Get The App

મુંબઇમાં બેવડી ઋતુનો અનુભવ - સવારે ઠંડી, બપોરે ગરમી તથા બફારો

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
મુંબઇમાં બેવડી ઋતુનો અનુભવ  -  સવારે ઠંડી, બપોરે ગરમી  તથા બફારો 1 - image


ટાઢાબોળ માહોલ વચ્ચે મુંબઇ આખા મહારાષ્ટ્રમાં સૌથી હોટ

મહારાષ્ટ્રનાં  છ શહેરમાં કોલ્ડ વેવની ચેતવણી   17   શહેરમાં   ઠંડીનો પારો 9 થી 14 ડિગ્રી 

મુંબઇ -  આજે  મુંબઇના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. મુંબઇગરાંને બે ઋતુનો વિચિત્ર અનુભવ થયો હતો. સવારે ઠંડા પવનો  સાથે ટાઢો માહોલ જ્યારે  બપોરે ગરમી અને બફારો અનુભવાયો હતો.  હવામાન વિભાગે એવી માહિતી આપી હતી કે આજે  મુંબઇ  ૩૨.૬( સાંતાક્રૂઝ ઃ મહત્તમ તાપમાન) ડિગ્રી સેલ્સિયસ  સાથે આખા  મહારાષ્ટ્રનું સૌથી હોટ શહેર રહ્યું હતું.  જ્યારે  જેઉર  ૯.૦ ડિગ્રી(લઘુત્તમ) સાથે આખા રાજ્યનું સૌથી ટાઢુંબોળ રહ્યું હતું. આજે  મહારાષ્ટ્રનાં ૧૭ શહેરનું  લઘુત્તમ તાપમાન ૯.૦ થી ૧૪.૦ ડિગ્રી વચ્ચે અત્યંત ટાઢુંબોળ રહ્યું હોવાના સમાચાર મળે છે. 

આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૧.૮ અને લઘુત્તમ તાપમાન ૨૭.૭ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૨.૬ અને લઘુત્તમ તાપમાન ૧૭.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે સાંતાક્રૂઝનાં બંને તાપમાન વચ્ચે  ૧૪.૯ ડિગ્રીનો મોટો તફાવત પણ રહ્યો હતો. જ્યારે કોલાબામાં બંને તાપમાન વચ્ચે ફક્ત ૪.૧ ડિગ્રીનો તફાવત રહ્યો હતો. 

 હવામાન વિભાગે મધ્ય  મહારાષ્ટ્રનાં ધુળે, નંદુરબાર, જળગાંવ, નાશિક, અહિલ્યાનગર, પુણે એમ  છ શહેરમાં આવતા બે દિવસ(૩,૪ - ડિસેમ્બર) દરમિયાન ઠંડીનું મોજું(કોલ્ડ વેવ) ફરી વળે તેવાં કુદરતી પરિબળો સર્જાયાં હોવાની ચેતવણી જારી કરી છે.  આ બંને દિવસ દરમિયાન બાળકો અને વૃદ્ધજનો તેમની પૂરતી કાળજી રાખે તેવી માર્ગદર્શિકા પણ જારી કરી છે.

હવામાન વિભાગનાં સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે ગુજરાત સમાચારને  એવી માહિતી આપી હતી કે આજે મુંબઇ -- મહારાષ્ટ્ર પર ઉત્તર -પૂર્વ(ઇશાન) ના પવનો ફૂંકાવા શરૃ થયા છે. એટલે કે પવનની દિશામાં ઉત્તરમાંથી ઇશાનની થઇ છે.વળી, હાલ  મુંબઇનું ગગન સ્વચ્છ રહે છે. વાદળો  બહુ જ ઓછાં છે. આકાશ ચોખ્ખું હોવાથી બપોરે સૂર્યનાં તેજસ્વી  કિરણો છેક પૃથ્વી સુધી આવે છે. પરિણામે  બપોરે વાતાવરણમાં ગરમી ફેલાય અને બફારાનો અનુભવ થાય.  જ્યારે રાતે રેડિયેશનની અસર ઘણી ઓછી થઇ જવાથી વાતાવરણમાં   ઠંડક  રહે છે. 

આજે મહારાષ્ટ્રના અહમદનગરમાં લઘુત્તમ તાપમાન ૯.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બીડ -૯.૮, જળગાંવ-૧૦.૩, માલેગાંવ -૧૦.૮,   પુણે-૧૧.૬,   યવતમાળ-૧૧.૮,  ગોંદિયા -૧૨.૨, નાગપુર-૧૨.૪, મહાબળેશ્વર-૧૨.૬, વાશીમ-૧૨.૮, સાતારા-૧૩.૫, પરભણી-૧૩.૫, અમરાવતી-૧૩.૭, અકોલા -૧૩.૯, ઉસ્માનાબાદ-૧૪.૦, બુલઢાણા -૧૪.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.  


Tags :