંડ સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાવાં લાગ્યાં હતાં. તેના કારણે ટ્રાફિક ધીમો પડતાં  વાહનોની કતારો લાગી હતી. અનેક વિસ્તારોમાં બેસ્ટના રુટ ડાઈવર્ટ કરવા  પડયા હતા. બીજી તરફ મુંબઈ એરપોર્ટ પર સવારથી જ વિઝિબિલિટી ઘટતાં ફલાઈટસને પણ અસર થઈ હતી. આશરે નવ  ફલાઈટ્સને લેન્ડિંગ પહેલાં એરપોર્ટ પર લાંબા સમય સુધી ચક્કર મારવાં પડયાં હતાં. કેટલીક ફલાઈટ ડાઈવર્ટ કરવામાં આવી  હતી. 

મુંબઈ માટે આજે હવામાન ખાતાંએ ઓરેન્જ એલર્ટ આપ્યો હતો. પરંતું મધ્યાહ્ન પહેલાં જ તે રેડ એલર્ટમાં તબદીલ થયો હતો. તેને પગલે શાળા કોલેજોમાં  તત્કાળ રજા  જાહેર કરાઈ હતી. સરકારી ઓફિસો પણ છોડી મૂકવામાં આવી  હતી. 

ભારે જળબંબાકારમાં વાહનો અટવાતાં  હજારો લોકો માર્ગમાં જ ફસાયા હતા.  દાદર, પરેલ, ચેમ્બુર  સહિતના વિસ્તારોમાં ઉપરાંત ઈસ્ટર્ન અને  વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબંી કતારો  જોવા મળી હતી. વેસ્ટર્ન રેલવેની લોકલોને ખાસ અસર પડી ન હતી પરંતુ સેન્ટ્રલ મેઈન લાઈન તથા હાર્બર લાઈન પર ટ્રેક પર પાણી ભરાતાં લોકલો મોડી પડી હતી. બીજી  તરફ ભૂગર્ભ મેટ્રો થ્રી તથા મેટ્રો ટુએ અને સેવન તથા મેટ્રો વનની સેવાઓ કોઈ વિક્ષેપ વિના જ ચાલુ રહી હતી.